લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ હવે શરદ પવારે 'મોદી લહેર'નો તોડ કાઢ્યો

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અધ્યક્ષ શરદ પવારનો ચાર્મ ઓછો થતો જોવા મળી રહ્યો છે.

લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ હવે શરદ પવારે 'મોદી લહેર'નો તોડ કાઢ્યો

મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અધ્યક્ષ શરદ પવારનો ચાર્મ ઓછો થતો જોવા મળી રહ્યો છે. 2019 લોકસભા ચૂંટણીમાં એનસીપી અધ્યક્ષને 4 બેઠકો મળી છે. લોકસભામાં થયેલી સજ્જડ હાર બાદ મુંબઈમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારની અધ્યક્ષતામાં શનિવારે પાર્ટીના નેતાઓની બેઠક મળી. 

એવું લાગી રહ્યું હતું કે આ બેઠકમાં કઈંક નવું થશે પરંતુ એવું કશું થયું નહીં. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવાની કોઈએ હિંમત દેખાડી નહીં અને ન તો શરદ પવાર તરફથી કોઈ નેતૃત્વ બદલાવના સંકેત મળ્યાં. લોકસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની નૈતિક જવાબદારીનો સ્વિકાર કરતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની સાથે જ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોએ પણ પોતાના રાજીનામાની રજુઆત કરી હતી. પરંતુ એનસીપી બેઠકમાં કશું એવું થયું નહીં. 

શરદ પવારે પોતાના રાજીનામાની રજુઆત પણ ન કરી. પાર્ટી નેતૃત્વની બાગડોર શરદ પવાર  પરિવાર સિવાય કોઈ બીજાના હાથમાં જાય તે અંગે કશું કહ્યું નહીં. બધુ જાણે પહેલેથી જ નક્કી હોય તેવું લાગતું હતું. 

એનસીપી સાંસદ માજીદ મેમણે કહ્યું કે શરદ પવાર અમારી પાર્ટીના મુખ્ય માર્ગદર્શક છે. આજની મીટિંગમાં નેતૃત્વ પરિવર્તનની માગણી ન ઉઠી અને પાર્ટી અધ્યક્ષ તરફથી રાજીનામાની વાત પણ ન થઈ. આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે  કાર્યકર્તાઓને મહેનતથી કામ કરવાનું કહેવાયું છે. 

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકના જણાવ્યાં મુજબ આ હાર એક કલેક્ટિવ રિસ્પોન્સિબ્લિટી છે. આ હારનું ઠીકરું કોઈ એક પર ફોડવું યોગ્ય નથી. શરદ પવાર દેશના પ્રમુખ નેતાઓમાંથી એક છે, તેમના નેતૃત્વમાં અમે વધુ આગળ વધીશું. 

ચૂંટણી અગાઉ એવા માહોલ હતો કે શરદ પવાર મહારાષ્ટ્રના માઢા સીટથી ચૂંટણી લડશે. પરંતુ એવું થયું નહીં. તે સમયે માઢાના સાંસદ વિજયસિંહ મોહિતે પાટીલ ઈચ્છતા હતાં કે તેમના પુત્ર રણજિતસિંહ પાટીલ ચૂંટણી લડે પરંતુ શરદ પવારને તે મંજૂર નહતું આથી રણજિતસિંહ પાટીલ ભાજપમાં જોડાઈ ગયાં. પુત્ર બાદ પિતા વિજયસિંહ મોહિતે પાટીલ પણ ભાજપમાં જોડાઈ ગયાં. આ ઉપરાંત પાર્ટીના કેટલાક વધુ નારાજ નેતાઓ પણ શિવસેનામાં સામેલ થઈ ગયાં. 

જુઓ LIVE TV

આ ચૂંટણીમાં શરદ પવારે પ્રચારની કમાન પોતે સંભાળી હતી. પાર્ટીના એક એક ઉમેદવારને મોટા કેલ્ક્યુલેશન સાથે ટિકિટ આપી હતી. કહેવાય છે કે પવારનું ગણિત જલદી ફેલ થતું નથી પરંતુ આ વખતે પીએમ મોદીની લહેરમાં તેઓ નિષ્ફળ સાબિત થયા. 19 ઉમેદવારોમાંથી શરદ પવારના 5 ઉમેદવારો જીત્યાં. પવારના પૌત્ર પાર્થ પવાર પણ મહારાષ્ટ્રના માવલ બેઠકથી ચૂંટણી હાર્યાં. આવું પહેલીવાર બન્યું છે કે પવારના ખાનદાનમાંથી કોઈ ચૂંટણી હાર્યં હોય. એટલે કે શરદ પવાર પણ ક્યાંક ચૂકી ગયાં. પરિણામ પહેલા શરદ પવારે ચંદ્રબાબુ નાયડુ સાથે મળીને માહોલ એવો બનાવ્યો હતો કે જાણે 2019ની ચૂંટણી બાદ પીએમ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા હશે પરંતુ એવું થયું નહીં. 

શરદ પવારની બેઠકમાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ, સુપ્રિયા સુલે, જેવા ટોચના નેતાઓ અને લગભગ તમામ સાંસદો તથા ધારાસભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં. પવારે શનિવારે બે મીટિંગ કરી હતી. 

પવારની બેઠકની મહત્વની વાતો
- જે બેઠક પર એનસીપી જીતી નથી તે જગ્યાઓ પર જૂના ચહેરાની જગ્યાએ યુવા ચહેરાઓને તક અપાશે. એટલે કે એનસીપીમાં મોટા પરિવર્તનના એંધાણ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ યુવાઓને તક મળી શકે છે. 

- ઈવીએમ મશીનને લઈને ઉઠ્યા સવાલ. કહેવાયું છે કે ઈવીએમથી મતદાન ન કરાવવામાં આવે. બેલેટ પેપેરથી મતદાન કરાવવા પર ભાર મૂક્યો.

- પ્રકાશ આંબેડકરના વંચિત બહુજન આઘાડીને લઈને ચર્ચા થઈ. 

- કેટલાક નેતાઓનું કહેવું છે કે પ્રકાશ આંબેડકરને સાથે લઈને વિધાનસભા ચૂંટણી લડવામાં આવે. 

- કેટલાક નેતાઓનું કહેવું છે કે પ્રકાશ આંબેડકર એનસીપી સાથે નહીં આવે. 

- કોંગ્રેસની સાથે એનસીપીના વિલય પર કોઈ ચર્ચા થઈ નહીં. 

ભાજપના નેતા ગિરીશ મહાજને જણાવ્યું કે, 'ચૂંટણી પરિણામ બાદ પણ એનસીપીના અનેક નેતાઓ ભાજપના સંપર્કમાં છે. મહારાષ્ટ્ર  વિધાનસભા ચૂંટણી અગાઉ  તેમનો પ્રવેશ કરાવવામાં આવશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news