રાંધણ ગેસના ભાવમાં એક મહિનામાં બીજી વખત વધારો
1 નવેમ્બરના રોજ પ્રતિ સિલિન્ડર રૂ.2.84નો વધારો કરાયો હતો, હવે આ બીજી વખત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે
Trending Photos
નવી દિલ્હીઃ ઘરેલુ રાંધણ ગેસ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 2 રૂપિયાનો વધારો કરાયો છે. સરકાર દ્વારા એલપીજી ડીલરોનાં કમિશનમાં વધારો કરાયા બાદ સિલિન્ડરના ભાવમાં પણ હવે વધારો ઝીંકવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની ઈંધણ કંપનીઓ દ્વારા જણાવ્યાનુસાર 14.2 કિલોના સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં હવે રૂ.507.42 હશે, જે અગાઉ રૂ.505.34 હતા.
આ મહિનામાં બીજી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ મૂળ કિંમત પર ટેક્સ સાથે પ્રતિ સિલિન્ડર રૂ.2.84નો વધારો કરાયો હતો. આ અગાઉ, પેટ્રોલિયમ મંત્રાલયે ડીલરનું કમિશન વધારવા આદેશ અપાયો હતો.
આદેશમાં મંત્રાલયે જણાવ્યું કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલુ વિતરકોનું કમિશન છેલ્લી વખત સપ્ટેમ્બર 2017માં ક્રમશઃ રૂ.48.89 તથા રૂ.24.20 નક્કી કરાયા હતા.
આદેશ અનુસાર એલપીજી વિતરકોના કમિશનની નવેસરથી સમીક્ષા કરવાનું કામ પડતર છે. આ દરમિયાન પરિવહન ખર્ચ, પગાર વગેરેમાં વૃદ્ધિને જોતાં વચગાળાના ઉપાય તરીકે વિતરકોના કમિશનમાં 14.2 કિલોના સિલિન્ડર માટે રૂ.50.58નો અને 5 કિલોના સિલિન્ડરમાં રૂ.25.29 કરવાનો નિર્ણય લેવાયો છે.
જૂન મહિનાથી એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને વધ્યા છે. મુંબઈમાં 14.2 કિલો એલબીજી સિલિન્ડરનો ખર્ચ હવે રૂ.505.05, કોલકાતામાં રૂ.510.70 અને ચેન્નઈમાં રૂ.495.39નો ભાવ છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર અને પરિવહન ખર્ચના કારણે જુદા-જુદા ભાવ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે