આજે ગોવર્ધન પૂજા, જાણો પૂજા વિધિ અને અન્નકૂટનું શું છે મહત્વ
Trending Photos
નવી દિલ્હી: દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગોવર્ધન પૂજા પ્રકૃતિ અને માનવી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ તહેવાર પર ગૌધન એટલે કે ગાયોની પૂજા થાય છે. અત્રે જણાવવાનું કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે અને આ પૂજા સાથે ભગવાન શ્રીકૃષ્ણને પણ સંબંધ છે. જો કે શ્રી કૃષ્ણની કથા અગાઉ તમને જણાવીએ કે ગોવર્ધન પૂજાની વિધિ શું છે.
કેવી રીતે કરશો ગોવર્ધન પૂજા
- સવારે વહેલા ઉઠીને તેલથી સ્નાન કરવું જોઈએ.
- ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ગોબરથી ગોવર્ધનની આકૃતિ બનાવો.
- હવે ગોબરથી ગોવર્ધન પર્વત બનાવો અને આસપાસ ગોવાળિયા ઝાડ, ફૂલ છોડની આકૃતિ બનાવો.
- આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ રાખો.
- ત્યારબાદ ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને તમામનું પૂજન કરો.
- પૂજા બાદ પકવાન અને પંચામૃતનો ભોગ ધરાવો.
- ગોવર્ધનની કથા સાંભળો અને પ્રસાદ વિતરણ કરો તથા સહપરિવાર ભોજન કરો.
આ છે કથા
કથા મુજબ દેવરાજ ઈન્દ્રને પોતાના પર અભિમાન થઈ ગયું હતું. આ ઘમંડને ચૂર કરવા માટે ભગવાન કૃષ્ણે એક લીલા રચી. એક દિવસ તેમણે જોયુ કે ગામના તમામ લોકો ખુબ પકવાન બનાવીને કોઈ પૂજાની તૈયારી કરી રહ્યાં છે. બાળ કૃષ્ણે માતાને પૂછ્યું તો ખબર પડી કે આ બધુ ઈન્દ્રને પ્રસન્ન કરવા માટે થાય છે. જેથી કરીને તેમના આશીર્વાદથી વરસાદ વરસે અને અન્ન મબલક પાકે. અન્ન પાકે તો જ ગાયોને ચારો મળે છે. જેના પર શ્રીકૃષ્ણે કહ્યું કે ગાય ગોવર્ધન પર્વત પર ચરવા જાય છે માટે પર્વતની પણ પૂજા થવી જોઈએ. તેમણે માતા યશોદા અને ગ્રામીણોને કહ્યું કે ઈન્દ્ર તો ક્યારેય દર્શન આપતા નથી અને પૂજા ન કરીએ તો ક્રોધિત પણ થાય છે. આવા અહંકારીની પૂજા ન કરાય. તેમની વાત સાંભળીને બધા ગ્રામીણોએ ગોવર્ધન પર્વતની પૂજા કરી.
જેને જોઈને ઈન્દ્રદેવ નારાજ થયાં. તેમને અપમાન જેવું લાગ્યું. અને મૂશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. પ્રલય જેવા વરસાદને જોતા જ તમામ વૃજવાસીઓ ભગવાન કૃષ્ણને કોસવા લાગ્યાં કે બધુ તેમના કારણે થયું છે. ત્યારે ભગવાન કૃષ્ણે તમામને ગોવર્ધન પર્વત તરફ લઈ ગયાં અને પર્વતને પ્રણામ કરીને પોતાના ટચલી આંગળીએ પર્વત ઉપાડી લીધો હતો. જેના નીચે બધા ગ્રામીણોએ શરણ લીધી. આ જોઈને ઈન્દ્ર ક્રોધિત થયા અને વધુ વરસાદ પડ્યો. ત્યારે કૃષ્ણે સુદર્શન ચક્રને કહ્યું કે તમે પર્વત પર રહીને વર્ષાની ગતિને નિયંત્રિત કરો અને શેષનાગને કહ્યું કે તમે વાડો બનાવીને પાણીને પર્વત સુધી આવતા રોકો.
સતત સાત દિવસ સુધી વરસાદ પડ્યો પરંતુ ગ્રામીણોને કશું નુકસાન થયું નહીં. ત્યારે ઈન્દ્રને અહેસાસ થયો કે તેમની સરખામણી કોઈ સામાન્ય માનવી સાથે નથી. તેઓ ગભરાઈને બ્રહ્મા પાસે પહોંચ્યા અને આખી વાત કરી. જેના પર બ્રહ્માએ કહ્યું કે જે માણસની તેઓ વાત કરી રહ્યાં છે તેઓ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શ્રીકૃષ્ણ છે. આ સાંભળીને ઈન્દ્ર દેવતા શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા અને તેમને ઓળખી ન શકવા બદલ ક્ષમા માંગી. જેના પર ભગવાને કહ્યું કે દેવતા તમને તમારી શક્તિનું ઘમંડ થયું હતું. જેને તોડવા માટે મે આ લીલા કરી હતી. ત્યારબાદ દેવરાજે મુરલીધરની પૂજા કરીને તેમને ભોગ ચઢાવ્યો હતો. આ પૌરાણિક ઘટના બાદથી જ ગોવર્ધન પર્વતની પૂજા થવા લાગી. સાથે જ ગાય અને બળદને સ્નાન કરાવીને તેમને ગોળ અને ચોખા ભેળવીને ખવડાવવા આવે છે. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.
એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણે ઈન્દ્રનું અભિમાન ચકનાચૂર કરવા માટે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવીને તમામ ગોવર્ધન વાસીઓની ઈન્દ્રના કોપથી રક્ષા કરી હતી. ઈન્દ્રના અભિમાનને ચૂર કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે કારતક સુદ એકમે 56 ભોગ બનાવીને ગોવર્ધન પર્વતની પૂજા કરે.
કેમ કરવામાં આવે છે અન્નકૂટ
અન્નકૂટનો અર્થ થાય છે અન્નનો સમૂહ. વિભિન્ન પ્રકારના અન્નને સમર્પિત અને વિતરણ કરવાના કારણે જ આ પર્વનું નામ અન્નકૂટ પડ્યું છે. આ દિવસે અનેક પ્રકારના પકવાન, મીઠાઈ વગેરેના ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. કારતક સુદ એકમનો દિવસ ગોવર્ધન ઉત્સવ તરીકે ઉજવાય છે. આ દિવસે અન્નકૂટ જેવો તહેવાર પણ ઉજવાય છે. અન્નકૂટ કે ગોવર્ધન પૂજાની શરૂઆત ભગવાન કૃષ્ણના અવતાર બાદ દ્વાપર યુગથી થઈ.
શું છે માન્યતા
માન્યતા મુજબ અન્નકૂટ પર્વ ઉજવવાથી મનુષ્યને લાંબી ઉમર અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. એવું પણ કહેવાય છે કે આ પર્વના પ્રભાવથી દરિદ્રતા નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. એવું કહેવાય છે કે જો કોઈ મનુષ્ય આ દિવસે દુખી રહે તો આખુ વર્ષ દુખી રહે છે. આથી બધાએ ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રિય અન્નકૂટ પર્વને પ્રસન્ન મનથી મનાવવો જોઈએ. આ દિવસે ભગવાન કૃષ્ણને નાના પ્રકારના પકવાન અને રાંધેલા ભાત પર્વતાકારમાં અર્પણ કરવામાં આવે છે. છપ્પન ભોગની સંત્રા પણ અપાઈ છે. આ દિવસે સાંજે દૈત્યરાજ બલિના પૂજનનું પણ વિધાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે