Corona Update: કોરોના સંક્રમણની સ્થિતિ 'બદથી બદતર', આખા દેશ પર તોળાઈ રહ્યું છે જોખમ-સરકાર

Corona update: એક વર્ષ બાદ પણ કોરોના (Corona virus) નો પ્રકોપ એટલો જ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આખરે કહેવું પડ્યું કે દેશમાં વાયરસના સંક્રમણ સંબંધિત સ્થિતિ 'બદથી બદતર' થઈ રહી છે.

Corona Update: કોરોના સંક્રમણની સ્થિતિ 'બદથી બદતર', આખા દેશ પર તોળાઈ રહ્યું છે જોખમ-સરકાર

નવી દિલ્હી: એક વર્ષ બાદ પણ કોરોના (Corona virus) નો પ્રકોપ એટલો જ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આખરે કહેવું પડ્યું કે દેશમાં વાયરસના સંક્રમણ સંબંધિત સ્થિતિ 'બદથી બદતર' થઈ રહી છે. આ દરમિયાન એમ પણ કહ્યું કે ખાસ કરીને કેટલાક રાજ્યોમાં નવા કેસ ખુબ ઝડપથી વધવા એક મોટી ચિંતાનો વિષય છે. નીતિ આયોગના સભ્ય (હેલ્થ) વી કે પોલે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સ્થિતિ ખુબ ઝડપથી કથળી રહી છે જેનાથી આખો દેશ જોખમમાં છે. આથી કોઈ પણ જરાય બેદરકારી વર્તવી જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,480 નવા કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોના મોત થયા છે. 

છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના (Corona Virus) ના 53,480 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,21,49,335 પર પહોંચ્યો છે. જેમાંથી 1,14,34,301 લોકો રિકવર થયા છે જ્યારે 5,52,566 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાએ એક જ  દિવસમાં 354 લોકોનો ભોગ લીધો છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,468 પર પહોંચ્યો છે. દેશમાં ચાલતા રસીકરણ અભિયાન હેઠળ કુલ  6,30,54,353 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,21,49,335
Total recoveries: 1,14,34,301
Active cases: 5,52,566
Death toll: 1,62,468

Total vaccination: 6,30,54,353 pic.twitter.com/XfWELl3Gel

— ANI (@ANI) March 31, 2021

મહારાષ્ટ્રે ફરેથી વધારી ચિંતા
કોવિડ 19થી સૌથી વધુ પ્રભાવિત 10 જિલ્લામાંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે. જ્યારે દિલ્હીનો પણ એક જિલ્લો આ લિસ્ટમાં સામેલ છે. હેલ્થ સેક્રેટરી (Health Secretary) રાજેશ ભૂષણે કહ્યું કે જે 10 જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે તેમાં પુણે(59,475), મુંબઈ(46,248), નાગપુર (45,322), થાણે (35,264), નાસિક (26,553), ઔરંગાબાદ (21,282), બેંગ્લુરુ સિટી (16,259), નાંદેડ (15,171), દિલ્હી (8,032) અને અહેમદનગર (7,952) સામેલ છે. તેમણે કહ્યું કે ટેક્નિકલી રીતે દિલ્હીમાં અનેક જિલ્લા છે પરંતુ તેને એક જિલ્લા તરીકે લેવાયો છે. 

'કથળી શકે છે સ્વાસ્થ્ય સિસ્ટમ'
નીતિ આયોગના સભ્ય વી કે પોલે તો એમ પણ કહ્યું કે 'દેશના કોઈ પણ ભાગ કે જિલ્લાએ બેદરકારી વર્તવી જોઈએ નહીં. આપણે ખુબ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આથી સંક્રમણના પ્રસારને રોકવા અને દરેક જીવનને બચાવવા માટે તમામ કોશિશો ચાલુ રહેવી જોઈએ. હોસ્પિટલ અને આઈસીયુ સંબંધિત તૈયારીઓ પૂરી રહેવી જોઈએ. આ ગતિ રહી તો  દેશમાં સ્વાસ્થ્ય દેખરેખની પ્રણાલી કથળી જશે.' નોંધનીય છે કે સમગ્ર દેશમાં ગત અઠવાડિયે સરેરાશ સંક્રમણ દર 5.65% હતો. 

હાલ સ્થિતિ
સંક્રમણ દર મુદ્દે ભૂષણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ગત અઠવાડિયે સરેરાશ સંક્રમણ દર 23 ટકા હતો. ત્યારબાદ પંજાબમાં 8.82 ટકા, છત્તીસગઢમાં 8.24 ટકા, મધ્ય પ્રદેશમાં 7.82 ટકા, તામિલનાડુમાં 2.5 ટકા, કર્ણાટકમાં 2.45 ટકા, ગુજરાતમાં 2.22 ટકા અને દિલ્હીમાં સરેરાશ સંક્રમણ દર 2.04 ટકા હતો. 

તેમણે એમ પણ કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણના કેસમાં વધારો જોવા મળ્યો છે. આથી કોવિડ 19 સંબંધિત તપાસમાં ઝડપથી વધારો કરવા અને તેમાં RT-PCR ટેસ્ટના આંકડા પણ ઝડપથી વધારવાની જરૂર છે. 

જીનોમ સિક્વેન્સિંગના પરિણામ
વાયરસના સ્વરૂપો અંગે હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે દસ પ્રયોગશાળાઓએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 11064 નમૂનાની જીનોમ સિક્વેન્સિંગ કરી છે જેમાંથી 8.7 નમૂનામાં બ્રિટનનો સ્ટ્રેન મળી આવ્યો જ્યારે 47 નમૂનામાં વાયરસનું દક્ષિણ આફ્રિકાનું સ્વરૂપ મળી આવ્યું. તથા એક નમૂનામાં વાયરસનું બ્રાઝિલિયન સ્વરૂપ મળી આવ્યું છે. 

અસરકારક છે ભારતીય રસી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ચાલતા રસીકરણ અભિયાન હેઠળ કુલ  6,30,54,353 લોકોને રસી આપવામાં આવી છે. ICMR ના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડની રસી બ્રિટન અને બ્રાઝીલમાંથી મળેલા સાર્સ કોવ-2ના નવા સ્વરૂપ વિરુદ્ધ પ્રભાવી છે. વાયરસના દક્ષિણ આફ્રિકી સ્વરૂપ વિરુદ્ધ અનેક લેબમાં કામ ચાલુ છે. 

આ બાજુ હેલ્થ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડ રસીકરણ મામલામાં 48.39 % સાથે તેલંગાણા પહેલા નંબરે અને 43.11% સાથે દિલ્હી બીજા નંબરે છે. 

વાયરસનું કોઈ પણ સ્વરૂપ ભારતીય નથી!
હેલ્થ સેક્રેટરીએ એક સવાલના જવાબમાં કહ્યું કે વાયરસનું કોઈ પણ સ્વરૂપ ભારતીય નથી. મોટાભાગના રાજ્યોમાં લોકોને યોગ્ય રીતે આઈસોલેટ કરાઈ રહ્યા નથી. જ્યારે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને પણ જલદી  ટ્રેસ કરવા જોઈએ. નીકટના લોકોનો અર્થ એ નથી કે પરિવારના જ સભ્યો, તે તમામ હોઈ શકે જે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય. 

મહારાષ્ટ્રમાં ઘરે ઘરે રસીકરણ!
મહારાષ્ટ્રમાં ઘરે ઘરે રસીકરણ કરાવવાના એક સવાલના જવાબમાં ભૂષણે કહ્યું કે કેન્દ્રને રાજ્ય સરકાર પાસેથી આવી કોઈ કવાયત અંગે કોઈ ખાસ અરજી મળી નથી. આ બાજુ પંજાબમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે કેસમાં થયેલી વૃદ્ધિથી ખબર પડે છે કે ન તો ત્યાં પૂરતા પ્રમાણમાં તપાસ થઈ રહી છે કે ન તો સંક્રમિત લોકોનું એનાલિસિસ થઈ રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એક એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો રસી મેળવી શકશે તેઓ પોતાનું રજિસ્ટ્રેશન કોવિન પ્લેટફોર્મ પર કે આરોગ્ય સેતુ એપ પર કરાવી શકે છે અથવા તો વેક્સીન સેન્ટર પર જ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news