Mopa International Airport: ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન બાદ બોલ્યા પીએમ મોદી- છેલ્લા 8 વર્ષમાં 72 હવાઈમથક બનાવ્યા
PM Modi In Goa: PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, મને તે વાતની ખુશી છે કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વર્ગીય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યું છે. હવે અહીં આવતા-જતા દરેક વ્યક્તિ તેમને યાદ રાખશે.
Trending Photos
પણજીઃ Mopa International Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવેમ્બર 2016માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગોવામાં આ બીજું એરપોર્ટ છે, જ્યારે પહેલું એરપોર્ટ ડાબોલિમમાં છે. આ એરપોર્ટ અંગે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી હતી કે આ એરપોર્ટનું નામ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરના નામ પરથી રાખવામાં આવશે. જણાવી દઈએ કે પર્રિકરનું નિધન માર્ચ 2019માં થયું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ મનોહર પર્રિકરનું નામ રાખવામાં આવ્યું છે. હવે અહીં આવનાર દરેક વ્યક્તિ સ્વર્ગસ્થ મનોહર પર્રિકરને યાદ કરશે. તેમણે કહ્યું કે, 6 વર્ષ પહેલા હું અહીં આવ્યો હતો અને તેનો શિલાન્યાસ કર્યો હતો. અનેક અડચણો બાદ આજે આ ભવ્ય એરપોર્ટ તૈયાર થયું છે. આ સરકાર આવતાં જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.
અટલ સરકારમાં થયું હતું એરપોર્ટનું પ્લાનિંગ
પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફના દાયકાઓ સુધીના અભિગમમાં સરકારોએ લોકોની જરૂરિયાતો કરતાં વોટ બેંકને વધુ પ્રાધાન્ય આપ્યું છે. જેના કારણે હજારો કરોડો રૂપિયા અવારનવાર આવા પ્રોજેક્ટ પર ખર્ચવામાં આવતા હતા, જેની જરૂર નહોતી. તેમણે કહ્યું કે, આ એરપોર્ટનું આયોજન ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. પરંતુ તેમની સરકાર ગયા પછી આ એરપોર્ટ માટે બહુ કામ થયું નથી. આ પ્રોજેક્ટ લાંબા સમયથી લટકી રહ્યો હતો. આજે આ ભવ્ય એરપોર્ટ તૈયાર છે.
અમે છેલ્લા 8 વર્ષમાં 72 એરપોર્ટ બનાવ્યાઃ પીએમ મોદી
કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, દેશના નાનાથી નાના શહેરોમાં એરપોર્ટ બનાવવાની પહેલ અમે કરી. અમે દેશમાં એરપોર્ટના નેટવર્કનો વિસ્તાર કર્યો છે અને છેલ્લા 8 વર્ષમાં 72 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. 2014 પહેલા સરકારોના વલણે હવાઈ મુસાફરીને લક્ઝરી તરીકે સ્થાપિત કરી હતી. મોટા ભાગના ધનિક લોકો આનો લાભ લઈ શકે છે. અગાઉની સરકારોએ વિચાર્યું પણ ન હતું કે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ પણ હવાઈ મુસાફરી કરવા માંગે છે. તેથી જ તે સમયની સરકારોએ પરિવહનના ઝડપી માધ્યમોમાં રોકાણ કરવાનું ટાળ્યું હતું. આના પરિણામે, હવાઈ મુસાફરી સંબંધિત આટલી વિશાળ સંભાવના હોવા છતાં અમે પાછળ રહી ગયા. હવે દેશ વિકાસના વિચાર સાથે આગળ વધી રહ્યો છે, તો તેના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ.
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું વિમાન માર્કેટ
આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે. છેલ્લાં 8 વર્ષોમાં, ભારતે પ્રવાસીઓ માટે 'ટ્રાવેલની સરળતા' સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા છે. અમે વિઝા ઓન અરાઈવલની સુવિધા વધારી છે અને વિઝા પ્રક્રિયાને સરળ બનાવી છે. તમને જણાવી દઈએ કે મોપાનું એરપોર્ટ લગભગ 2,870 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આમાં કાર્ગો સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. મોપા એરપોર્ટ દ્વારા કામગીરી વધીને 35 સ્થાનિક અને 18 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી પહોંચશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે