ભારતનું મોટું પગલું, પહેલીવાર 7 રોહિંગ્યા મુસલમાનોને મ્યાંમાર પાછા મોકલશે
અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને ભારત આજે પાછા મ્યાંમાર મોકલી દેશે.
Trending Photos
નવી દિલ્હી: અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને ભારત આજે પાછા મ્યાંમાર મોકલી દેશે. કેન્દ્ર સરકાર પહેલીવાર આવું પગલું ભરી રહી છે. પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ 2012થી આ લોકો અસમના સિલચર જિલ્લાના કચાર સેન્ટ્રલ જેલમાં બંધ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે મણિપુરની મોરેહ સરહદ ચોકી પર સાત રોહિંગ્યા પ્રવાસીઓને મ્યાંમારના અધિકારીઓને સોંપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે મ્યાંમારના રાજનયિકોને કોન્સ્યુલર પહોંચ આપવામાં આવી હતી. તેમણે આ પ્રવાસીઓની ઓળખની પુષ્ટિ કરી. અન્ય અધિકારીઓએ જણાવ્યું કે પાડોશી દેશની સરકારના ગેરકાયદેસર પ્રવાસીઓના સરનામાની રખાઈન રાજ્યમાં પુષ્ટિ કરાયા બાદ તેમના મ્યાંમારના નાગરિક હોવાની પુષ્ટિ થઈ છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે રોહિંગ્યા પ્રવાસીઓને ભારતથી મ્યાંમાર મોકલવામાં આવશે.
આ બાજુ ગુવાહાટીમાં અસમના એડિશનલ ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ (બોર્ડર) ભાસ્કરજ્યોતિ મહંતાએ કહ્યું કે વિદેશી નાગરિકોને પાછા મોકલવાનું કામ છેલ્લા થોડા સમયથી ચાલી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં અમે બાંગ્લાદેશ, મ્યાંમાર અને પાકિસ્તાનના અનેક નાગરિકોને સ્વદેશ પાછા મોકલ્યા છે.
સાત રોહિંગ્યા લોકોને વિદેશ કાયદાના ભંગના આરોપમાં 29 જુલાઈ 2012ના રોજ ધરપકડ કરવામાં આવ્યાં હતાં. કાચાર જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે જેમને પાછા મોકલવામાં આવશે તેમાં મોહમ્મદ જમાલ, મોહબુલ ખાન, જમાલ હુસેન, મોહમ્મદ યુનૂસ, સબીર અહેમદ, રહીમ ઉદ્દીન અને મોહમ્મદ સલામ સામેલ છે. તેમની ઉંમર 26થી 32 વર્ષની વચ્ચે છે.
ભારત સરકારે ગત વર્ષ સંસદને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી યુએનએચસીઆરમાં રજિસ્ટર્ડ 14,000થી વધુ રોહિંગ્યા ભારતમાં રહે છે. જો કે મદદ આપનારી એજન્સીઓએ દેશમાં રહેતા રોહિંગ્યાઓની સંખ્યા લગભગ 40,000 ગણાવી છે.
રખાઈન રાજ્યમાં મ્યાંમાર સેનાના કથિત અભિયાન બાદ રોહિંગ્યાઓ પોતાના જીવ બચાવવા માટે ઘર છોડીને ભાગ્યા હતાં. સંયુક્ત રાષ્ટ્ર રોહિંગ્યા સમુદાયને સૌથી વધુ દમિત અલ્પસંખ્યક ગણાવે છે. માનવાધિકાર સમૂહ એમનેસ્ટી ઈન્ટરનેશનલે રોહિંગ્યા લોકોની દુર્દશા માટે આંગ સાન સૂ ચી અને તેમની સરકારને જવાબદાર ઠેરવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે