જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડીને બનાવ્યો રેકોર્ડ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 29 સીટો પર જીત મેળવી છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે એક મોટી સિદ્ધિ મેળવી છે. 

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડીને બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હીઃ દેશના બે રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સામે આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 90 સીટો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી સામે આવેલા પરિણામો પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવી રહ્યું છે. નેશનલ કોન્ફરન્સને 43, તો કોંગ્રેસને 6 સીટ મળી રહી છે. આ સિવાય ભારતીય જનતા પાર્ટી 29 સીટો જીતી રહી છે. 

જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ
ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર નેશનલ કોન્ફરન્સે 39 સીટ જીતી લીધી છે અને ત્રણ સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 29 સીટ જીતી રહી છે. જ્યારે છ સીટ કોંગ્રેસના ખાતામાં આવી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી 3 સીટ જીતી છે. જ્યારે જમ્મુ-કાશ્મીર પીપલ કોન્ફરન્સના ખાતામાં 1 અને એક સીટ આમ આદમી પાર્ટીના ખાતામાં આવી છે. જ્યારે સાત સીટો પર અન્ય ઉમેદવારો જીતી રહ્યાં છે. 

જમ્મુ-કાશ્મીરમાં હારીને પણ જીતી ભારતીય જનતા પાર્ટી
ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટામાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. નેશનલ કોન્ફરન્સ સૌથી વધુ સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ મત ટકાવારીના આંકડા ખુબ ચોંકાવનારા છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ મત મળ્યા છે. ભાજપને 25.63 ટકા મત મળ્યા છે. જ્યારે ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને 23.44 ટકા મત મળ્યા છે. જો મતના આંકડા જોવામાં આવે તો ભાજપને કુલ 14 લાખ 60 હજાર 637 મત મળ્યા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સને 13 લાખ 36 હજાર 147 મત મળ્યા છે.

ભાજપને 1,24,490 મત વધુ મળ્યા
એટલે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સીટો ભલે નેશનલ કોન્ફરન્સને વધુ મળી હોય પરંતુ જો મતની ટકાવારી અને મતનો આંકડો જોવા મળે તો ભારતીય જનતા પાર્ટી ખુબ આગળ છે. ભાજપને નેશનલ કોન્ફરન્સ કરતા 1 લાખ 24 હજાર 490 મત વધુ મળ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને 6 લાખ 82 હજાર 205 મત મળ્યા છે. આ સિવાય અન્યને 14 લાખ 15 હજાર 781 મત મળ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news