આ રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો સપાટો, 7માંથી 5 નગર નિગમ BJPના ફાળે 

નગર નિગમ (Municipality) અને નગર પંચાયત (Nagar Panchayat) ના અધ્યક્ષ પદ પર ભાજપે શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ સફળતા મેળવી છે. જ્યારે વોર્ડ સભ્યોના પદો પર અપક્ષ ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસને સજ્જડ હારનો સામનો કરાવ્યો.

આ રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો સપાટો, 7માંથી 5 નગર નિગમ BJPના ફાળે 

નવી દિલ્હી/દહેરાદૂન: ઉત્તરાખંડ નગર નિગમ 2018ની ચૂંટણીમાં સાત નગરનિગમોમાંથી ભાજપે પાંચ અને કોંગ્રેસે બેમાં સત્તા મેળવી છે. નગર નિગમ (Municipality) અને નગર પંચાયત (Nagar Panchayat) ના અધ્યક્ષ પદ પર ભાજપે શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ સફળતા મેળવી છે. જ્યારે વોર્ડ સભ્યોના પદો પર અપક્ષ ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસને સજ્જડ હારનો સામનો કરાવ્યો. મળતી માહિતી મુજબ સાત નગર નિગમોમાંથી કોંગ્રેસ ફક્ત હરિદ્વાર અને કોટદ્વારમાં જ ફતેહ મેળવી શકી. જ્યારે ભાજપે હલ્દ્વાની, રુદ્રપુર, ઋષિકેશ, કાશીપુર, દહેરાદુનમાં જીત મેળવી. અત્રે જણાવવાનું કે સાત નગર નિગમો સહિત 84 અર્બન બોડી, 39 નગરપાલિકા પરિષદો, 38 નગર પંચાયતો માટે 18 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. 

અપક્ષોએ પણ મારી બાજી
આ બાજુ નગર નિગમ, નગર પાલિકા અને નગર પંચાયતોના સભ્યોમાં અપક્ષ ઉમેદવારોએ પણ બાજી મારી છે. જો કે નગર નિગમોમાં પક્ષવાર  જીત મળી છે. અહેવાલ લખાયો ત્યાં સુધી સભ્યોના કુલ 1064 પદોમાંથી 817 વોર્ડમાં પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અપક્ષ ઉમેદવારો સૌથી વધુ 464 વોર્ડમાં સફળ થયા છે. જ્યારે ભાજપના 215 અને કોંગ્રેસના 132 સભ્યો ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે બસપા, આપના 2-2 અને યુકેડી તથા સપાના પણ એક એક સભ્ય ચૂંટાઈ આવ્યાં છે. 

અપક્ષ ઉમેદવારે એક મતથી મેળવી જીત
નગર પંચાયત ઘનસાલીમાં અધ્યક્ષ પદ પર થયેલી મતગણતરીમાં 3 અપક્ષ ઉમેદવારોને બરાબર મત મળવાથી મતગણતરીમાં લાગેલા કર્મચારીઓએ આઠવાર મતગણતરી કરવી પડી. આઠમીવાર થયેલી મતગણતરીમાં શંકરપાલ સજવાણને 496, નાગેન્દ્ર સજવાણીને 495 અને સાબસિંહ કુમાઈને પણ 495 મતો મળ્યાં. આમ અપક્ષ ઉમેદવાર શંકર પાલે એક મતથી જીત મેળવી. 

અત્યાર સુધી આ છે પરિસ્થિતિ
39 નગરપાલિકાઓમાંથી 33ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી ભાજપને 10, કોંગ્રેસને 13 ને અપક્ષને 10 શહેરોમાં અધ્યક્ષ પદ પર સફળતા મળી છે. આ જ રીતે 38 નગર પંચાયતોમાંથી 36ના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાંથી ભાજપને સૌથી વધુ 18 નગર પંચાયતોમાં અધ્યક્ષ પદે સફળતા મળી. જ્યારે કોંગ્રેસને 6 અને 12 અપક્ષ ઉમેદવારો નગર પંચાયતોમાં અધ્યક્ષ પદે ચૂંટાઈ આવ્યાં. 84 લોકલ બોડીમાંથી 76ના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાંથી 30 બેઠકો પર ભાજપ, 23 પર કોંગ્રેસ અને 22 પર અપક્ષ ઉમેદવારો તથા એક બેઠક પર બસપાના ઉમેદવારને જીત મળી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news