Chandrayaan 3: ઈતિહાસ રચવાના આરે ઈસરો, શુક્રવારે બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3ને લૉન્ચ કરાશે

Chandrayaan 3 Launch મિશન ચંદ્રયાન 3ના લોન્ચિંગ માટે બાહુબલી રોકેટ લોન્ચ વીઇકલ માર્ક-3 (એલવીએમ-3) તૈયાર છે. એલવીએમ 3 ભારતનું સૌથી ભારે રોકેટ છે, જેનો સક્સેસ રેટ 100 ટકા છે. આ પહેલા 6 અભિયાનોને અંજામ આપી ચુક્યુ છે. 

Chandrayaan 3: ઈતિહાસ રચવાના આરે ઈસરો, શુક્રવારે બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3ને લૉન્ચ કરાશે

નવી દિલ્હીઃ ભારતના ચંદ્રયાન 3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીના કલાકોમાં ઈસરો ફરી ઈતિહાસ સર્જવા જઈ રહ્યું છે. 612 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ચંદ્રયાન 3 પર આખી દુનિયાની નજર છે. ત્યારે ઈસરોનું મિશન કેમ ભારત માટે ખાસ છે, જોઈએ આ અહેવાલમાં... 

ઈસરો ફરી એકવાર ચંદ્રની સફર કરવા તૈયાર છે... 14 જુલાઈ 2023નો દિવસ ભારતના અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શુક્રવારે બપોરે 2 વાગ્યેને 35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો ચંદ્રયાન-3 લોન્ચ કરશે. આ સાથે જ અંતરિક્ષમાં ફરી એકવાર તિરંગો લહેરાશે. 
 
ઈસરોના વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. ચંદ્રયાનનો સંબધ વિજ્ઞાન સાથે છે, પણ તેને તૈયાર કરનારા વૈજ્ઞાનિકો પોતાની અંગત આસ્થા અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા ઈશ્વરના શરણે ગયા હતા. 

લોન્ચિંગ પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકો તિરુપતિના વેંકટચલાપથી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા, વૈજ્ઞાનિકોની ટીમમાં ત્રણ મહિલા અને બે પુરુષ સામેલ હતા. જ્યારે ઈસરોના વડા એસ. સોમનાથ તિરુપતિના ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી. મંદિરમાં દર્શન બાદ તેમણે ચંદ્રયાન 3ની સફલતા માટે આશા વ્યક્ત કરી હતી. 

2019માં ઈસરોએ ચંદ્રયાન 2 લોન્ચ કર્યું હતું, પણ કેટલીક ખામીઓને કારણે ચંદ્ર પર લેન્ડિંગ પહેલા જ લેન્ડર ક્રેશ થઈ ગયું અને મિશન સફળ ન થઈ શક્યું. જો કે ઈસરોએ હાર ન માની અને ચાર વર્ષમાં ડિઝાઈનથી લઈને એસેમ્બલિંગમાં ફેરફાર કરીને ચંદ્રયાન 3 તૈયાર કર્યું છે. આ મિશનથી ઈસરોને તો ઘણી આશાઓ છે જ, પણ દુનિયાની નજર પણ ભારતના આ મિશન પર ટકેલી છે. 

અમેરિકા ચંદ્રયાન-3 મિશનના આધારે પોતાના આર્ટેમિસ મિશનની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ મિશન દ્વારા અમેરિકા ફરી એકવાર ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને મોકલવા માગે છે. ભારત-અમેરિકાએ તાજેતરમાં જ આર્ટેમિસ એકોર્ડ પર પણ હસ્તાક્ષર પણ કર્યા હતા. 

ચંદ્રયાન-3 મિશનને લોન્ચ વ્હીકલ LMV3 રોકેટ દ્વારા ચંદ્રની કક્ષા સુધી મોકલવામાં આવશે. ઈસરોના વર્કશોપમાં પહેલા તો ચંદ્રયાનના જુદા જુદા ભાગોને લઈ જઈને એસેમ્બલ કરવામાં આવ્યા, ત્યારબાદ યાન સાથેના રોકેટને લોન્ચપેડ સુધી આવી રીતે લાવવામાં આવ્યું. રેલવે ટ્રેક પર ચાલતી ગાડીમાં 640 ટન વજનના બાહુબલી રોકેટને લોન્ચપેડ સુધી લઈ જવાયું. આ રોકેટ 3900 કિલોગ્રામ વજનના ચંદ્રયાન 3ને ચંદ્રની સફરે લઈ જશે. રોકેટ ચંદ્રયાનને પૃથ્વીથી દૂર 36 હજાર 500 કિલોમીટરના અંતરે તરતું મૂકશે. ચંદ્રયાન 3 ચંદ્રની ધરતી અને ખડકોના બંધારણ તેમજ વાતાવરણનો અભ્યાસ કરશે.

મિશનની સફળતા માટે ઈસરોએ 2019માં થયેલી ખામીઓને દૂર કરી છે, કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે ચંદ્રયાન 3ના પાયા એટલે કે લેગ્સને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. નવા સેન્સરનો ઉપયોગ કરાયો છે. યાનને સોલર પેનલથી સજ્જ કરાયું છે. આ ઉપરાંત ચંદ્રયાનના લેન્ડિંગ એરિયામાં ચાર ગણો વધારો મિશનમાં કરાયેલું સૌથી મોટું પરિવર્તન છે, આ ઉપરાંત ચંદ્રયાન 2થી ઉલટું ચંદ્રયાન 3માં ઓર્બિટરનો સમાવેશ નથી કરાયો. લેન્ડરને પણ વધારાના ટ્રેકિંગ, ટેલીમેટ્રી અને કમાન્ડ એન્ટીનાથી સજ્જ કરાયા છે.  ચંદ્રયાન 2એ મોકલેલી લેન્ડિંગ એરિયાની તસવીરોને જોતાં આ ફેરફાર કરાયા છે. 

પ્રક્ષેપણના લગભગ 40 દિવસ બાદ ચંદ્રયાન 23 કે 24 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. જેને સોફ્ટ લેન્ડિંગ કહેવાય છે. ચંદ્રયાન-3 મિશનના લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે, લેન્ડરમાંથી રોવર છૂટું પડશે. રોવર પોતાના કેમેરા અને સેન્સર વડે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. આ સમગ્ર કામગીરીને આ એનિમેશનના માધ્યમથી સમજી શકાય છે.

અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પોતાના સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર ઉતારી ચૂક્યા છે. હવે ભારત આ લીગમાં ચોથો દેશ બનશે. જે દરેક ભારતીય માટે ગર્વ લેવાની બાબત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news