સવર્ણ અનામતઃ આ બિલ બાબા સાહેબનું અપમાન કરનારું: અસદુદ્દીન ઓવૈસી

એક વખત ખરડો પસાર થઈ ગયા બાદ બંધારણમાં સંશોધન થઈ જશે અને પછી સામાન્ય વર્ગના ગરીબોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત મળશે 

સવર્ણ અનામતઃ આ બિલ બાબા સાહેબનું અપમાન કરનારું: અસદુદ્દીન ઓવૈસી

નવી દિલ્હીઃ સવર્ણોને અનામત આપવા માટે સરકારે લોકસભામાં બંધારણ સંસોધન બિલ રજૂ કરી દીધું છે. સાંજે 5 કલાકે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેના પર ચર્ચામાં સરકારને અનેક નાના અને મહત્વના પક્ષોએ ટેકો આપ્યો છે. જેમાં એનસીપી, એસપી, બીએસપી જેવા પક્ષોનો સમાવેશ થાય છે. જોકે, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ જેવા પક્ષોએ પોતાનું વલણ હજુ સ્પષ્ટ કર્યું નથી. આ મુદ્દે થનારી ચર્ચામાં સરકાર તરપથી અરુણ જેટલી, નિશિકાંત દુબે અને નંદ કિશોર ચૌહાણ ભાગ લઈ રહ્યા છે. 

લોકસભામાં સવર્ણોને 10 ટકા અનામતનું બિલ રજુ કરતાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે, "ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ આ અનામત લાગુ થશે. તેની સાથે જ તેમણે આ મુદ્દે તમામ પક્ષોનું સમર્થન માગ્યું છે. તેમણે જણાવ્યું કે, વર્તમાનમાં જે અનામત છે, તેની સાથે કોઈ છેડછાડ કરાશે નહીં."

કોંગ્રેસના કે.વી. થોમસે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, "અમે આ બિલના વિરોધી નથી. પરંતુ તેના પહેલા જે બિલ રજુ કરાયું છે તેને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલો." કોંગ્રેસના સાંસદનો જવાબ આપતા નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે, આ બિલને 'જુમલો' કહેનારા લોકો પર પ્રહાર કરતા કહ્યું કે સવર્ણોને અનામતના જુમલાને તમામ પક્ષોએ પોતાના ઘોષણાપત્રમાં સ્થાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આર્થઇક આધારે દરેકને અનામત મળવી જોઈએ. 

અરુણ જેટલીએ જણાવ્યું કે, એ વાત સાચી છે કે, આ અગાઉ પણ અનેક વખત પ્રયાસ થયા છે, પરંતુ તે સુપ્રીમ કોર્ટમાં ટકી શક્યા નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા 50 ટકા અનામતની મર્યાદા લાગુ કરવામાં આવી છે, આ મર્યાદા બંધારણની ધારા-16એના સંદર્ભમાં હતી. કોંગ્રેસને જવાબ આપતા જેટલીએ જણાવ્યું કે, તમે આરોપ લગાવ્યો ઓછે કે, તમે આ બિલ અત્યાર શા માટે લાવ્યા છો? જેટલીએ જણાવ્યું કે, ગુજરાતની ચૂંટણી વખતે તમને પટેલોને અનામત કેમ યાદ આવી હતી? જેટલીએ કોંગ્રેસને ગુજરાતનું ઘોષણાપત્ર યાદ અપાવીને આ સંશોધનને ટેકો આપવા અપીલ કરી હતી. 

ચર્ચામાં ભાગ લેતા અન્નાદ્રમુકના સાંસદ એમ. થંબીદુરઈએ જણાવ્યું કે, ગરીબો માટે ચલાવામાં આવી રહેલી અનેક સ્કીમ અગાઉ ફેલ થઈ ચુકી છે. તમારું આ જે બિલ છે, તે સુપ્રીમ કોર્ટમાં ફસાઈ જશે. 

ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે, સરકાર આ જ રીતે મહિલાઓની અનામતનું બિલ કેમ લઈને આવતી નથી. સરકારનું આ બિલ લોકો સાથે છેતરપીંડી સમાન છે. 

આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને આ ચર્ચામાં ભાગ લેતા ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે આ મુદ્દે જણાવ્યું કે, સરકાર સત્રના અંતિમ દિવસે આ બિલ લઈને આવી છે. આથી તેની નિયતમાં ખોટ છે. આ ભારતીય જુમલા પાર્ટી છે. તેનો ઈરાદો આ બિલ લાગુ કરવાનો નથી. સરકાર તેના નામે એસસી/એસટીની અનામતને પણ નાબૂદ કરવા માગે છે. 

આ ચર્ચામાં ભાગ લેતા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, આ બિલ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનારું રહેશે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સોમવારે દેશના સવર્ણોને આર્થિક આધારે 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરતા બિલને મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેને સંસદમાં રજૂ કરાયું છે. જોકે, આ પ્રસ્તાવ પર અમલ માટે બંધારણ સંસોધન બિલ પાસ કરવાનું રહેશે. ભારતીય બંધારણમાં આર્થિક આધારે અનામતની કોઈ પણ જોગવાઈ નથી. તેના માટે બંધારણની ધારા 15 અને ધારા 16માં જરૂરી સંશોધન કરવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news