અચાનક કેમ ભંગ કરાઈ જમ્મુ કાશ્મીર વિધાનસભા? રાજ્યપાલે આપ્યો જવાબ
રાજ્યપાલે કહ્યું કે અલગ અલગ રાજકીય વિચારધારાવાળી પાર્ટીઓ દ્વારા સ્થિર સરકાર બનાવી શકાય નહીં. અત્રે જણાવવાનું કે પીડીપીના ચીફ મહેબુબા મુફ્તિએ બુધવારે રાજ્યપાલ પાસે પત્ર મોકલીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હોર્સ ટ્રેડિંગને રોકવા માટે વિધાનસભા ભંગ કરવામાં આવી છે. રાજ્યપાલે કહ્યું કે અલગ અલગ રાજકીય વિચારધારાવાળી પાર્ટીઓ દ્વારા સ્થિર સરકાર બનાવી શકાય નહીં. અત્રે જણાવવાનું કે પીડીપીના ચીફ મહેબુબા મુફ્તિએ બુધવારે રાજ્યપાલ પાસે પત્ર મોકલીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જો કે આ પત્ર રાજ્યપાલ પાસે રાજનિવાસ પહોંચ્યો કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. નોંધનીય છે કે મુફ્તીના પત્ર મોકલાયાની ગણતરીની ક્ષણોમાં રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે અલોકતાંત્રિક ગણાવ્યો હતો.
કોંગ્રેસ-પીડીપી-નેશનલ કોન્ફરન્સે રચ્યું કાવતરું-ભાજપ
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા વિધાનસભા ભંગ કરવાના નિર્ણયને ભાજપે આવકાર્યો છે. જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે રાજ્યપાલના આ નિર્ણયનું ભાજપ સ્વાગત કરે છે. એકવાર ફરીથી એનસી, કોંગ્રેસ અને પીડીપીએ રાજ્યમાં કાવતરું રચ્યું હતું જેના પગલે જમ્મુ અને લદ્દાખ સાથે અન્યાય થાત. રૈનાએ વિપક્ષી ગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે શું કોંગ્રેસ, પીડીપી અને એનસી ચૂંટણી પહેલા ગઠબંધન બનાવશે.
મહેબુબાને જો નિર્ણય અલોકતાંત્રિક લાગે છે કે તો અનેક વિકલ્પ છે-પીડીપીના બળવાખોર ધારાસભ્ય
આ બાજુ પીડીપીના બળવાખોર ધારાસભ્ય ઈમરાન અન્સારીએ કહ્યું કે જો રાજ્યપાલ અમને ફ્લોર ટેસ્ટ માટે બોલાવત તો અમે તેમને અમારા સભ્યો બતાવી દેત. પરંતુ હવે સ્થિતિ અલગ છે અને વિધાનસભા ચૂંટણી જ એકમાત્ર વિકલ્પ છે. જો મહેબુબા મુફ્તીને એવું લાગતું હોય કે વિધાનસભા ચૂંટણી ભંગ કરવી એ લોકશાહી નથી તો આ લોકતંત્રવાળા દેશમાં તેમની પાસે અનેક વિકલ્પો ખુલ્લા છે.
વિધાનસભા ભંગ થવી એ સંયોગ ન હોઈ શકે-ઉમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઉમર અબ્દુલ્લાએ વિધાનસભા ભંગ થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સ ગત 5 મહિનાથી રાજ્યમાં વિધાનસભા ભંગ કરવાની માગણી કરી રહી હતી. આ માત્ર સંયોગ ન હોઈ શકે કે મહેબુબા મુફ્તીએ સરકાર બનાવવા માટે દાવો કર્યો અને ગણતરીની મિનિટોમાં વિધાનસભા ભંગ કરવાની જાહેરાત થાય. અબ્દુલ્લાએ એવો પણ કટાક્ષ કર્યો કે જમ્મુ અને કાશ્મીર રાજભવનમાં તત્કાળ રીતે એક ફેક્સ મશીનની જરૂર છે.
ભાજપ નથી ઈચ્છતી કે પ્રદેશમાં કોઈ સરકાર બને-ગુલામ નબી આઝાદ
આ બાજુ આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપ નથી ઈચ્છતી કે રાજ્યમાં કોઈ પક્ષ સરકાર બનાવે. મેં કહ્યું હતું કે સરકાર બનાવવા માટે એક સૂચન આવ્યું છે અને હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. એક સૂચન સામે આવતા જ ભાજપે વિધાનસભા ભંગ કરાવી દીધી. આ સાથે જ કોંગ્રેસના નેતા પ્રોફેસર સૈફુદ્દીન સોજે સકહ્યું કે પીડીપીના ચીફ મહેબુબા મુફ્તીએ આ મામલાને કોર્ટમાં લઈ જવો જોઈએ.
2002 જેવા બની રહ્યાં હતાં સમીકરણ
કહેવાય છે કે નેશનલ કોન્ફરન્સ, પીડીપીને બહારથી સમર્થન આપી શકે છે. રાજ્યમાં 2002 જેવા સમીકરણો બની રહ્યાં હતાં. તે સમયે પણ પીડીપી અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી હતી અને નેશનલ કોન્ફરન્સે બહારથી સમર્થન આપ્યું હતું. આ સરકાર પાંચ વર્ષ ચાલી હતી.
ચાલુ વર્ષે જૂનમાં તૂટ્યુ હતું ગઠબંધન
જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આ વર્ષે માર્ચ 2015થી પીડીપી અને ભાજપના ગઠબંધનની સરકારનુ બનેલું ગઠબંધન તૂટ્યું હતું. 2015માં જ્યારે સરકાર બની ત્યારે મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતાં. તેમના નિધન બાદ મહેબુબા મુફ્તી સીએમ બન્યાં હતાં. આ ગઠબંધન સરકાર ચાલુ વર્ષ જૂન સુધી ચાલી, હાલ રાજ્યમાં રાજ્યપાલ શાસન છે. 19 ડિસેમ્બરે રાજ્યપાલ શાસનને 6 મહિના પૂરા થશે. નિયમો મુબ રાજ્યપાલ શાસન ફરી લાદી શકાય નહીં. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લાગે છે. પરંતુ તે માટે વિધાનસભા ભંગ કરવી પડે.
(ઈનપુટ-ભાષામાંથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે