'ટ્રિપલ તલાક બિલ' મુદ્દે કોંગ્રેસના પૂર્વ મંત્રીએ કર્યો મોટો ખુલાસો!

આરિફ મોહમ્મદ ખાને 'ધ પ્રિન્ટ'ને જણાવ્યું કે પીએમ મોદી સાથે તેમની મુલાકાત એક કલાક ચાલી હતી. જેમાં તેમની સલાહ પીએમ મોદીને ગમી હતી

'ટ્રિપલ તલાક બિલ' મુદ્દે કોંગ્રેસના પૂર્વ મંત્રીએ કર્યો મોટો ખુલાસો!

નવી દિલ્હી: દેશના ખુબ ચર્ચિત મામલાઓમાંનો એક શાહબાનો કેસમાં રાજીવ ગાંધીના ફેસલાથી નારાજ થઈને તેમના મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર મુસ્લિમ નેતા આરિફ મોહમ્મદ ખાને ધ પ્રિન્ટ સાથે  થયેલી વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે. તેઓ ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં પીએમ મોદીને મળવા ગયા હતાં. પીએમ મોદી સાથે તેમની મુલાકાતનો હેતુ ટ્રિપલ તલાક વિરુદ્ધ આવનારા બિલ પર પોતાના વિચાર રજુ કરવાનો હતો. આરિફ મોહમ્મદ ખાને 'ધ પ્રિન્ટ'ને જણાવ્યું હતું કે જ્યારે યુપીના બહેરાઈચ જિલ્લામાં ટ્રિપલ તલાકનો એક કેસ સામે આવ્યો હતો ત્યારે તેમણે પીએમ મોદી સાથે સપ્ટેમ્બરમાં પણ મુલાકાત કરવા માટે ખુબ કોશિશ કરી હતી. તે વખતે આરિફ મોહમ્મદની પીએમ મોદી સાથે મુલાકાત થઈ શકી નહતી. કારણ કે વડાપ્રધાન જાપાનના પીએમ શિંજો આબેની મુલાકાતના કારણે વ્યસ્ત હતાં. 

સપ્ટેમ્બરમાં નિષ્ફળ રહ્યાં બાદ આરિફે પીએમ મોદીને એક પત્ર લખ્યો અને 6 ઓક્ટોબરના રોજ તે પત્ર પીએમઓ પહોંચ્યો. જેના બીજા દિવસે આરિફને પીએમ મોદીએ વાતચીત માટે આમંત્રણ મોકલાવ્યું. વાતચીત અંગે 'ધ પ્રિન્ટ'ને જણાવતા તેમણે કહ્યું કે 'મેં વડાપ્રધાનને કહ્યું કે કાયદા હેઠળ ટ્રિપલ તલાકને ગંભીર અને સજા યોગ્ય બનાવવો જોઈએ. કારણ કે ગરીબ મુસ્લિમ મહિલાઓ કેસ લડી શકતી નથી.' 

આરિફ મોહમ્મદ ખાને 'ધ પ્રિન્ટ'ને જણાવ્યું કે પીએમ મોદી સાથે તેમની મુલાકાત એક કલાક ચાલી હતી. જેમાં તેમની સલાહ પીએમ મોદીને ગમી હતી. મુલાકાત બાદ તે જ દિવસે સાંજે આરિફ ખાન પાસે કાયદા મંત્રાલયનો ફોન ગયો હતો. ફોન બાદ બીજા દિવસે કેટલાક અધિકારીઓ આરિફ મોહમ્મદને મળવા માટે ખાસ તેમના ઘરે ગયા હતાં. 

આરિફ મોહમ્મદ આમ તો પહેલેથી જ આ પ્રથાથી નારાજ હતાં. પરંતુ 22 ઓગસ્ટના રોજ ટ્રિપલ તલાક પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ જ્યારે તેના પર રોક ન લાગી તો તેઓ પરેશાન થઈ ગયાં. પાંચ સપ્ટેમ્બરના રોજ આવો જ એક મામલો તેમના જૂના લોકસભા વિસ્તાર બહેરાઈચથી આવ્યો જેણે આરિફ મોહમ્મદને ટ્રિપલ તલાક વિરુદ્ધ કડક  પગલું ઉઠાવવા માટે મજબુર કર્યાં. 

ખાને આ અંગે 'ધ પ્રિન્ટ'ને જણાવ્યું કે એક યુવા મહિલા અને પુરુષ કેરળથી બહરાઈચ પાછા ફરી રહ્યાં હતાં. જ્યાં પુરુષ કામ કરતો હતો. બહરાઈચની નજીકનું સ્ટેશન ગોંડા છે. પુરુષે ફોન કરીને મહિલાના પિતા અને ભાઈને બોલાવ્યાં અને કહ્યું કે તેમની પુત્રીને તેણે ટ્રિપલ તલાક આપ્યાં છે. તેઓ આવીને પુત્રી-બહેનને લઈ જાય. 

આરિફે યુવકને સમજાવવાની ખુબ કોશિશ કરી. પરંતુ તે ન માન્યો. ત્યારબાદ આરિફે 13 સપ્ટેમ્બરના રોજ પીએમઓમાં ફોન કરીને પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ જાપાની પીએમની ભારત મુલાકાતના કારણે તે શક્ય બન્યું નહીં. ત્યારબાદ આરિફ મોહમ્મદે પીએમ મોદીને એક પત્ર લખ્યો. 'ધ પ્રિન્ટ'ના અહેવાલ મુજબ આરિફે પત્રમાં લખ્યું હતું કે '1986માં અમે શાહબાનો મામલામાં સુપ્રીમ કોર્ટના ફેસલાને અપ્રભાવી  બનાવવા માટે એક કાયદો બનાવ્યો હતો. જો આજે આપણે કાયદો નહીં બનાવીએ તો 2017નો ફેસલો પ્રભાવહીન બની જશે અને દેશ એક એવી શાનદાર તક ગુમાવશે જે પારિવારિક કાયદાઓમાં લૈંગિક સમાનતા અને ન્યાયને સુનિશ્ચિત કરી શકે.'

રાજીવ ગાંધીએ પલ્ટી નાખ્યો હતો સુપ્રીમનો ફેંસલો

કોંગ્રેસે 1986માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટીને રાજકીય ગરમાવો પેદા કરી નાખ્યો હતો. અત્રે જણાવવાનું કે તત્કાલિન રાજીવ ગાંધીની સરકારે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ મુસ્લિમ મહિલા (તલાક પર અધિકાર સંરક્ષણ) વટહુકમ, 1986 પસાર કર્યો હતો. આ વટહુકમ હેઠળ શાહબાનોને તલાક આપનાર તેનો પતિ મોહમ્મદ ભરણપોષણ ભથ્થુ આપવાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો હતો. આ ફેસલાથી નારાજ  થઈને આરિફ મોહમ્મદે રાજીવ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news