ઓમિક્રોનથી ભારતમાં ફરી લાગ્યા પ્રતિબંધો, આ રાજ્યમાં નાઈટ કર્ફ્યુ સાથે જાહેર કરી ગાઈડલાઈન
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે દેશમાં ચિંતા વધી રહી છે. દરરોજ વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જરૂરી સૂચનાઓ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Covid-19) ના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron) ને કારણે ખતરો વધી રહ્યો છે. ઓમિક્રોનના કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યા છે, સાથે સાથે કોરોના સંબંધિત પ્રતિબંધો (Covid Restrictions) ને જરૂરિયાત મુજબ લાગુ કરવાની સલાહ આપી છે. કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવાના મુદ્દે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં
ઓમિક્રોનના સૌથી વધુ 88 કેસ મહારાષ્ટ્રમાં છે. આજે ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે. તેમાંથી પુણેમાં 13, મુંબઈમાં 5, ઉસ્માનાબાદમાં 2 અને થાણે, નાગપુર અને મીરા ભાયંદર મ્યુનિસિપલ વિસ્તારમાં 1-1 કેસ મળી આવ્યા છે.
મુંબઈમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્ર સરકારે જિલ્લાના વહીવટી અધિકારીઓને વેન્ટિલેટર અને ઓક્સિજન પ્લાન્ટ અંગે સૂચનાઓ આપી છે. BMC એ 31 ડિસેમ્બર સુધીમાં 16000 બેડ તૈયાર કરવાનું કહ્યું છે. જેમાંથી 3500 વેન્ટિલેટર બેડ હશે. મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
જમ્મુએ વધાર્યા કોરોના પ્રતિબંધો
ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને અને તેના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારોએ તેમના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ પ્રશાસન આ દિશામાં સતર્ક છે. જમ્મુમાં રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
પંજાબની હોસ્પિટલોમાં અલગ કોવિડ વોર્ડ
ત્યારે આ દિશામાં પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકારે હોસ્પિટલોમાં અલગ કોવિડ વોર્ડ તૈયાર કર્યા છે. રાજ્યની દરેક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
યુપી પણ એલર્ટ મોડ પર
ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ મહામારી સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની મેડિકલ કોલેજોમાં 100 બેડ, જિલ્લા હોસ્પિટલમાં 50 બેડ અનામત રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય એવા જિલ્લાઓમાં એક સમર્પિત હોસ્પિટલ શરૂ કરવામાં આવશે જ્યાં 50 થી વધુ સક્રિય કેસ હશે. આ ક્રમમાં નોઈડા અને લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ નિયમ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ લાગુ
ગુજરાતમાં ઓમિક્રોનના ખતરાને જોતા 8 મોટા શહેરોમાં 31 ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં રાતના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે.
તેલંગાણામાં પણ વધ્યા પ્રતિબંધો
તેલંગાણામાં ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદ હાઈકોર્ટે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મધ્યપ્રદેશમાં પણ લાદવામાં આવ્યું નાઇટ કર્ફ્યુ
મધ્યપ્રદેશમાં પણ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે રાજ્યમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરતા, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. જણાવી દઈએ કે 17 નવેમ્બરે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે