Corona Update: કોરોનાનો અત્યાર સુધીમાં સૌથી મોટો એટેક, એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ
ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જોવા મળી રહ્યો છે. આજે તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જોવા મળી રહ્યો છે. આજે તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 1038 લોકોના મોત નિપજ્યા છે.
એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 2,00,739 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,40,74,564 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,24,29,564 લોકો રિકવર થયા છે જ્યારે 14,71,877 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાએ 1038 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,73,123 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 11,44,93,238 લોકોને રસી અપાઈ છે.
India reports 2,00,739 new #COVID19 cases, 93,528 discharges and 1,038 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,40,74,564
Total recoveries: 1,24,29,564
Active cases: 14,71,877
Death toll: 1,73,123
Total vaccination: 11,44,93,238 pic.twitter.com/B5quloIUjH
— ANI (@ANI) April 15, 2021
ભારતમાં અમેરિકા કરતા ખરાબ સ્થિતિ
એક રિપોર્ટ મુજબ ભારતમાં 10 દિવસ પહેલા દૈનિક કેસ એક લાખ હતા જ્યારે હવે 2 લાખની આજુબાજુ જોવા મળી રહ્યા છે. એટલે કે 10 જ દિવસમાં સંક્રમિતોનો દૈનિક આંકડો એક લાખથી 2 લાખ સુધી પહોંચી ગયો. આ અગાઉ અમેરિકામાં દૈનિક કેસ એક લાખથી 2 લાખ સુધી પહોંચવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. અમેરિકામાં ગત વર્ષ 30 ઓક્ટોબરના રોજ એક લાખ દૈનિક કેસ સામે આવ્યા હતા. જે 20 નવેમ્બરના રોજ 2 લાખને પાર કરી ગયા હતા. worldometers.info વેબસાઈટ મુજબ અમેરિકામાં 8 જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં 3 લાખ 9 હજાર 35 કેસ નોંધાયા હતા.
આ 10 રાજ્યોમાં રોકેટ ગતિએ કેસનો વધારો
દેશમાં એક દિવસમાં સામે આવેલા કોવિડ-19 સંક્રમણના નવા કેસમાંથી 80.8 ટકા કેસ આ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં નવા 59 હજારથી વધુ કેસ
સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58,952 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 278 દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલા મંગળવારે રાજ્યમાં 60212, સોમવારે 51751 અને રવિવારે સૌથી વધુ 63,294 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,78,160 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં ગઈ કાલ રાત્રે 8 કલાકથી 15 દિવસ માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો એક મે સુધી યથાવત રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રાજ્યમાં નવા નિયમોની જાહેરાત કરી હતી.
દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ
મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસથી 17282 લોકો સંક્રમિત થયા છે તો 104 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાનીમાં વધતા કોરોના વાયરસના કેસે કેજરીવાલ સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોના દર્દીઓને સારી અને તત્કાલ સારવાર આપવા માટે અનેક હોસ્પિટલોની સાથે બેન્કેટ હોલ તથા હોટલોને જોડવામાં આવી છે, જેથી બેડની સંખ્યા વધારી શકાય અને કોરોના દર્દીઓને દાખલ થવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઓછા લક્ષણોવાળા દર્દીઓનો બેન્કેટ હોલમાં અને ગંભીર દર્દીઓની હોસ્પિટલોમાં સારવાર થશે. 23 હોસ્પિટલોનો હોટલ અને બેન્કેટ હોલ સાથે જોડવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા
ગુજરાતમાં બુધવારે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા. રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરામાં 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 73 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 85,29,083 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 12,03,465 વ્યક્તિઓને બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. કુલ 97,32,548 લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે