આનંદો...! શૈક્ષણિક સંસ્થાઓમાં કેન્દ્ર સરકાર વધારશે 25% બેઠકો
સામાન્ય વર્ગ માટે લાગુ કરવામાં આવેલી 10 ટકા અનામતને લાગુ કરવા માટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં 25 ટકા સીટો વધારવાની જાહેરાત કરવામાં આવી છે
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા મંગળવારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2019-20ના શૈક્ષણિક સત્રથી દેશભરમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામત લાગુ કરવામાં આવશે. આ માટે દેશભરમાં આવેલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં લગભગ 25 ટકા જેટલી બેઠકો વધારવામાં આવશે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC) અને અખિલ ભારતીય તક્નીકી શિક્ષણ પરિષદ (AICTE)ના અધિકારીઓ સાથેની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે પત્રકારોને જણાવ્યું કે, 'વર્ષ 2019-2020ના શૈક્ષણિક સત્રથી જ દેશભરમાં સવર્ણ અનામત લાગુ કરી દેવામાં આવશે. સવર્ણ વર્ગના લોકોને તેનો ફાયદો મળી શકે તે માટે અંદાજે 25 ટકા જેટલી સીટો વધારવામાં આવશે, જેથી કરીને અુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના ક્વોટાને કોઈ અસર થાય નહીં.'
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, 'દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં 10ટકા આર્થિક અનામત લાગુ કરવા અને તેના માટે જરૂરી બેઠકો વધારવા અંગે હાલ મંત્રાલય કામગીરી કરી રહ્યું છે. એક અઠવાડિયાના અંદર જ ક્યાં કેટલી સીટ વધારવામાં આવશે તેની જાહેરાત કરાશે. સાથે જ સરકાર ખાનગી યુનિવર્સિટીઓમાં પણ અનામત લાગુ કરાવા માટે તૈયાર છે.'
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંધારણ (124મો સુધારો) બિલ, 2019 પર સોમવારના રોજ હસ્તાક્ષર કરી દેવાની સાથે જ દેશભરમાં સરકારી નોકરીઓ અને શિક્ષણના ક્ષેત્રે 10 ટકા અનામદ આપવાની બંધારણીય જોગવાઈ લાગુ થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે