MPમાં ઈવીએમ વિવાદ અટકવાનું નામ નથી લેતો, નાયબ તલાટી સસ્પેન્ડ, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી

કોંગ્રેસે લગાવ્યો આરોપ, ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર સિંહ અને કલેક્ટર આલોક સિંહ વચ્ચેના સારા સંબંધોને કારણે ઈવીએમમાં ગરબડ થવાની શક્યતા 

MPમાં ઈવીએમ વિવાદ અટકવાનું નામ નથી લેતો, નાયબ તલાટી સસ્પેન્ડ, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ બાદ સ્ટ્રોંગરૂમ અને ઈવીએમની સુરક્ષા અંગે ઊભા થઈ રહેલા સવાલોને સરકારી મશીનના શંકાના ઘેરામાં લાવી દીધી છે. કોંગ્રેસે ઈવીએમની સુરક્ષામાં ચૂક બાબતે સરકાર અને સરકારી તંત્ર પર હુમલો કર્યો છે. સાગરમાં મતદાનના 48 કલાક બાદ ગુરુવારની સાંજે સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ પહોંચાડવામાં આવ્યા હોવા અંગે કમિશનર મનોહર દુબેએ ડેપ્યુટી તલાટી રાજેશ મેહરાને સસ્પેન્ડ કરી દીધા છે. આથી મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ સ્પષ્ટતા આપી છે. 

ઈવીએમની સુરક્ષા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એક ટીમે દિલ્હીમાં ચૂંટણી પંચનું વલણ અને સ્ટ્રોંગ રૂમના અંદર ઈવીએમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ દાવો કર્યો છે કે, મધ્યપ્રદેશના સાગરની ખુરઈ વિધાનસભામાં વોટિંગના 48 કલાક બાદ નંબર પ્લેટ વગરની એક સ્કૂલ બસ ઈવીએમ લઈને સાગર જિલ્લા કલેક્ટરની ઓફિસે પહોંચી હતી. વધારાના આ ઈવીએમને ચૂંટણીના બે કલાક બાદ જમા કરાવી દેવાના હતા, તેના બદલે બે દિવસ બાદ જમા કરાવાયા છે. 

ઉલ્લેખનીય છે કે, ખુરઈથી સાગર માત્ર 27 કિમી દૂર છે. આ બેઠક પર રાજ્યના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ અને કોંગ્રેસના ઉમેદવાર અરૂણોદય ચોબે વચ્ચે કાંટાની ટક્કર છે. કોંગ્રેસે ફરિયાદમાં સાગરમાં મતદાનના 48 કલાક બાદ ઈવીએમ પહોંચાડવા અંગે સવાલ ઉઠાવ્યો છે, સાથે જ આરોપ લગાવ્યો છે કે, ખુરઈના ભાજપના ઉમેદવાર ભુપેન્દ્ર સિંહ અને  કલેક્ટર આલોક સિંહ વચ્ચે સારા સંબંધો છે, જેના કારણે ગરબડ થવાની પુરેપુરી શક્યતા છે. 

તપાસના આદેશ
નંબર વગરની ગાડીમાં ઈવીએમ અને વીવીપીએટી સહિત 118 મશીન ખુરઈથી સાગર લાવવા અંગે સીઈઓ બી.એલ. કાંતારાવે સાગરના કલેક્ટર આલોક કુમાર સિંહને તપાસના આદેશ આપ્યા છે. 

આ જ રીતે ભોપાલની જૂની જેલમાં બનાવાયેલા સ્ટ્રોંગ રૂમની બહાર ફીટ કરેલી એલઈડી સ્ક્રીન બંધ હોવા અંગે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કહેવાય છે કે, શુક્રવારે સવારે 8 કલાકે અચાનક સ્ટ્રોન્ગ રૂમની બહાર ચાલતો એલઈડી સ્ક્રીન બંધ થઈ ગયો છે. આ એલઈડી પર સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલા ઈવીએમ મશીનને બહારથી જોઈ શકાય છે. 

સ્ક્રીન બંધ થતાં જ ત્યાં હાજર કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ ઈવીએમમાં ગરબડનો આરોપ લગાવ્યો છે. લગભગ દોઢ કલાક સુધી એલઈડી સ્ક્રીન બંધ રહ્યો હતો. આ ઉપરાંત સતનાના સ્ટ્રોંગરૂમમાં પાછળના દરવાજાથી સામગ્રી લઈ જવાની ઘટના પણ ચર્ચામાં છે. 

સિંધિયાએ કરી ટ્વીટ 
મધ્યપ્રદેશની ચૂંટમી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ અને સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે ટ્વીટ કરીને સ્ટ્રોંગ રૂમના વીડિયો બહાર આવવા અંગે કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. 

સિંધિયાએ ટ્વીટ કરી કે, "ભોપાલમાં સ્ટ્રોંગરૂમની બહાર લાગેલા એલઈડી સ્ક્રીન બંધ થઈ જવા, સાગરમાં ગૃહમંત્રીની વિધાનસભા સીટના રિઝર્વ ઈવીએમ 48 કલાક બાદ સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવા, સતના-ખરગોનમાં અજ્ઞાત બોક્સને સ્ટ્રોંગરૂમમાં પહોંચાડવાનો વીડિયો બહાર આવવો, વગેરે એક મોટા કાવતરા તરફ ઈશારો છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news