મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 નજીક છે. ભાજપે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટના અનેક દિગ્ગજ મંત્રીઓની ટિકિટ કાપી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું

નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 નજીક છે. ભાજપે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટના અનેક દિગ્ગજ મંત્રીઓની ટિકિટ કાપી છે. પ્રદેશના શિક્ષણ મંત્રી વિનોદ તાવડેને મોટો આંચકો લાગ્યો છે. કારણ કે તાવડેનું આ વખતે ચૂંટણી લડવાનું સપનું રોળાયું છે. ઉમેદવારી નોંધાવવાના છેલ્લી દિવસ શુક્રવારના રોજ સવારે ભાજપના ઉમેદવારોની ચોથી લિસ્ટ બહાર પડતાની સાથે જ શિક્ષણ મંત્રી તાવડેની ટિકિટ કપાઈ હોવાની વાત સ્પષ્ટ થઈ ગઈ. વિનોદ તાવડે મુંબઈના પશ્ચિમ પરા વિસ્તાર બોરીવલી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. 

હવે આ સીટ પર વિનોદ તાવડેની જગ્યાએ ભાજપ અને શિવસેના ગઠબંધનના ઉમેદવાર સુનિલ રાણેને પાર્ટીએ ટિકિટ આપી છે. સુનિલ રાણે મુંબઈ ભાજપના યુવા નેતા છે. સુનિલ રાણે આ અગાઉ પણ મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે હવે વરલી બેઠક પરથી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે શિવસેના અને ભાજપના ગઠબંધન ઉમેદવાર  તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. 

કહેવાય છે કે કથિત નકલી એન્જિનિયરિંગ ડિગ્રી અને અન્ય આરોપોના કારણે વિપક્ષી દળોના નેતાઓા આરોપથી ઘેરાયેલા શિક્ષણ મંત્રી વિનોદ તાવડેને બાજુમાં મૂકવામાં જ ભાજપને હિત લાગ્યું અને શિક્ષણ મંત્રી તાવડેની ટિકિટ કાપીને વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે. 

વિનોદ તાવડે એક સમયે પ્રદેશમાં મુખ્યમંત્રી પદના દાવેદાર હતાં. તાવડે મહારાષ્ટ્રના મરાઠા નેતા છે. પ્રદેશના રાજકારણમાં મરાઠાઓ ખુબ શક્તિશાળી છે. અત્યાર સુધી પ્રદેશના મોટાભાગના મુખ્યમંત્રી મરાઠા જાતિમાંથી જ આવેલા છે. વર્ષ 2014 કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને હરાવીને પ્રદેશમાં સત્તામાં આવેલા દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પહેલીવાર શિક્ષણ મંત્રી તરીકે કાર્યભારમાં આવેલા વિનોદ તાવડે અગાઉ મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતા હતાં. 

જુઓ LIVE TV

ભાજપની ચોથી યાદી જાહેર થઈ તો પ્રદેશના અન્ય ધાકડ નેતાઓમાં પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસેને પણ આંચકો મળ્યો છે. પાર્ટીએ તેમની જળગાવથી ટિકિટ કાપી છે. જો કે એકનાથ ખડસેને એ વાતની રાહત છે કે પાર્ટીએ તેમની જગ્યાએ તેમની પુત્રીને ટિકિટ આપી છે. એકનાથ ખડસેએ કથિત જમીન કૌબાંડમાં નામ ઉછળવાના કારણે ફડણવીસ કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. 

આ ઉપરાંત ભાજપે મુંબઈની કોલાબા  બેઠકથી ધારાસભ્ય કેબિનેટ મંત્રીનો દરજ્જો મેળવી ચૂકેલા રાજ પુરોહિતનું પણ પત્તું કાપ્યું છે. રાજપુરોહિતની જગ્યાએ રાહુલ નાર્વેકરને ટિકિટ અપાઈ છે. હાઉસિંગ કૌભાંડોના આરોપો બાદ મહારાષ્ટ્ર કેબિનેટમાંથી બહાર થયેલા પૂર્વ ગૃહ નિર્માણ મંત્રી પ્રકાશ મહેતાને પણ પાર્ટીએ ઘરે બેસાડ્યા છે. ઘાટકોપર ઈસ્ટ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા પ્રકાશ મહેતાની ટિકિટ કાપીને ભાજપે પરાગ શાહને ટિકિટ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news