પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ, સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામું આપતા CM અમરિન્દરે આપ્યું આ નિવેદન
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને પંજાબ કેબિનેટમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પ્રતિક્રિયા આપી. સીએમ અમરિન્દર સિંહે કહ્યું કે તેમને આ અંગેની જાણકારી મળી છે કે નવજોત સિંહ સિદ્ધુ તરફથી રાજીનામું ચંડીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને મોકલાયું છે. પરંતુ હજુ સુધી તેમણે તે જોયું નથી. તેમનું કહેવું છે કે પહેલા તેઓ સિદ્ધુનું રાજીનામું વાંચશે અને ત્યારબાદ તેના પર કઈંક બોલશે અને નિર્ણય લેશે.
નવી દિલ્હી ખાતે સંસદમાં મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે જો નવજોત સિંહ સિદ્ધુ પોતાનું કામ બરાબર કરવા ન માંગતા હોય તો તેમાં તેઓ કશું કરી શકે નહીં. તેમણે કહ્યું કે તેમની કેબિનેટમાં સામેલ 17માંથી 13 મંત્રીઓની જવાબદારીઓ બદલવામાં આવી હતી. તેમાં સિદ્ધુ જ એકમાત્ર એવા મંત્રી હતાં જેમને તેના પર સમસ્યા હતી. કેબિનેટ મંત્રીઓને નવી જવાબદારી તેમના પરફોર્મન્સના આધારે સોંપવામાં આવી હતી. સિદ્ધુએ પણ આ જવાબદારી અપનાવવી જોઈતી હતી. તેમણે નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળવો જોઈતો હતો. આ એક મહત્વની જવાબદારી હતી.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે મારે નવજોત સિંહ સિદ્ધુ સાથે કોઈ વિવાદ નથી. પરંતુ જો સિદ્ધુ મારી સાથે કોઈ વિવાદ રાખતા હોય તો તેમને જ પૂછો. અત્રે જણાવવાનું કે નવજોત સિંહ સિદ્ધુએ રવિવારના રોજ પંજાબ સરકારમાંથી પોતાના રાજીનામાની વાત સાર્વજનિક કરી હતી. તેમણે આ દરમિયાન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 10 જૂનના રોજ રાજીનામું મોકલ્યું હતું તે પત્ર પણ સાર્વજનિક કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે