ઈન્ટરપોલે મેહુલ ચોક્સી સામે બહાર પાડી રેડ કોર્નર નોટિસ, CBIને મળી સફળતા
દેશના નાણા લઈને ભાગી છુટનારા વધુ એક બિઝનેસમેન સામે ભારત સરકારને મોટી સફળતા મળી છે. તાજેતરમાં જ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટન કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, આ અગાઉ અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં સફળતા મળી હતી
Trending Photos
નવી દિલ્હીઃ વિજય માલ્યા બાદ હવે વધુ એક બિઝનેસમેન સામે ભારત સરકારને મોટી સફળતા મળી છે. પંજાબ નેશનલ બેન્કના રૂ.13,500 કરોડ લઈને ભાગી છૂટેલા મેહુલ ચોક્સી સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી છે. CBI દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તાજેતરમાં જ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટન કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, આ અગાઉ અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં સફળતા મળી હતી.
ઈન્ટરપોલ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સી CBIની અરજીના મુદ્દે મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ નોટિસ બહાર પડ્યા બાદ હવે ભારતીય એજન્સીઓ મેહુલ ચોક્સી સુધી સરળતાથી પહોંચી શકશે.
13,500 કરોડની છેતરપીંડીનો આરોપ
હિરા વ્યવસાયી નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેન્કના રૂ.13,500 કરોડ લઈને ભાગી છૂટવાનો આરોપ છે. થોડા સમય પહેલા જ ભારતીય એજન્સીને માહિતી મળીહતી કે મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં છે અને તેણે ત્યાંની નાગરિક્તા પણ લઈ લીધી છે. મેહુલ ચોક્સીના વકીલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક વિશેષ અદાલતમાં જણાવ્યું હતું કે, ચોક્સી મુસાફરી કરવા માટે શારીરિક રીતે તંદુરસ્ત નથી. આ કારણે એન્ટિગુઆથી ભારત આવીને પોતાનું નિવેદન આપી શકે એમ નથી.
ભારત પાછા આવવા ધર્યું આરોગ્યનું ધોરણ
મેહુલ ચોક્સીના વકીલ સંજય અબોટે કોર્ટમાં જણાવ્યું હતું કે, ચોક્સીની નાદુરસ્તીને ધ્યાનમાં રાખીને તેમનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રેકોર્ડ કરવામાં આવે કે પછી EDના અધિકારીઓ એન્ટિગુઆ જઈને તેમનું સ્ટેટમેન્ટ લઈ શકે છે. આ અંગે મુંબઈમાં EDની અદલતને મેહુલ ચોક્સીના વકીલે જણાવ્યું કે, જો આ બંનેમાંથી એક પણ વિકલ્પ અપનાવી શકાય નહીં તો તેમના આરોગ્યમાં સુધારો થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. જો, ચોક્સીની તબિયતમાં સુધારો થઈ જશે તો તે ભારત આવીને પોતાનું નિવેદન નોંધાવી જશે.
તેમના સાથીદારની ધરપકડ થઈ ચૂકી છે
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટની કોર્ટ ચોક્સીને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરવાની વિનંતી પર સુનાવણી કરી રહી હતી. આ વર્ષે જ 9 નવેમ્બરના રોજ EDએ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના નજીકના વ્યક્તિ દીપક કુલકર્ણીને કોલકાતા એરપોર્ટ પરથી પકડ્યો હતો.
કુલકર્ણી હોંગકોંગથી આવતી ફ્લાઈટ દ્વારા કોલકાતા પહોંચ્યો હતો અને તે ચોક્સીના હોંગકોંગમાં ચાલી રહેલી ફર્મનો ડિરેક્ટર હતો. CBI અને EDએ થોડા દિવસ અગાઉ કુલકર્ણી સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી હતી.
શું છે રેડકોર્નર નોટિસ?
ઈન્ટરપોલ કુલ 7 પ્રકારની નોટિસ બહાર પાડી છે. જેમાંથી છ નોટિસના નામ રંગ પર રાખવામાં આવેલા છે. રેડ કોર્નર નોટિસ તેમાંની જ એક હોય છે. આ ઉપરાંત બ્લ્યૂ, ગ્રીન, યલો, બ્લેક, ઓરેન્જ અને ઈન્ટરપોલ યુએનના નામથી પણ નોટિસ બહાર પાડવામાં આવે છે.
રેડ કોર્નર નોટિસ કોઈ સભ્ય દેશની વિનંતી બાદ બહાર પાડવામાં આવે છે. તેનો હેતુ તમામ સભ્ય દેશોને એ સુચના આપવાનો હોય છે કે, અપરાધી વ્યક્તિ સામે તેના દેશમાં ધરપકડ વોરન્ટ બહાર પડી ચૂક્યું છે. રેડ કોર્નર નોટિસ ઈન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ હોતું નથી, કેમ કે એરેસ્ટ વોરન્ટ બહાર પાડવાનો અધિકાર તો સંબંધિત દેશને જ હોય છે.
જોકે, સામાન્ય રીતે તેને ઈન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ તરીકે જ ગણવામાં આવે છે. ઈન્ટરપોલ આવા લોકોને પકડવા માટે પોતાના કોઈ અધિકારીને મોકલતું નથી કે તેના સભ્ય દેશોમાંથી કોઈ આ એ વ્યક્તિની ધરપકડ કરવાની માગણી કરી શક્તો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે