ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતા
Lok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
Trending Photos
લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો પોતાની પૂરેપૂરી તાકાતથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ત્યારે તમને પણ એવું થતું હશે કે આ તે કેવું વળી? કે એક પિતા જ પુત્રને હરાવવા માટે મથી રહ્યા છે. તો ખાસ જાણો સમગ્ર વિગતો.
પિતા પુત્ર આમને સામને!
કેરળના પૂર્વ મુખ્યમંત્રી, દેશના પૂર્વ રક્ષામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે અનિલને દક્ષિણ કેરળ લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે. અનિલનો મુલાબલો કોંગ્રેસના ઉમેદવાર સામે છે. પિતા કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. એકે એન્ટનીએ પોતાના જ પુત્રને હારનો 'શ્રાપ' આપતા કહ્યું હતું કે આ સીટથી એન્ટો એન્ટની ચૂંટણી જીતવા જોઈએ. એે કે એન્ટનીએ સાથે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ મારો ધર્મ છે, રાજનીતિ અને પરિવાર મારા માટે બે અલગ અલગ રહ્યા છે. પુત્રને હારનો 'શ્રાપ' આપનારા એન્ટની કોંગ્રેસને પોતાનો ધર્મ ગણાવી રહ્યા છે અને ચર્ચા તો તેમની રાજકીય કારકિર્દીના એ પડાવની પણ થઈ રહી છે જ્યારે તેમણે પોતાના જ આ 'ધર્મ'ને આંખ દેખાડતા તેમના વિરુદ્ધ જઈને પોતાની જ એક અલગ પાર્ટી બનાવી લીધી હતી.
ધર્મ ગણાવનાર કોંગ્રેસ સામે જ ઊભી કરી હતી પાર્ટી
વિદ્યાર્થી કાળથી રાજકારણમાં આવેલા એ કે એન્ટની ઝડપથી રાજકારણમાં સફળતાની સીડી ચડતા ગયા. 1970-80ના દાયકામાં તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની જગ્યા બનાવી રહ્યા હતા. એન્ટની કોંગ્રેસના મહાસચિવ રહ્યા, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ રહ્યા. દેશમાં જ્યારે ઈમરજન્સી લાગી હતી ત્યારે 1976માં અસમના ગુવાહાટીમાં કોંગ્રેસનું અધિવેશન થયું હતું. આ અધિવેશનમાં તેમણે ઈમરજન્સી હટાવવાની માંગણી કરી અને ચર્ચામાં આવ્યા હતા. 37 વર્ષે પહેલીવાર કેરળના મુખ્યમંત્રી બન્યા હતા અને તે વર્ષ હતું 1977. ઈમરજન્સી હટ્યા બાદ કોંગ્રેસની હાર થઈ અને પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર બની. ત્યારબાદ મતભેદ વધતા ગયા અને ઈન્દિરા ગાંધી સાથે વાંકૂ પડતા કેરળના સીએમ પદેથી રાજીનામું આપી દીધુ હતું અને શરદ પવાર, પ્રિયરંજન દાસમુંશી અને શરતચંદ્ર સિન્હા સાથે મળીને કર્ણાટકના પૂર્વ સીએમ દેવરાજ ઉર્સના નેતૃત્વમાં કોંગ્રેસ (ઉર્સ)નામથી અલગ પાર્ટી બનાવી હતી. 1980માં પાર્ટી બનાવી જો કે 1981માં પાર્ટીનું નામ કોંગ્રેસ (એસ) થઈ ગયું હતું. જો કે એન્ટની 1980માં કોંગ્રેસ (ઉર્સ)થી અલગ પણ થઈ ગયા. તેમણે કોંગ્રેસ (એ)નામથી પાર્ટી બનાવી હતી. જે બે વર્ષ સુધી રહી. 1982માં કોંગ્રેસમાં વિલય કરી દીધો.
પુત્ર ગયો ભાજપમાં
પુત્ર અનિલ એન્ટની જ્યારે ભાજપમાં જોડાઈ ગયા ત્યારે એ કે એન્ટનીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતાઓના દીકરા દીકરીઓનું ભાજપ સાથે જોડાઈ જવું અને ભાગવું ખોટું છે. એન્ટનીએ એ પણ જોડ્યું કે મારા રાજનીતિક કરિયરની શરૂઆત જ પરિવાર અને રાજકારણ બે અલગ અલગ છે. તાજેતરમાં તેમણે આપેલું નિવેદન પણ ખુબ ચર્ચામાં છે. જેમાં તેમણે પુત્ર હારે તેવી વાત કરી. તેમણે કહી દીધુ કે તે જે પક્ષમાં છે તેનો પરાજય થાય. મારી ઈચ્છા એટલે છે કારણ કે હું કોંગ્રેસી નેતા છું. મારો ધર્મ જ કોંગ્રેસ છે. મારો પુત્ર અમારી વિરોધી પાર્ટીમાં જાય તે મને પસંદ નથી. આથી હું તેની હારની વાત કરું છું.
માતાએ કરી હતી આ વાત
અનિલ એન્ટનીએ 6 એપ્રિલ 2023ના રોજ ભાજપમાં એન્ટ્રી કરી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ તે વખતે સોશિયલ મીડિયા સાઈટ યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કોંગ્રેસ નેતા એ કે એન્ટનીના પત્ની એલિઝાબેથે કોંગ્રેસના કામકાજ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી હતી. એક ઈસાઈ ધ્યાન કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર પબ્લિશ્ડ વીડિયોમાં એલિઝાબેથ એ કહેતા સાંભળી શકાય છે કે અનિલની સૌથી મોટી ઈચ્છા રાજકારણમાં આવવાની હતી. જો કે તેમના સપનાને એક મોટા વિધ્નનો સામનો કરવાનો વારો ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે ચિંતન શિબિર દરમિયાન વંશવાદની રાજનીતિ વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કર્યો. તેનો અર્થ એ થયો કે મારા પુત્રને જે હાલ 39 વર્ષનો છે તેણે પોતાના ભવિષ્ય પર સાવધાનીથી વિચાર કરવાનો રહેશે. એક દિવસ તેણે મને ફોન કર્યો અને જણાવ્યું કે પીએમઓએ તેનો સંપર્ક કર્યો છ ેઅને તેને ભાજપમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે