રાફેલ ડીલ પર મોદી સરકારને મળ્યો વાયુસેના ચીફનો સાથ, કહ્યું- 'ગેમચેન્જર છે આ ડીલ'

રાફેલ ફાઈટર વિમાનોને લઈને વધતા વિવાદ વચ્ચે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ આજે કહ્યું કે આ ડીલ એક 'સારું પેકેજ' છે.

રાફેલ ડીલ પર મોદી સરકારને મળ્યો વાયુસેના ચીફનો સાથ, કહ્યું- 'ગેમચેન્જર છે આ ડીલ'

નવી દિલ્હી: રાફેલ ફાઈટર વિમાનોને લઈને વધતા વિવાદ વચ્ચે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ આજે કહ્યું કે આ ડીલ એક 'સારું પેકેજ' છે અને વિમાન ઉપમહાદ્વિપ માટે 'મહત્વપૂર્ણ' સાબિત થશે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે દસોલ્ટ એવિએશને ઓફસેટ ભાગીદારની પસંદગી કરી અને સરકાર તથા ભારતીય વાયુસેનાની તેમાં કોઈ ભૂમિકા નહતી. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે "રાફેલ એક સારું ફાઈટર વિમાન છે. તે ઉપમહાદ્વિપ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે." 

દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે રાફેલ અને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ બુસ્ટર ડોઝ જેવા છે. એરચીફે સ્ક્વોડ્રોનની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે HAL સાથે કરાર થવા છતાં ડિલિવરીમાં ખુબ વાર લાગી છે. સુખોઈ-30ની ડિલિવરીમાં 3 વર્ષ મોડું થઈ ગયું છે. ફાઈટર વિમાન જગુઆરમાં 6 વર્ષ મોડું થયું છે. એલસીએમાં 5 વર્ષ મિરાજ 2000ની ડિલિવરીમાં બે વર્ષની વાર લાગી છે. 

— ANI (@ANI) October 3, 2018

રાફેલ ડીલમાં મળ્યાં અનેક ફાયદા- વાયુસેના પ્રમુખ
વાયુસેના પ્રમુખે કહ્યું કે આપણને સારું પેકેજ મળ્યું. આપણને રાફેલ ડીલમાં અનેક ફાયદા થયાં. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ સરકાર પર રાફેલ ડીલમાં અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહી છે. ભાજપે આ તમામ આરોપો ફગાવ્યાં છે. 

તેમણે રાફેલ ડીલ પર વધુમાં કહ્યું કે અમે કપરી સ્થિતિમાં હતાં. અમારી પાસે 3 વિકલ્પ હતાં. પહેલો એ કે કઈંક થાય તેની રાહ જોઈએ, RPFને વિથડ્રો કરીએ કે પછી ઈમરજન્સી ખરીદી કરીએ. અમે ઈમરજન્સી ખરીદી કરી. રાફેલ ડીલ અમારા માટે બુસ્ટર સમાન છે. 

ધનોઆએ કહ્યું સરકારે એકદમ બોલ્ડ પગલું ભરતા 36 રાફેલ ફાઈટર વિમાનો ખરીદ્યાં. એક ઉચ્ચ પ્રદર્શન કરનારું અને ઉચ્ચ ટેક્નોલોજીથી સુસજ્જ ફાઈટર વિમાન ભારતીય વાયુસેનાને અપાયું છે. જેથી કરીને અમે અમારી ક્ષમતાને વધારી શકીએ. 

— ANI (@ANI) October 3, 2018

વાયુસેના ચીફ ધનોઆએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે આપણા પાડોશીઓએ બીજા અને ત્રીજા જનરેશનના વિમાનોને ચોથા અને પાંચમા જનરેશન સાથે રિપ્લેસ કરી લીધા છે તો આપણે પણ આપણા વિમાનોને અપગ્રેડ  કરવા પડશે. તેમણે કહ્યું હતું કે આપણે કોઈ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતિને રોકવા માટે પૂરી તૈયારીઓ કરવી પડશે. જેથી કરીને બે મોરચે પણ જો લડવું પડે તો આપણે તૈયાર રહીએ.

વાઈસ એરચીફે પણ કર્યું હતું રાફેલનું સમર્થન
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વાઈસ એરચીફ માર્શલે કહ્યું હતું કે આ એક ખુબ જ સુંદર એરક્રાફ્ટ છે. ખુબ ક્ષમતાવાન છે. અમે તેને ઉડાવવા માટે રાહ જોઈ રહ્યાં છીએ. તેમણે એક કાર્યક્રમમાં આ ડીલ ને લઈને થયેલા વિવાદ અંગે જ્યારે સવાલ પૂછાયો તો આ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાફેલ જેટ્સથી ભારતની મુકાબલો કરવાની ક્ષમતામાં અભૂતપૂર્વ લાભ થશે. ભારતે બંને દેશોની સરકાર વચ્ચે થયેલી આ ડીલ પર સપ્ટેમ્બર 2016માં મોહર લગાવી હતી. ભારત 58000 કરોડ રૂપિયામાં 36 રાફેલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. 

ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ આવ્યો હતો વિવાદાસ્પદ વળાંક
રાફેલ વિવાદમાં ગત મહિને પૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના હવાલે કહેવાયું હતું કે ફ્રાંસને દસોલ્ટ માટે ભારતીય ભાગીદારની પસંદગી માટે કોઈ વિકલ્પ અપાયો નહતો. ભારત સરકારે ફ્રેન્ચ એરોસ્પેસ કંપની માટે ઓફસેટ ભાગીદાર તરીકે રિલાયન્સના નામનો પ્રસ્તાવ રજુ  કર્યો હતો. મોદીએ 10 એપ્રિલ 2015ના રોજ પેરિસમાં ઓલાંદ સાથે વાતચીત બાદ 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદીની જાહેરાત કરી હતી.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news