અજિત પવાર સાથેની સિક્રેટ મિટિંગમાં શરદ પવારને અપાઈ મોટી ઓફર? સાથી પક્ષોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

Maharashtra Politics: શરદ પવાર સાથે અજિત પવારની સીક્રેટ મિટિંગ બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. એવો દાવો થઈ રહ્યો છે કે શરદ પવારને મસમોટી ઓફર મૂકવામાં આવી છે. 

અજિત પવાર સાથેની સિક્રેટ મિટિંગમાં શરદ પવારને અપાઈ મોટી ઓફર? સાથી પક્ષોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

NCP ચીફ શરદ પવાર અને અજિત પવારની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. આ મુલાકાતના અનેક તારણો નીકળી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે શરદ પવારને મનાવવા માટે ભાજપે અજિત પવાર દ્વારા એક મોટી ઓફર રજૂ કરી છે. જો કે શરદ પવારે સ્પષ્ટ કરી દીધુ છે કે ભાજપ સાથે જવામાં કોઈ રસ નથી. 

શરદ પવારે ભલે સ્પષ્ટ કર્યું હોય કે ભાજપ સાથે જનારા લોકો સાથે તેમનો કોઈ સંબંધ નથી કે મહાવિકાસ આઘાડીમાં આ અંગે કોઈ ભ્રમ છે. પરંતુ આઘાડીમાં સહયોગી કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે આ અંગે મોટો દાવો કર્યો છે. ચૌહાણે દાવો કર્યો છે કે ભાજપે અજિત પવાર દ્વારા શરદ પવારને મોટી ઓફર મૂકી છે. 

શું છે ઓફર
એક અખબારે પૃથ્વીરાજ ચૌહાણના હવાલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભાજપે શરદ પવારને કેન્દ્રમાં કૃષિ મંત્રી બનાવવા અને નીતિ આયોગનું અધ્યક્ષ પદ ઓફર કર્યું છે. આ ઉપરાંત સાંસદ સુપ્રીયા સુલે અને વિધાયક જયંત પાટિલને મંત્રી બનાવવાની પણ રજૂઆત કરી છે. 

શું છે અટકળો?
વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે તેમના કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ સીક્રેકટ મુલાકાત પુણેમાં એક ઉદ્યોગપતિના ઘરે થઈ હતી. અજિત પવાર આ વર્ષે જુલાઈમાં શરદ પવાર સાથે બળવો પોકારીને મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થઈ ગયા. જો કે આ બળવા બાદ અજિતે દોઢ મહિનામાં શરદ પવાર સાથે ચાર વખત મુલાકાત કરી છે. 

શિવસેનાએ પણ સાધ્યું નિશાન
હાલમાં જ શિવસેના (ઉદ્ધવજૂથ) એ પણ અજિત પવારની વારંવાર મુલાકાતોને લઈને શરદ પવાર પર નિશાન સાધ્યું. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું કે ડેપ્યુટી સીએમ અજિત પવાર વારંવાર શરદ પવાર સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે અને મજાની વાત એ છે કે શરદ પવાર કોઈ મુલાકાતને ટાળતા પણ નથી. કેટલીક મુલાકાત ખુલ્લે આમ થઈ તો કેટલીક ગુપ્ત રીતે થઈ રહી છે. આથી લોકોના મનમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે. 

સામનાએ લખ્યું કે લોકોના મનમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે કે ભાજપના દેશી ચાણક્ય અજિત પવારને આવી મુલાકાતો માટે ધકેલી રહ્યા છે કે શું? આવી શંકાઓને બળ મળી રહ્યું છે. પરંતુ શું અજિત પવારની આવી મુલાકાતોથી ભ્રમ નિર્માણ થશે કે વધુ વધશે? જનતાની સોચ તેનાથી પણ આગળ પહોંચી ચૂકી છે. આ રોજ રોજના ખેલથી મનમાં એક પ્રકારની ઉદાસીનતાનું નિર્માણ થઈ ગયું છે અને તેના માટે વર્તમાન રાજનીતિ જવાબદાર છે. 

સંજય રાઉતે શું કહ્યું
ભલે અજિત પવાર અને શરદ પવારની બેઠકને લઈને શિવસેનાએ સામના દ્વારા પ્રતિક્રિયા આપી હોય પરંતુ શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં જગ્યા દેવાના રિપોર્ટ્સ પર સંજય રાઉતે કહ્યું કે અજિત પવાર એટલા પણ મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર મૂકી શકે. અજિત પવારને પવાર સાહેબે (શરદ પવાર) બનાવ્યા છે. અજિત પવારે શરદ પવારને નથી બનાવ્યા. 60 વર્ષથી વધુ સમય પવાર સાહેબે સંસદીય રાજકારણમાં વિતાવ્યા છે અને 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનું જે કદ છે તે ખુબ મોટું છે. 

કોંગ્રેસ અધ્યક્ષે પણ સવાલ ઉઠાવ્યો
મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ પણ કહ્યું કે એનસીપી ચીફ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે થનારી સીક્રેટ બેઠક મંજૂર નથી અને આ તેમની પાર્ટી માટે ચિંતાનો વિષય છે. પટોળેએ કહ્યું કે આ અમારા માટે ચિંતાનો વિષય છે અને આ મામલે કોંગ્રેસના ટોચના નેતાઓ ચર્ચા કરશે. INDIA ગઠબંધન પણ તેના પર વિચાર કરશે, મારા માટે આના પર વધુ ચર્ચા કરવી યોગ્ય નથી. 

શરદ પવારનું સ્ટેન્ડ
જો કે શરદ પવાર જૂથનું માનીએ તો પવાર ભાજપ સાથે જવાના પક્ષમાં નથી. એટલું જ નહીં તેઓ ભાજપ વિરુદ્ધ રાજ્યભરમાં રેલીઓ કરશે. તેની શરૂઆત 17 ઓગસ્ટથી બીડમાં થઈ રહી છે. આ સાથે જ 31 ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયાની બેઠકની તૈયારીઓમાં લાગ્યા છે. 

જ્યારે શરદ પવારે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. શરદ પવારે કહ્યું કે આપણા કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું છે. આજે કે કાલે તેમનું પણ પરિવર્તન થઈ શકે છે. પવારે કહ્યું કે તેઓ બદલે કે ન બદલે પરંતુ અમે અમારો રસ્તો બદલવા માંગતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news