ભાજપ સરકારે લોકસભા ચૂંટણી માટે આપ્યો નવો નારોઃ 'અબ કી બાર, 400 પાર'

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષોએ શરૂ કરી દીધી છે, એક તરફ વર્તમાન એનડીએ સરકાર સામે ટક્કર લેવા માટે વિરોધ પક્ષો ભેગા મળીને મહાગઠબંધન બનાવવાની તૈયારી કરી રહ્યા છે તો તેની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ બરાબરની ટક્કર આપવા માટે પુરતી તૈયારીઓ કરી લીધી છે 

ભાજપ સરકારે લોકસભા ચૂંટણી માટે આપ્યો નવો નારોઃ 'અબ કી બાર, 400 પાર'

નવી દિલ્હીઃ વર્તમાનમાં કેન્દ્રમાં સત્તામાં રહેલી એનડીએ સરકારનું મુખ્ય નેતૃત્વ કરતી ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે નવો નારો બનાવી લીધો છે. દિલ્હીમાં કેટલીક કાર પાછળ તેના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે. આ સ્ટીકરમાં મોટા અક્ષરમાં લખ્યું છે, 'અબ કી બાર, 400 પાર' અને તેની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 3ડી ઈમેજ પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનું પક્ષનું નિશાન કમળ પણ દોરવામાં આવેલું છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 'અબ કી બાર, મોદી સરકાર' નારા સાથે દેશભરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને આ નારાએ સમગ્ર દેશમાં એક મોદી લહેર બનાવી હતી. જેના કારણે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો હતો. હવે એ જ નારામાં થોડો ફેરફાર કરીને 'અબ કી બાર, 400 પાર' એવો નવો નારો આપવામાં આવ્યો છે. 

આ નારા અંગે જ્યારે જેની કાર ઉપર આ સ્ટીકર ફીટ કરેલું હતું ભાજપના જ એક નેતાને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, "નયા ભારતના નિર્માની નેમ સાથે અમે જે રીતે પાયો નાખ્યો છે. પાંચ વર્ષના કાર્યકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સમાજના તમામ વર્ગ માટે કામ કર્યું છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતી આર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે."

ભાજપના નેતાએ વધુમાં જણાવ્યું કે, "30 વર્ષ બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ બહુમત ધરાવતી સરકાર બની હતી. તેણે દેશહિત માટે અનેક બોલ્ડ નિર્ણયો લીધા છે. પછી તે નોટબંધી હોય, જીએસટી હોય કે સવર્ણ વર્ગને 10 ટકા આર્થિક અનામત આપવાની બાબત હોય. એક મજબૂત સરકાર જ આવા આકરા નિર્ણયો લઈ શકે એમ છે. આથી, આગામી લોકસભા ચૂંટણીમાં પણ ફરીથી મજબૂત સરકાર બનાવવા માટે લોકોને હાકલ કરવામાં આવી છે અને એટલા માટે જ સરકારે 'અબ કી બાર, 400 પાર' નારો રાખ્યો છે."

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે દેશમાં વિરોધ પક્ષમાં રહેલા તમામ પક્ષો ભેગામળીને એક મહાગઠબંધન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ દેશમાં ભેગામળીને ચૂંટણી લડવા માગે છે અને વધુને વધુ સીટ મેળવવા માગે છે. કોંગ્રેસ પક્ષે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, નારો આપવાની બાબતમાં ભાજપની સરકાર અત્યારે તો બાજી મારી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news