આ 2 ફેક્ટર....ભાજપને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષય

Lok Sabha Election 2024: પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. એક નજરે જોઈએ તો વિપક્ષ સાવ નબળો અને તેની સામે પીએમ મોદીની શક્તિશાળી છબી...ઉપરથી અત્યંત વિશ્વાસ સાથે જીતી જવાની વાતો...પણ આ બધા છતાં જે રીતે ઓછું મતદાન જોવા મળ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. જાણો કયા બે ફેક્ટર ભાજપ માટે ચિંતા ઊભી કરી રહ્યા છે?

આ 2 ફેક્ટર....ભાજપને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે લોકસભા ચૂંટણીને લઈને એક નારો આપ્યો છે- અબ કી બાર 400 પાર. ભાજપ માટે છે- અબ કી બાર 370 પાર. પહેલી નજરમાં આ લક્ષ્યાંક ખુબ મહત્વનો લાગી શકે છે. પરંતુ જો ગ્રાઉન્ડ સ્તરે જોઈએ તો સ્થિતિ કઈક અલગ જ લાગી શકે છે. લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું જે હેઠળ 102 સીટો પર મતદાન થયું. 

પ્રથમ તબક્કાના મતદાનથી શું ચિંતા જેવું?
પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું જેમાં 102 સીટ પર મતદાન થયું. પહેલા તબક્કામાં ફક્ત 63 ટકા જેટલું મતદાન નોંધાયુ છે. આંકડા જોઈએ તો યુપીમાં આ વખતે સાત  ટકા જેટલું ઓછું મતદાન થયું છે. યુપી જેવા અત્યંત મહત્વના રાજ્યમાં આટલું ઓછું મતદાન? એ જ રીતે બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ 6 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ 4 ટકા મતદાન ઘટ્યું છે. હવે આ વખતે ઓછું મતદાન કોના માટે ફાયદો અને કોના માટે નુકસાન એ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ તેના મનોવૈજ્ઞાનિક પહેલુંને જોઈએ તો તે ભાજપની ઊંઘ ઉડાડવા માટે પૂરતું બની શકે છે. 

ભલે વાતો થતી હોય કે પહેલા તબક્કાના મતદાન બાદ એનડીએ આગળ છે. વિપક્ષ તો દૂર દૂર સુધી ક્યાંય નથી. પરંતુ હવે જ્યારે ઓછું મતદાન થયું છે તો બધાના મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે આ ઓછું મતદાન કોને નુકસાન પહોંચાડશે. બહું આંકડામાં ન પડીએ તો પણ એટલું કહી શકીએ કે એક્સ્ટ્રિમ વોટિંગ એ પરિવર્તનનો સંકેત આપતું હોય છે. એક્સ્ટ્રીમ વોટિંગ એટલે કાં તો વધુ પડતું મતદાન થાય અથવા તો ઓછું મતદાન થાય. 

યુપીમાં કેમ મતદારો આળસુ બન્યા?
આ વખતે યુપીની અનેક બેઠકો પર મતદાનમાં 10 ટકા સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો છે. આવામાં સવાલ એ થાય છે કે શું તેને એસ્ટ્રિમ વોટિંગની શ્રેણીમાં રાખી શકાય ખરું? જો આમ થાય તો તે ભાજપ માટે સારા સમાચાર ન કહી શકાય. આ કહેવા પાછળ એક  કારણ એ પણ છે કે જ્યારે મોદી લહેર પ્રચંડ રીતે ચાલે છે ત્યારે જનતામાં પણ વોટિંગનો એક અલગ ઉત્સાહ દેખાય છે. તે ઉત્સાહ જ વોટિંગ નંબરમાં પણ છલકે છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન યુપીએ સરકાર વિરુદ્ધ ગુસ્સો હતો ત્યારે તેના લીધી 66.40 ટકા મતદાન થયું હતું. તે આઝાદ ભારત બાદ થયેલું સૌથી વધુ મતદાન પણ હતું. બધાએ અંદાજો લગાવી લીધો હતો કે આ વખતે પરિવર્તન માટે મત પડ્યા છે. 

એ જ રીતે 2019ની ચૂંટણીમાં 67.40 ટકા મતદાન થયું હતું એટલે કે વળી પાછું રેકોર્ડ વોટિંગ. તે ચૂંટણીની બરાબર પહેલા બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતીઅને એ મુદ્દો બધાના મગજમાં હતો, ભાજપે પણ રાષ્ટ્રવાદની પિચ પર જબરદસ્ત રમત દેખાડી અને એનડીએ 352 સીટો જીતી. હવે આ વખતે પણ અત્યારે પહેલા તબક્કામાં 63 ટકા મત પડ્યા એટલે કે ગયા વખત કરતા ઓછું મતદાન. જાણકારોનું માનવું છે કે આ વખતે દેશમાં કોઈ એવી મોટી ઘટના ઘટી નથી જેના દમ પર જનતાનું ધ્યાન આકર્ષિત કરી શકાય. 

નારો ભારે પડશે?
અયોધ્યામાં ભગવાન રામનું મંદિર જરૂર બની ગયું પરંતુ આ કાર્યક્રમ પણ વર્ષની શરૂઆતમાં જ પૂરો થઈ ગયો. હવે જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ તેની ચમક ફિકી પડતી જોવા મળે છે. આવામાં જનતા શું વિચારીને, કયા આધારે મત આપી રહી છે તે સૌથી મોટો સવાલ છે. સવાલ એ પણ ઊભો થાય છે કે શું 400 પ્લસનો નારો આપવો ક્યાંક ભાજપને ભારે તો નથી પડી ગયો ને?  કેટલાક જાણકારોનું માનવું છે કે જ્યારે કોઈ પાર્ટી જરૂરિયાત કરતા વધુ મોટો લક્ષ્યાંક નક્કી કરી દે છે, વાતાવરણ એટલું બધુ હકારાત્મક બનાવી દે છે, ત્યારે અનેકવાર તે પાર્ટીના લોયલ મતદારો પણ આરામના મૂડમાં આવી જતા હોય છે. તેઓ નિશ્ચિત બની જાય છે કે જીત તો અમારી થવાની જ છે. આ આશ્વાસન તેમને બૂથ સુધી કદાચ જવા દેતું નથી અને આ બેદરકારી જ સત્તામાં પરિવર્તનનો આધાર બનતો હોય છે. દેશમાં આ ટ્રેન્ડ 2004ની લોકસભા ચૂંટણીમાં ખુબ નજીકથી જોવા મળ્યો હો. અટલ બિહારી વાજપેયીના કામના વખાણ ચારે બાજુ થતા હતા. ભાજપનું શાઈનિંગ ઈન્ડિયા નરેટિવ ચાલી રહ્યું હતું. પરંતુ આમ છતાં યુપીએ જીતી ગયું અને એનડીએ સત્તા બહાર થઈ ગયું. 

દરેક રેલીમાં નારો
હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક રેલીમાં 400 પારનો નારો આપી રહ્યા છે.  તેમના તરફથી એવું કહેવાય છે કે મે ત્રીજા કાર્યકાળની તૈયારીઓ પણ અત્યારથી શરૂ કરી દીધી છે, પહેલા 100 દિવસમાં શું કામ થવાનું છે તેનો રોડમેપ પણ તૈયાર થઈ ગયો છે. હવે વિશ્વાસ હોવો એ સારી વાત છે પરંતુ ક્યાંક પીએમ મોદીનો આ અંદાજ તેમને અતિવિશ્વાસ તરફ તો નથી ધકેલી રહ્યા? ક્યાંક 400 પારવાળા નારાએ ભાજપના મતદારોને જ બૂથથી દૂર કરવાનું કામ તો નથી કર્યું ને? ક્યાંક મતદારો એવું તો નથી વિચારવા લાગ્યા કે 'આવશે તો મોદી જ તો પછી મતદાન કરીએ કે ન કરીએ શું ફરક પડે?'

વિપક્ષ પણ કરી રહ્યો છે આ કામ
વિપક્ષ પણ હાલ એવું નરેટિવ સેટ કરવામાં લાગ્યો છે કે પીએમ મોદીને જનતાના મત જોઈતા નથી, તેઓ તો જીતી જ જવાના છે. તેઓ તો આમ જ 400 પાર જતા રહેવાના છે. હવે વિપક્ષનો આ આરોપ પણ સંપૂર્ણ રીતે ખોટો કઈ રીતે કહી શકાય? જાણકારો માને છે કે વિશ્વાસ હોવામાં અને ઘમંડ હોવામાં ખુબ જ પાતળી ભેદરેખા હોય છે. જે પ્રકારે પીએમ મોદી દ્વારા સતત મોદી કી ગેરંટીવાળું કેમ્પેઈન ચલાવવામાં આવે છે, એક વર્ગ ચોક્કસપણે માને છે કે રાજનીતિક જરૂર કરતા વધુ વ્યક્તિ કેન્દ્રિત થઈ ગઈ છે. આવી ધારણા બને ત્યારે જ માહોલ બનવાની શરૂઆત થઈ જાય છે. 

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો એક રેલીમાં કહી ચૂક્યા છે કે મોદીને તમારા મત નથી જોઈતા, તેઓ તો 400 પ્લસ લાવવાની વાતો કરે છે, મને તમારા મત જોઈએ, મને તમારા મતની કદર છે. જો આખો વિપક્ષ આ નરેટિવ સેટ કરવામાં સફળ થઈ જાય કે ભાજપને જનતાના મતની જરૂર નથી તો આવનારા તબક્કાઓમાં નુક્સાન થઈ શકે છે. હાલ તો આ ઓછું મતદાન સરકાર માટે એક ચિંતાનો વિષય બનેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news