સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપવી કેન્દ્ર સરકાર માટે એટલું સરળ નહીં રહે, સામે છે અનેક બંધારણીય પડકારો
સુપ્રીમ કોર્ટ આ અગાઉ પણ અનેક વખત આર્થિક આધારે અનામત આપવાના નિર્ણયો પર પ્રતિબંધ લગાવી ચૂકી છે
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા વડા પ્રદાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, દરેક ધર્મની સવર્ણ જાતિઓને આર્થિક આધારે 10 ટકા અનામત આપવામાં આવશે. જોકે, સવર્ણ જાતિઓને અનામત આપવા અંગેનો સરકારનો આગળનો માર્ગ અત્યંત મુશ્કેલ દેખાઈ રહ્યો છે, કેમ કે સુપ્રીમ કોર્ટ આ અગાઉ અનેક વખથ આર્થિક આધારે અનામત આપવાના નિર્ણયો પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.
જોકે, આ સ્થિતિથી બચવા માટે કેન્દ્ર સરકાર મંગળવારે (8 જાન્યુઆરી, 2019)ના રોજ સંસદમાં સંવિધાન સંશોધન પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહી છે.
સરકાર માટે નિર્ણયને કાયદેસરનો ઠેરવવો મુશ્કેલ
આ અંગે પૂર્વ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ અમરેન્દ્ર શરણ સાથે ઝી મીડિયાએ કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "આર્થિક રીતે અનામત આપવાની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. માત્ર શૈક્ષણિક/સામાજિક આધારે પછાતપણાને આધાર બનાવીને જ અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "સરકારના આ પગલાથી કુલ અનામત 60 ટકા થઈ જશે. જે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મહત્તમ મર્યાદા (50 ટકા અનામત)ની મર્યાદા કરતાં વધુ છે. આથી, તેની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને સરકાર માટે કાયદેસરનો ઠેરવવો ઘણું જ મુશ્કેલ થઈ પડશે."
કોર્ટમાં પડકાર ફેંકાઈ શકે છેઃ પૂર્વ ASG
અમરેન્દ્ર શરણએ વધુમાં જણાવ્યું કે, જો સરકાર તેના માટે બંધારણમાં સંશોધન કરીને કાયદો બનાવીને બંધારમની 9મી અનુસૂચીમાં નાખે છે તો પણ વર્ષ 2007માં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના 9 ન્યાયાધિશના નિર્ણય અનુસાર આ નિર્ણય ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ભૂતકાળમાં અપાયેલા આ ચૂકાદા અનુસાર, આ અનુસુચીમાં એ કાયદો પણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવી શકે છે, જો તે બંધારણના પાયાના મળખાના વિરોધમાં હોય. પૂર્વ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ અમરેન્દ્ર શરણ અનુસાર, સમાનતા પણ બંધારણના પાયાના માળખાનો એક ભાગ છે, આથી તેના હનનના આધારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકી શકાય છે.
બંધારણમાં સામાજિક અસમાનતા અનામતનો આધાર
હકીકતમાં બંધારણમાં અનામતની જોગવાઈ સામાજિક અસમાનતાના આધારે કરવામાં આવી છે. જ્યારે મોદી સરકારે લીધેલો તાજેતરનો નિર્ણય આર્થિક આધારે સવર્ણોને અનામત આપવાનો છે. બંધારણ અનુસાર, આવક અને સંપત્તિના આધારે અનામત આપી શકાતી નથી.
બંધારણની ધારા 16(4) અનુસાર અનામત માત્ર સામાજિક અસમાનતાને આધારે જ આપી શકાય છે. વર્તમાનમાં પછાત વર્ગોને કુલ 49.5 ટકા અનામત આપવામાં આવેલી છે. તેમાં અનુસૂચિત જાતિ(SC)ને 15%, અનુસૂચિત જનજાતિ (ST)ને 7.5% અને અન્ય પછાત વર્ક (OBC)ને 27% અનામત આપવામાં આવેલી છે. વર્ષ 1963માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અનામતની મર્યાદાને સામાન્ય રીતે 50%થી વધારી શકાય નહીં.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં આપેલા નિર્ણયોમાં પણ તેણે જણાવ્યું છે કે, 'આર્થિક આધારે અનામત આપવી એ બંધારણમાં અપાયેલા સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.' ભૂતકાળમાં ન્યાયપાલિકા દ્વારા આપવામાં આવેલા એ ચૂકાદાઓ પર નજર નાખીએ જેમાં આર્થિક આધારે અનામત આપવાના નિર્ણયો પર પ્રતિબંધ લગાવાયો હતો....
- ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2016માં ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનામત આપવાની જાહેરાતને ગેરબંધારણિય જણાવી હતી. ગુજરાત સરકારે રૂ.6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને 10 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
- રાજસ્થાન હાઈકોર્ટે વર્ષ 2015માં રાજસ્થાન સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં 14 ટકા અનામત આપવાની જાહેરાતને ગેરકાયદેસર જાહેર કરી હતી.
- વર્ષ 1978માં બિહાર સરકારે પણ આર્થિક આધારે સવર્ણોને 3 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. જેને કોર્ટો રદ્દ કર્યો હતો.
- વર્ષ 1991માં મંડલ કમીશન રિપોર્ટ લાગુ થયાના તરત બાદ પૂર્વ વડા પ્રધાન નરસિમ્હારાવની સરકારે પણ આર્થિક આધારે 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પણ કોર્ટે 1992માં રદ્દ કરી નાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે