ટીમ ઈન્ડિયામાં 11 ખેલાડી છે, માત્ર મુસ્લિમને ટાર્ગેટ કેમ... મોહમ્મદ શમીના બચાવમાં ઓવૈસી ભડક્યા

'મોહમ્મદ શમીને આવતીકાલની મેચ માટે સોશિયલ મીડિયા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી કટ્ટરતા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ક્રિકેટમાં હંમેશા હાર અને જીત હોય છે. ટીમમાં 11 ખેલાડી છે પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો છે.

Updated By: Oct 25, 2021, 05:06 PM IST
ટીમ ઈન્ડિયામાં 11 ખેલાડી છે, માત્ર મુસ્લિમને ટાર્ગેટ કેમ... મોહમ્મદ શમીના બચાવમાં ઓવૈસી ભડક્યા

હૈદરાબાદ: AIMIM ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના બચાવમાં આવ્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે ગઈકાલની મેચ બાદ સોશિયલ મીડિયા પર શમીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ઓવૈસીએ માંગ કરી છે કે ભાજપ સરકાર તેની ટીકા કરે. રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓવૈસીએ એક ટ્વિટ મારફતે જણાવ્યું કે, 'મોહમ્મદ શમીને આવતીકાલની મેચ માટે સોશિયલ મીડિયા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી કટ્ટરતા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ક્રિકેટમાં હંમેશા હાર અને જીત હોય છે. ટીમમાં 11 ખેલાડી છે પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો છે. શું ભાજપ સરકાર તેની નિંદા કરશે?

ભારત 10 વિકેટથી હારી ગયું
રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવ્યું હતું. આ પછી ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. આમાંથી કેટલાક લોકોએ મોહમ્મદ શમીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સહેવાગ સહિત ઘણા ક્રિકેટરો પણ શમીના બચાવમાં આવ્યા છે, પરંતુ આ સમગ્ર મામલાને રાજકીય એંગલ આપતા ઓવૈસીએ મોદી સરકારને તેની ટીકા કરવાની માંગ કરી છે.

પહેલા પણ આ પ્રકારના મુદ્દા ઉઠાવતા રહ્યા છે ઓવૈસી
ઓવૈસીએ તેને દેશમાં 'મુસ્લિમો વિરુદ્ધ નફરત' અને 'કટ્ટરતાવાદ'નું ઉદાહરણ ગણાવ્યું હતું. ઓવૈસી ભૂતકાળમાં પણ આવા મુદ્દાઓ પર ટ્વીટ કરતા રહ્યા છે. થોડા દિવસો પહેલા ઓવૈસીએ આઈએએસ ઈફતેખરુદ્દીનની તરફેણમાં વાત કરી હતી, જે યુપીમાં ધર્મ પરિવર્તનના કેસમાં ઘેરાયેલા હતા. તેમણે જણાવ્યું હતું કે 'સરકારે જાણી જોઈને વીડિયો વાયરલ કરાવ્યો છે કારણ કે ઈફ્તેખારુદ્દીન મુસ્લિમ છે. ઓવૈસીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે "યુપીની યોગી સરકાર મુસ્લિમ વિરોધી છે અને વિપક્ષ પણ મુસ્લિમોના મામલે મૂંગો બની જાય છે".

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube