નોટબંદી કોઈ ભૂલ ન હતી, આ લોકોને જાણીજોઈને મારવામાં આવેલી કૂહાડી હતીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અનિલ અંબાણીએ ક્યારેય વિમાન બનાવ્યા નથી, અનિલ અંબાણી 45 હજારના દેવામાં ડૂબેલા છે

નોટબંદી કોઈ ભૂલ ન હતી, આ લોકોને જાણીજોઈને મારવામાં આવેલી કૂહાડી હતીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ રાફેલ ડીલ અને નોટબંદીના પરિણામ અંગે રાહુલ ગાંધીએ ગુરૂવારે ફરી એક વખત મોદી સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીજીએ દેશનાં યુવાનો, નાના દુકાદારોને જવાબ આપવો પડશે. તેમણે આ લોકોનાં પૈસા છીનવી લઈને દેશનાં 15 શ્રીમંતોને આપી દીધા છે. રાફેલ ડીલ અંગે અનિલ અંબાણી પર હુમલો કરતા તેમણે જણાવ્યું કે, પીએમ મોદી અને અનિલ અંબાણી વચ્ચે કઈ ડીલ થઈ છે તેની દેશને જાણ થવી જોઈએ. રાહુલ ગાંધીએ અનિલ અંબાણી દ્વારા માનહાનિનો કેસ કરવાના સવાલ પર જણાવ્યું કે, અનિલજીએ કોંગ્રેસ પક્ષ સામે દરેક જિલ્લામાં માનહાનિનો કેસ કરવો જોઈએ. 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અનિલ અંબાણીએ ક્યારેય વિમાન બનાવ્યું નથી. અનિલ અંબાણી રૂ.45 હજાર કરોડના દેવામાં ડૂબેલા છે. બીજી તરફ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) છે, જે 70 વર્ષથી વિમાન બનાવી રહી છે. જે વિમાન રૂ.520 કરોડનું હતું તે તમે (મોદી સરકાર) રૂ.1600 કરોડમાં શા માટે ખરીદ્યું?  જેટલીજી મને પુછી રહ્યા છે. આખો દેશ જાણવા માગે છે કે અનિલ અંબાણી અને મોદી વચ્ચે કઈ ડીલ થઈ છે?

જેટલીના પડકારનો પણ જવાબ આપ્યો 
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અરૂણ જેટલીજીના સવાલનો હું સ્વિકાર કરું છું. મેં જેટલીજીને એક વિકલ્પ આપ્યો છે. તમે સંયુક્ત પાર્લામેન્ટરી સમિતિને બેસાડીને સવાલ પુછો. દરેકને ખબર પડી જશે કે રાફેલ ડીલમાં શું થયું છે. જેટલીજીએ જીપીસી અંગે કંઈ કહ્યું નથી. મને લાગે છે કે, જેટલીજી ફસાઈ ગયા છે, કેમ કે નિર્ણય તો મોદીજીને લેવાનો છે. તેઓ વિચારી શક્તા નથી કે કયો જવાબ આપે. કદાચ તેમણે મોદીજીને પુછ્યા વગર જ મને સવાલ પુછી લીધા હતા?

જેટલી-મોદીએ દેશના અર્થતંત્રને બરબાદ કર્યું છે 
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશને ચલાવીને દેખાડ્યું છે. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે અમારો રેકોર્ડ જોઈ લો. અરૂણ જેટલી અને મોદીજીએ ભારતનું અર્થતંત્ર સમાપ્ત કરી નાખ્યું છે. અગાઉ તે 20 મુદ્દાનો પ્રોગ્રામ રહેતો હતો, હવે તે વન પોઈન્ટ પ્રોગ્રામ છે કે હિન્દુસ્તાનના ક્રોની કેપિટલિસ્ટને કેવી રીતે મદદ કરવામાં આવે. 

નોટબંદી એક કૌભાંડ હતું 
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નોટબંદીનો હેતુ હિન્દુસ્તાનના 15-20 સૌથી મોટા ક્રોની કેપિટલિસ્ટોના કાળા નાણાને ધોળા કરવાનું કાવતરું હતું. તેમણે જણાવ્યું કે, આ નાના દુકાદારોને સમાપ્ત કરીને મોટી કંપનીઓને મદદ કરવાનો ઉદ્દેશ્ય હતો. તેમણે જણાવ્યું કે, નોટબંદી કોઈ ભૂલ ન હતી. આ લોકોને જાણીજોઈને મારવામાં આવેલી કૂહાડી હતી. તે મોટી કંપનીઓ માટે રસ્તો ખુલ્લો કરવા માટે લેવાયેલું પગલું હતું. તેમણે જણાવ્યું કે, તમે જોશો કે નોટબંદી એક કૌભાંડથી વધુ બીજું કશું જ નથી. ધીમે-ધીમે તેની સત્યતા સામે આવવા લાગશે. 

નોટબંદી કોઈ ભૂલ ન હતી
નોટબંદી પર પીએમ મોદી દ્વારા માફી માગવાના સવાલ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, માફી ત્યાં માગવામાં આવે છે જ્યાં કોઈ ભૂલ કરવામાં આવી હોય. અહીં કોઈ ભૂલ કરાઈ નથી. આ તો ઉદ્યોગપતિઓને મદદ પહોંચાડવા માટે લેવાયેલું પગલું હતું જેમની સાથે પીએમ મોદી દર બીજા દિવસે ટીવી પર જોવા મળે છે. ક્રોની કેપિટલિસ્ટો મોદીજીનું માર્કેટિંગ કરે છે. મોદી પ્રજા પાસેથી પૈસા છીનવીને ક્રોની કેપિટલિસ્ટોને આપે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news