ઠંડીમાં ઠુંઠવાયું ઉત્તર ભારત, તાપમાન 3 ડિગ્રી સુધી ગગડ્યું, ગાઢ ધુમ્મસ સૌથી મોટું નડતર
Delhi Weather Today : દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે શીત લહેર યથાવત છે. ધુમ્મસને કારણે રેલ અને હવાઈ સેવાઓ ગંભીર રૂપથી પ્રભાવિત થઈ રહી છે. દિલ્હીમાં તાપમાન સામાન્યથી 3-4 ડિગ્રી નીચું છે.
Trending Photos
નવી દિલ્હીઃ જાન્યુઆરીના અંતે પણ ઉત્તર ભારત કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસની ચાદર હેઠળ છે. કેટલાક રાજ્યો તો કોલ્ડ ડેનો સામનો કરી રહ્યા છે. ધુમ્મસને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ રહી છે...અનેક ફ્લાઈટ્સ મોડી પડી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ખરા અર્થમાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે, જેની પાછળનું કારણ છે ઉત્તર ભારતની ઠંડી...મોટાભાગના રાજ્યો અને ક્ષેત્રો કોલ્ડવેવની ઝપેટમાં છે.
વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે, અમુક ફૂટ દૂરનું જોઈ શકાતું નથી. શીતલહેરમાં લોકો ઠુંઠવાતા નજરે પડે છે. એકથી વધુ ગરમ કપડાં પહેર્યા વિના છૂટકો નથી. જ્યાં ત્યાં લોકો તાપણાનો સહારો લેતા નજરે પડે છે..
હવામાન વિભાગનું માનીએ તો ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 3થી 6 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. યુપીના કેટલાક ભાગો, ઉત્તર પશ્વિમ રાજસ્થાન અને એમપીનું લઘુત્તમ તાપમાન 7થી 10 ડિગ્રી વચ્ચે છે. યુપીના કાનપુરમાં તો ગુરુવારે તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી ગયું.
દિલ્લી તો સંપૂર્ણપણે ગાઢ ધુમ્મસમાં લપેટાઈ ગયું છે. જેના કારણે અનેક ફ્લાઈટ્સ અને ટ્રેનો મોડી પડી રહી છે. યાત્રિકો એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર આવ્યા બાદ અટવાઈ જાય છે... જો કે નજીકના સમયમાં લોકોને આ સ્થિતિથી રાહત મળી શકે છે.
હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ભારતમાં બે દિવસ બાદ લોકોને ગાઢ ધુમ્મસ અને શીત લહેરમાંથી રાહત મળી શકે છે. 31મી સુધી ઉત્તર અને પશ્વિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે માવઠાંની પણ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 31મી જાન્યુઆરી સુધી પશ્વિમી હિમાલય ક્ષેત્રમાં હળવો વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
હવે વાત જમ્મુ કાશ્મીરની કરીએ તો અહીં પણ શીત લહેર છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ છે, જો કે રાત્રે તાપમાન શૂન્યથી નીચે આવી જાય છે. ડલ તળાવનું પાણી ઠંડુગાર છે. પણ તળાવ થીજેલું ન હોવાથી શિકારા ચાલી રહ્યા છે. દેશભરમાંથી આવતા પર્યટકો હાડ થિજાવતી ઠંડી વચ્ચે પણ ધરતી પરના સ્વર્ગની મજા માણી રહ્યા છે...
આ વખતે શ્રીનગર આવતા પર્યટકોની એક સામાન્ય ફરિયાદ હિમવર્ષાની ગેરહાજરી છે. માઈનસ તાપમાન વચ્ચે પણ શ્રીનગરમાં હિમવર્ષા ન થવી એ હવામાન વિજ્ઞાનીઓ માટે પણ અચરજનો વિષય છે. જો કે ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના ઉંચાણવાળા પર્યટન સ્થળો પર્યટકોની ફરિયાદને દૂર કરી દે છે..
હિમવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરના કેટલાક માર્ગો બંધ પણ કરવા પડ્યા છે. આ દ્રશ્યો બાંદીપોરાના છે, જ્યાં નવેસરથી હિમવર્ષા થતા ગુરેઝ સુધીનો હાઈવે બંધ કરી દેવાયો છે. બાંદીપોરામાં આ વખતે વધુ હિમવર્ષા થઈ રહી છે.
આ તો આ વાત થઈ ઉત્તર ભારતની, હવે જઈએ દક્ષિણ ભારત તરફ. ખુલ્લી જગ્યા, ખેતરો અને વાહનો પર જામેલી બરફની પરત અને તાપણું કરતા લોકો. આ દ્રશ્યો પહેલી નજરે રાજસ્થાનના માઉન્ટ આબુના લાગશે, પણ એવું નથી. આ દ્રશ્યો છે તમિલનાડુના હિલસ્ટેશન નીલગીરીના, જ્યાં અત્યારે કોલ્ડવેવ ચાલી રહી છે. રાજ્યના મેદાની અને કાંઠાના ભાગોમાં લોકો ઉનાળા જેવા હવામાનનો સામનો કરે છે, પણ અહીં સ્થિતિ અલગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે