Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ
Assembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી મહારાષ્ટ્ર અને ઝારખંડનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બર અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
આજે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે મહારાષ્ટ્રમાં 9.63 કરોડ મતદાતા છે. જ્યારે ઝારખંડમાં કુલ મતદાતા 2.6 કરોડ છે. મહારાષ્ટ્રમાં કુલ 1 લાખ 186 પોલિંગ બુથ હશે. જ્યારે ઝારખંડમાં 29562 પોલિંગ બુથ બનાવવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે બધા બુથો પર તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પણ પોલિંગ બુથ પર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી કાર્યક્રમ
મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 288 સીટો પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
Maharashtra to vote in a single phase on 20th November. Counting of votes on 23rd November.#MaharashtraElection2024 pic.twitter.com/U48nySwK41
— ANI (@ANI) October 15, 2024
ઝારખંડનો ચૂંટણી કાર્યક્રમ
ઝારખંડમાં 2 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 43 સીટો પર 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.
Jharkhand to vote in two phases - on 13th November and 20th November. Counting of votes on 23rd November.#JharkhandElection2024 pic.twitter.com/JlCJRgHLD2
— ANI (@ANI) October 15, 2024
મહારાષ્ટ્રમાં કેટલી સીટો છે?
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ સીટ 288 છે. બહુમતનો આંકડો અહીં 145 છે. મહારાષ્ટ્રમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે કાંટાની ટક્કર છે. લોકસભા ચૂંટણીમાં મહાયુતીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તો મહાવિકાસ અઘાડી લોકસભા ચૂંટણીના પરિણામોથી જોશમાં છે.
ઝારખંડમાં વિધાનસભા સીટો
ઝારખંડમાં વિધાનસભાની કુલ 81 સીટો છે. અહીં બહુમત માટે 41 સીટોની જરૂર છે. પાછલી ચૂંટણીની વાત કરવામાં આવે તો ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ ગઠબંધને સરકાર બનાવી હતી. ઝારખંડ મુક્તિ મોર્ચાએ 27, કોંગ્રેસે 18, આરજેડીએ 1 અને સીપીઆઈ (એમ) એ એક સીટ કબજે કરી હતી. જ્યારે ભાજપના ખાતામાં 24 સીટો આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે