Bandit Queen: 48 ગુનામાં સંડોવાયેલી Phoolan Devi કેવી રીતે બની લોકસભાની સાંસદ? જાણી રોચક કહાની
આજે બે વખતના સંસદ સભ્ય રહેલાં BANDIT QUEEN ફૂલન દેવીનો જન્મદિવસ. આ આર્ટીકલમાં અમે તમને તેમના ચંબલના જંગલથી દિલ્લીના સંસદ ભવન સુધીની સફર વિશે એવી ઘણી બધી વાતો જણાવી છે જેના વિશે તમે નહીં જાણતા હોવ.
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ 10 ઓગસ્ટ 1963ના રોજ ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના એક નાનકડા ગામ ગુર્હા કા પુરવામાં દેવી દિન મલ્લાહ અને મોલા મલ્લાહને ત્યાં એક બાળકીનો જન્મ થયો. બાળકીનું નામ ફૂલન રાખવામાં આવ્યું. ફૂલન પરિવારની સૌથી નાની દિકરી હતી. ફૂલન પહેલાં તેની એક મોટી બહેન અને 2 મોટા ભાઈ હતા. ગરીબ ઘરની ફૂલન બાળપણથી જ થોડી જિદ્દી અને બાગી મીજાજની હતી. ફૂલન 11 વર્ષની હતી જ્યારે તેના દાદા અને દાદીનું મૃત્યુ થયું. અને તેઓ પોતાના બે દિકરાઓ દેવી દિન મલ્લાહ અને માયા દિન મલ્લાહ માટે 1 એકર જમીન છોડીને ગયા. જેમાં, 1 લીમડાનું ઝાડ હતું. ત્યારે, માયા દિન મલ્લાહ અને તેના 2 દિકરા એટલે કે ફૂલનના પિતરાઈ ભાઈઓએ લીમડાના ઝાડને કાપવાની વાત કરી. પહેલાં તો દેવી દિન મલ્લાહે આ વાતનો વિરોધ કર્યો પણ ત્યારબાદ તે માની ગયા. પરંતુ, ફૂલનને આ વાત મંજૂર ન હતી અને તેણે તેના કાકા એટલે કે માયા દિન મલ્લાહ સામે મોર્ચો ખોલ્યો. ફૂલને તેના ભાઈઓને ગાળો આપી અને આ વાતનો વિરોધ કર્યો. થોડા અઠવાડિયા બાદ ગામની છોકરીઓ સાથે ભેગા થઈ ફૂલને ગામના પોલીસ મથકની બહાર ધર્ણા પર બેઠી અને પોતાનો વિરોધ દર્શાવ્યો. દરમિયાન તેના માતા-પિતાએ ઘણીવાર તેને મનાવવાનો પ્રયાસ કર્યો પણ તે ન માની અને પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની જિદ્દ પર મક્કમ રહી. જે બાદ તેના કાકાએ ફૂલનને પથ્થર માર્યો અને ફૂલન બેભાન થઈ ગઈ.
ફૂલનના તેનાથી 3 ગણા મોટા શખ્સ સાથે થયા લગ્નઃ
ફૂલનના આવા સ્વભાવથી કંટાળીને તેના પિતાએ બાજુના જ ગામના પુત્તિલાલ મલ્લાહ નામના શખ્સ સાથે 11 વર્ષની ફૂલનના લગ્ન નક્કી કર્યા. જે પુત્તિલાલ સાથે ફૂલનના લગ્ન થયા તે ફૂલનથી ઉંમરમાં 3 ગણો મોટો હતો. ફૂલન પોતાના સાસરે ગઈ જ્યાં 11 વર્ષની ફૂલન સાથે તેના પતિએ જબરદસ્તી કરી બળાત્કાર ગુજાર્યો. (અહિં બળાત્કાર શબ્દનો એટલે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, કેમ કે ભલે કોઈ સ્ત્રી પરિણીત હોય પણ તેનો પતિ જો તેની ઈચ્છા વિરૂદ્ધ જબરદસ્તી કરે તો તે બળાત્કાર જ કહેવાઈ છે.) ફૂલન સાથે ઘણીવાર આવું થયું અને તે સાસરેથી ભાગીને પોતાના પિતાના ઘરે આવી. અને જ્યારે પણ તેને પરત તેના સાસરે મોકલવામાં આવતી તે થોડાં દિવસ રહીને ફરીથી ભાગીને પોતાના ઘરે આવી જતી.
ફૂલન સાથે જેલમાં શારીરિક શોષણઃ
ફૂલન વારંવાર પોતાના સાસરે ભાગીને આવી જતી હતી. જેનાથી તેના પિતા દેવી દિન મલ્લાહ કંટાળ્યા હતા. અને તેમણે પોતાની દિકરીને સબક શીખવવા માટે તેની સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી. જેના કારણે 3 દિવસ પોલીસ લોક અપમાં ફૂલનને રાખવામાં આવી અને ત્યાં તેની સાથે પોલીસ દ્વારા અનેક વાર શારીરિક શોષણ કરવામાં આવ્યું. જોકે, 3 દિવસ બાદ તેને મુક્ત કરવામાં આવી. ત્યારબાદ, ફૂલન 16 વર્ષની થઈ અને ફરી તેને તેના પતિના ઘરે મોકલવામાં આવી હતી. પરંતુ, તેના પતિએ બીજા સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. જેના પગલે ફૂલનને તેના ઘરે પરત મોકલવામાં આવી હતી.
સામાન્ય ફૂલન બની ડાકુરાની ફૂલનઃ
ફૂલન દેવી જે ગામમાં રહેતી હતી તે બુંદેલખંડથી થોડા નજીક હતો. આ વિસ્તારના લોકો ગરીબ હતા. જેથી તે વિસ્તારમાં ડાકુઓની સંખ્યા ખૂબ જ વધારે હતી. ત્યારે, ફૂલન કેવી રીતે ડાકુ બની તે વાત હજુ સ્પષ્ટ નથી થઈ અને ના તો ફૂલને કોઈ દિવસ આ વાતની ખૂદ સ્પષ્ટતા કરી. ફૂલને પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ જ કિસ્મતને મંજૂર હતું ("किस्मत को यही मंझुर था"). ફૂલન કેવી રીતે ડાકુ બની તે પાછળ બે વાર્તા છે. એક વાત મુજબ 1979માં ફૂલન ખૂદ જ ચંબલના ડાકુઓના સંપર્કમાં આવી હતી અને તેમની સાથે રવાના થઈ ડાકુ બની હતી. અને બીજી વાત એવી છે કે, ફૂલનના જિદ્દી અને બાગી સ્વભાવના કારણે ડાકુઓની નજર તેના પર પહેલાંથી જ હતી એટલે ડાકુઓએ તેનું અપહરણ કર્યું હતું. ફૂલન સૌ પ્રથમ બાબૂ ગુજર નામના ડાકુની ગેંગમાં જોડાઈ હતી. ગેંગમાં બાબૂ ગુજર બાદ ગેંગનો બીજો સરદાર વિક્રમ મલ્લાહ હતો જે ફૂલનના સમાજનો હતો અને જેના કારણે ફૂલન માટે વિક્રમ મલ્લાહને થોડી સહાનભૂતિ હતી. પરંતુ, બાબૂ ગુજરની નજર ફૂલન પર બગડી હતી અને તેણે ફૂલન સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન વિક્રમ મલ્લાહે બાબૂ ગુજરને ગોળી મારી તેની હત્યા કરી હતી. બાબૂ ગુજરની મોત બાદ વિક્રમ મલ્લાહ ગેંગનો સરદાર બન્યો હતો.
ફૂલને લીધો તેની સાથે થયેલા અન્યાયનો બદલોઃ
બાબૂ ગુજરની મોતના થોડાં અઠવાડિયા બાદ ફૂલન દેવી તેના ગેંગના લોકો સાથે તેના પતિ પુત્તિલાલના ગામે ગઈ. જ્યાં તેની સાથે થયેલી હિંસા અને શોષ્ણના બદલામાં ફૂલને પુત્તિલાલને તેના ઘરની બહાર કાઢીને ઢોર માર માર્યો અને અધમરી હાલતમાં મુકીને ફરાર થઈ. જ્યારે, ફૂલને તે ગામમાં એક પત્ર પણ છોડ્યો હતો. જેમાં તેણે ગામના લોકોને ધમકી આપી હતી કે, જો કોઈ આધેડ ઉંમરનો વ્યક્તિ તેનાથી ખૂબ જ નાની છોકરી સાથે લગ્ન કરશે અથવા તો જબરદસ્તી કરશે તો તેને ફૂલન દેવી મોતના ઘાટે ઉતારશે.
વિક્રમ મલ્લાહ અને ફૂલન વચ્ચે પાંગર્યો પ્રેમઃ
જ્યારથી, ફૂલન ગેંગમાં જોડાઈ ત્યારથી જ વિક્રમ મલ્લાહને ફૂલન માટે સહાનભૂતિ હતી. જે થોડાં સમયબાદ પ્રેમમાં બદલાઈ. ફૂલનને રાઈફલ ચલાવતા પણ વિક્રમ મલ્લાહે જ શીખવી હતી. પુત્તિલાલ સાથેની ઘટના બાદ વિક્રમ મલ્લાહ અને ગેંગે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લૂંટ, ચોરી, અપહરણ જેવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો. દરેક અપરાધને અંજામ આપ્યા બાદ ફૂલન દેવી દુર્ગા માતાના મંદિરે અચુક જતી. અને પોતાનું શીશ નમાવી તેને સુરક્ષિત રાખવા બદલ આભાર માનતી. એક સમયે વિક્રમ મલ્લાહે ફૂલનને કહ્યું હતું કે, તું એક વ્યક્તિને મારીશ કે 20 લોકોને મારીશ તને થવાની તો ફાંસી જ છે. પરંતુ, 20 લોકોને માર્યા બાદ તારું નામ ગામડે ગામડે લેવાશે અને લોકો તારાથી ડરશે.
વિક્રમ મલ્લાહની હત્યાઃ
શ્રી રામ અને લલ્લા રામ આ બે ભાઈઓ ગેંગના પુર્વ સરદાર બાબૂ ગુજરના ખાસ હતા અને બંને ઉંચી જાતિના હતા. જ્યારે, વિક્રમે બાબૂની હત્યા કરી હતી. તે સમયે બંને ભાઈઓ જેલમાં હતા અને તે જ સમયે બંનેએ વિક્રમ મલ્લાહને મારી બાબૂની હત્યાનો બદલો લેવાનો વિચાર કર્યો હતો. વિક્રમ મલ્લાહની ગેંગમાં ઉંચી જાતિના ડાકુઓ વધારે હતા જે લોકો પણ બાબૂની હત્યાનો બદલો ઈચ્છતા હતા. જ્યારે, રામ ભાઈઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે, બંનેએ વિક્રમ મલ્લાહ અને ફૂલન સામે મોર્ચો ખોલ્યો. ફૂલન સામે એટલે કેમ કે રામ બંધુઓ માનતા હતા કે બાબૂ ગુજરની હત્યા પાછળનું મૂળ કારણે ફૂલન દેવી હતી. વિક્રમ મલ્લાહ અને ફૂલન દેવી પોતાનો જીવ બચાવવા માટે ચંબલના જંગલમાં ભાગ્યા પણ થોડાં સમય બાદ રામ બંધુઓ અને તેમના સાથીઓએ બંનેને શોધી કાઢ્યા અને વિક્રમ મલ્લાહને મોતના ઘાટે ઉતાર્યો. જ્યારે, ફૂલન દેવીને તેઓ બહેમઈ ગામે લઈ ગયા અને ત્રણ અઠવાડિયા સુધી તેને એક રૂમમાં બંધ રાખી. આ ત્રણ અઠવાડિયા દરમિયાન ફૂલન દેવીને મારવામાં આવી અને અનેક ઉંચી જાતિના અનેક ઠાકુરોએ તેના પર બળાત્કાર પણ ગુજાર્યો. 3 અઠવાડિયા બાદ ફૂલન દેવીને તેના સમાજના 3 સાથી ડાકુઓએ જીવ બચાવ્યો અને તેમાંથી એક હતો માન સિંહ મલ્લાહ.
ફૂલન દેવીનો ખુની ખેલઃ
ફૂલન દેવીએ ત્યારબાદ પોતાની નવી ગેંગ બનાવી. જેમાં માત્રને માત્ર મલ્લાહ સમાજના ડાકુઓનો જ સમાવેશ કરવામાં આવ્યો. આ નવી ગેંગ ઉંચી જાતિના લોકો સાથે લૂંટ ચલાવતી અને તેમાંથી મળેલા રૂપિયા ગરીબોમાં વહેંચતી. જેથી તે વિસ્તારના લોકોમાં ફૂલન દેવીની રોબિન હુડ જેવી છાપ ઉભી થઈ હતી. થોડાં સમય બાદ ફૂલન દેવીની ગેંગ મજબૂત થઈ અને તેણે ઠાકુરો સામે બદલો લેવા માટે 14 ફેબ્રુઆરી 1981ના રોજ બહેમાઈ ગામે પહોંચી હતી. જ્યાં, એક ઠાકુર યુવકના લગ્ન હતા. ફૂલનને એવું હતું કે લગ્નમાં રામ બંધુઓ પહોંચશે પણ બંનેમાંથી એક પણ ભાઈ લગ્નમાં હાજર ન હતો. જો કે, ફૂલનને બદલો તો લેવો જ હતો. જેના પગલે તેણે 22 ઠાકુરોને લાઈનમાં ઘૂંટણ પર બેસાડ્યા અને એક બાદ એક તમામને ગોળી મારી હત્યા કરી. જે બાદ ફૂલનનો આ કારનામો દેશના ખુણે-ખુણે ફેલાયો. તે સમયના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વી.પી. સિંહ હતા અને આ સામુહિક હત્યાકાંડ બાદ તેમની ખૂબ બદનામી થઈ હતી. જેના પગલે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ફૂલન દેવી અને તેની ગેંગને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પણ તે સર્ચ ઓપરેશન 2 વર્ષ સુધી નિષ્ફળ રહ્યું.
આ હતી ફૂલન દેવીની સમર્પણ માટેની શરતોઃ
બહેમાઈ હત્યાકાંડના 2 વર્ષ બાદ પણ પોલીસ ફૂલન દેવીને શોધી શકી ન હતી. જે બાદ તે સમયના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ફૂલન દેવીને આત્મસમર્પણ કરાવવા માટે તેની સાથે વાતચીત કરવા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ તંત્રને પહેલ કરવા કહ્યું હતું. ઘણી ચર્ચાઓ બાદ ફૂલન દેવી આત્મસમર્પણ કરવા તૈયાર થઈ હતી. જો કે, તેની પાછળ પણ અનેક કારણ હતા. તે સમયે ફૂલન દેવીની તબિયત ખરાબ રહેતી હતી અને તેને હૉસ્પિટલમાં સારવારની જરૂર હતી. સાથે જ તેની ગેંગના કેટલાક સાથીઓ પોલીસના હાથે તો કેટલાક સાથીઓ અન્ય ગેંગના હાથ મોતને ભેટયા હતા. જેને કારણે તે નબળી થઈ હતી. જેથી ફેબ્રુઆરી 1983માં ફૂલન દેવી 6 શરતો પર આત્મસમર્પણ કરવા તૈયાર થઈ હતી. પ્રથમ શરત એવી હતી કે, તે ઉત્તર પ્રદેશ પોલીસ સમક્ષ સમર્પણ નહિ કરે તે મધ્ય પ્રદેશ પોલીસ સમક્ષ સમર્પણ કરશે. કેમ કે તેને ઉત્તર પ્રદેશ પોલીસ પર ભરોસો ન હતો. બીજી શરત એવી હતી કે, તે અને તેના સાથીઓ કોઈ નેતા કે પોલીસ વાળા સામે હાથિયાર નહિ મુકે, તે મહાત્મા ગાંઘી અને દુર્ગા માતાજીના ફોટા સામે પોતાના હથિયાર મુક્શે. ત્રીજી શરત હતી કે, તેને અને તેની ગેંગના કોઈ પણ સાથીને ફાંસીની સજા નહિ આપવામાં આવે. ચોથી શરત હતી કે, તેના કોઈ પણ સાથીને 8 વર્ષથી વધુને સજા ન કરવામાં આવે. પાંચમી શરત હતી કે, તેને અને તેના સાથીઓને જેલમાંથી મુક્ત થયા બાદ જમીન આપવામાં આવે. જેથી તેઓ સમાનપુર્વક પોતાનું જીવન જીવી શકે. અને છઠ્ઠી શરત એવી હતી કે, જ્યારે તે સમર્પણ કરે ત્યારે, તેના પરિવારના લોકો ત્યાં હાજર હોય અને તેને સમર્પણ કરતા જોઈ શકે.
ફૂલન દેવીએ કર્યું શરતી આત્મસમર્પણઃ
મધ્ય પ્રદેશના ભિંડમાં ફૂલન દેવી અને તેના સાથીઓ મહાત્મા ગાંઘી અને દુર્ગા માતાજીના ફોટા સામે પોતાના હથિયાર મુક્યા હતા અને સમર્પણ કર્યું હતું. ફૂલન દેવીને આત્મસમર્પણ કરતા જોવા માટે અંદાજે 10થી 15 હજાર લોકો આવ્યા હતા. અને સાથે જ 300 પોલીસ કર્મીઓ પણ સુરક્ષા કારણોથી હાજર રહ્યા હતા.
48 ગુના નોંધાયા હતા ફૂલન દેવીના નામેઃ
ફૂલન દેવી સામે 48 ગુના નોંધાયા હતા. જેમાંથી 30 જેટલા ગુના લૂંટ અને અપહરણના હતા. વગર કોઈ કોર્ટ કાર્યવાહી કે કોઈ ચાર્જશીટ દાખલ કર્યા વગર ફૂલન દેવીને 11 વર્ષ માટે જેલમાં રાખવામાં આવી હતી. જેમાં 2 વખત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે તેનું હિસ્ટરેકટમી ઓપરેશ કરવામાં આવ્યું હતું. જે હૉસ્પિટલમાં આ ઓપરેશન થયું હતું, તે હૉસ્પિટલના તબીબ વારંવાર મજાકમાં કહેતા હતા કે બીજી કોઈ ફૂલન દેવીનો જન્મ ન થાય તેના માટે આ ઓપરેશન કરવામાં આવ્યું છે.
આઝાદ થઈ ડાકુ ફૂલન દેવી બની સાંસદઃ
1994માં ફૂલન દેવી પેરોલ પર બહાર આવી. તે સમયે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવની સરકાર હતી અને મુલાયમની સરકાર ફૂલન દેવી સામેના તમામ કેસો પરત ખેંચી લીધા હતા. જેના કારણે લોકોમાં ફૂલન દેવીનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું હતું. તે સમય દરમિયાન જ ફૂલન દેવીની જીવન પર આધારીત Bandit Queen નામની એક ફિલ્મ પણ બની હતી. આ ફિલ્મ હિટ થઈ હતી અને લોકોને ફૂલન દેવી પ્રત્યે સહાનભૂતિ વધી હતી. મહત્વનું છે કે, આ ફિલ્મ માટે કોઈ દિવસ ફૂલન દેવીની પરવાનગી લેવામાં આવી ન હતી. 1996માં ફૂલન દેવીને સમાજવાદી પાર્ટીએ મિરઝાપુર બેઠક પરથી લોક સભાની ટિકિટ આપી અને તે જીતી. ત્યારબાદ, 1998માં ફરીવાર ચૂંટણી આવી અને તેમાં તેની હારી થઈ. જોકે, તેના વર્ષ બાદ 1999માં ફરી ચૂંટણી થઈ અને ફૂલન દેવી ફરી જીતી અને બની લોકસભાની સાસંદ.
25 જુલાઈ 2001ના રોજ એક તરફ લોકસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું. અને બપોરના 1:30 વાગ્યા આસપાસ ફૂલન દેવી પોતાના દિલ્લીના ઘરે લંચ બ્રેકમાં જમવા માટે આવી હતી. તે સમયે તેની ઘરની બહાર એક કાર ઉભી હતી. જેમાંથી 3 બુકાનધારીઓ ઉતર્યા અને ફૂલન દેવી પર ફાયરિંગ કર્યું. જેમાં, ફૂલન દેવીને માથામાં, છાતીના ભાગે અને ખભાના ગોળી વાગી હતી. સાથે જ ફૂલન દેવીના સુરક્ષા કર્મીને પણ ગોળી વાગી હતી. ઘટના બાદ ફૂલન દેવીને નજીકની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં, ફૂલનને મૃત ઘોષિત કરવામાં આવી હતી. ફૂલનની હત્યા કરનાર શેર સિંહ રાણાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, શેર સિંહ રાણાની પણ અગલ જ કહાની છે. જે વિશે અમે તમને બીજા ભાગમાં જણાવીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે