માર્ગરેટ અલ્વા સંયુક્ત વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રહી ચુક્યા છે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ

સંયુક્ત વિપક્ષે પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી છે. માર્ગરેટ અલ્વા વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. શરદ પવારે આ જાહેરાત કરી છે. 

માર્ગરેટ અલ્વા સંયુક્ત વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રહી ચુક્યા છે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ

નવી દિલ્હીઃ એનડીએ બાદ હવે સંયુક્ત વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ગોવા, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ રહેલા માર્ગરેટ અલ્વાને વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. હવે તેમનો મુકાબલો એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ સામે થવાનો છે. આજે એનસીપી સુપ્રીમો શરદ પવારના દિલ્હી નિવાસ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં માર્ગરેટ અલ્વાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

વિપક્ષની બેઠકમાં લેવાયો નિર્ણય
દિલ્હીમાં શરદ પવારના ઘરે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, માકપા નેતા સીતારામ યેચુરી, શિવસેના નેતા સંજય રાઉત સહિત અન્ય વિપક્ષી પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તથા સંસદના સોમવારથી શરૂ થતા સત્ર પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે પત્રકારો સાથે વાત કરતા ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

— ANI (@ANI) July 17, 2022

કોણ છે માર્ગરેટ અલ્વા
માર્ગરેટ અલ્વા કોંગ્રેસના નેતા છે. તેઓ પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યાં હતા. માર્ગરેટ અલ્વા કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ અને રાજસ્થાનના રાજ્યપાલ રહી ચુક્યા છે. ગુજરાતમાં માર્ગરેટ અલ્વા આશરે બે મહિના સુધી રાજ્યપાલ રહ્યાં હતા. 

એનડીએના જગદીપ ધનખડ સામે થશે ટક્કર
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 6 ઓગસ્ટે મતદાન યોજાશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news