ભારતમાં ગરીબ પણ સપના જોઈ શકે છે, મારું રાષ્ટ્રપતિ બનવું એ તેનો પુરાવો- દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ સંબોધન કરતા કહ્યું કે જોહાર...નમસ્કાર...હું ભારતના સમસ્ત નાગરિકોની આશા- આકાંક્ષા અને અધિકારોના પ્રતિક આ પવિત્ર સંસદથી તમામ દેશવાસીઓનું પૂરેપૂરી વિનમ્રતાથી અભિવાદન કરું છું. તમારી આત્મિયતા, વિશ્વાસ અને તમારો સહયોગ, મારા માટે આ નવી જવાબદારીને નિભાવવા માટે મારી ખુબ મોટી તાકાત હશે. વાંચો તેમના સંબોધનની મહત્વની વાતો...

ભારતમાં ગરીબ પણ સપના જોઈ શકે છે, મારું રાષ્ટ્રપતિ બનવું એ તેનો પુરાવો- દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂએ આજે દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એન વી રમનાએ તેમને શપથ લેવડાવ્યા. મુર્મૂ ઓડિશાના રહીશ છે. તેઓ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનારા તેઓ પહેલાં આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં પેદા થયેલા પહેલા રાષ્ટ્રપતિ છે. આ ઉપરાંત તેઓ અત્યાર સુધીના જેટલા પણ રાષ્ટ્રપતિ બન્યા તેમાં સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ છે. તેમની ઉંમર હાલ 64 વર્ષ છે. શપથ લીધા બાદ તેમણે સંબોધન પણ કર્યું. તેમના સંબોધનની મહત્વની વાતો...

દ્રૌપદી મુર્મુએ કર્યું સંબોધન
દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ સંબોધન કરતા કહ્યું કે જોહાર...નમસ્કાર...હું ભારતના સમસ્ત નાગરિકોની આશા- આકાંક્ષા અને અધિકારોના પ્રતિક આ પવિત્ર સંસદથી તમામ દેશવાસીઓનું પૂરેપૂરી વિનમ્રતાથી અભિવાદન કરું છું. તમારી આત્મિયતા, વિશ્વાસ અને તમારો સહયોગ, મારા માટે આ નવી જવાબદારીને નિભાવવા માટે મારી ખુબ મોટી તાકાત હશે. 

તેમણે કહ્યું કે ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ચૂંટવા બદલ હું તમામ સાંસદો અને તમામ વિધાનસભા સભ્યોનો હાર્દિક આભાર માનું છું. તમારો મત દેશના કરોડો નાગરિકોના વિશ્વાસની અભિવ્યક્તિ છે. મારી રાષ્ટ્રપતિ તરીકે દેશે એક એવા મહત્વપૂર્ણ સમયમાં પસંદગી કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી થોડા દિવસ બાદ દેશ પોતાની સ્વાધિનતાના 75 વર્ષ પૂરા કરશે. 

“मो जीवन पछे नर्के पड़ी थाउ, जगत उद्धार हेउ”...મુર્મૂએ સમજાવ્યો આ પંક્તિનો અર્થ... જુઓ Video

— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2022

હું કોલેજ જનારી ગામની પહેલી છોકરી હતી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મે મારી જીવનયાત્રા ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે બેકગ્રાઉન્ડથી આવું છું ત્યાં મારા માટે પ્રાથમિક શિક્ષણ મેળવવું એ પણ એક સપના જેવું હતું. પરંતુ અનેક વિધ્નો છતાં મારો સંકલ્પ દ્રઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણા લોકતંત્રની જ શક્તિ છે કે તેમાં એક ગરીબ ઘરમાં પેદા થયેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પેદા થયેલી દીકરી, ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે છે. 

લોકતંત્રની શક્તિએ મને અહીં સુધી પહોંચાડી
દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે હું દેશની પહેલી એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો. સ્વતંત્ર ભારતના નાગરિકો સાથે આપણા સ્વતંત્રતા સેનાનીઓની અપેક્ષાઓને પૂરી કરવાના પ્રયત્નોમાં પણ આપણે તેજી લાવવી પડશે. દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો. પરંતુ દેશના લોકતંત્રની જ આ શક્તિ છે કે મને અહીં સુધી પહોંચાડી. 

રાષ્ટ્રપતિ બનવું મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી
મહામહિમ મુર્મૂએ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું, મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. તે ભારતના દરેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબ સપના જોઈ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે. 

કારગિલ વિજય દિવસ પર કહી આ વાત
રાષ્ટ્રપતિ મુર્મુએ આવતી કાલે એટલે કે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ અવસરે કહ્યું કે ભારતની સેનાઓના શૌર્ય અને સંયમ બંનેનું તે પ્રતિક છે. હું આજે દેશની સેનાઓને તથા દેશના સમસ્ત નાગરિકોને કારગિલ વિજય દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. 

જીવન વિશે કરી વાત
દ્રૌપદી મુર્મૂએ પોતાની જીવનયાત્રા ઓડિશાના નાના ગામથી શરૂ કરી હતી. તેમણે કહ્યું કે હું જનજાતીય સમાજથી છું અને વોર્ડ કાઉન્સિલરથી લઈને ભારતના રાષ્ટ્રપતિ બનવા સુધીની તક મને મળી છે. તે લોકતંત્રની જનની ભારતવર્ષની મહાનતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news