વડા પ્રધાન મોદીએ સાઉથ બ્લોકમાં બેસીને વાયુસેનાના સમગ્ર ઓપરેશનની સતત અપડેટ મેળવી

મંગળવારે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉપર ભારતીય વાયુસેનાએ કહેલા પ્રી-ડ્રોન ઓપરેશની રજે-રજની વિગતો પીએમ મોદીએ સાઉથ બ્લોકમાં બેસીને મેળવી હતી 

વડા પ્રધાન મોદીએ સાઉથ બ્લોકમાં બેસીને વાયુસેનાના સમગ્ર ઓપરેશનની સતત અપડેટ મેળવી

નવી દિલ્હીઃ મંગળવારે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉપર ભારતીય વાયુસેનાએ કહેલા પ્રી-ડ્રોન ઓપરેશની રજે-રજની વિગતો પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનના સાઉથ બ્લોકમાં બેસીને મેળવી હતી. તેમણે સમગ્ર ઓપરેશન પર નજર રાખી હતી અને પરિસ્થિતિ અંગે સતત માહિતી મેળવતા રહ્યા હતા. 

ગુપ્તચર વિભાગનાં ટોચનાં સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું કે, વાયુસેનાના વડા બિરેન્દ્ર સિંઘ ધનોઆને બહુવિધ વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમણે આ સમગ્ર હવાઈ હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. હુમલા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ પીએમ મોદીને ભારતીય વાયુસેનાએ પસંદ કરેલા વિકલ્પો અંગે માહિતી આપી હતી. 

પાકિસ્તાન પર કરવામાં આવેલા પ્રી-ડ્રોન હુમલામાં મંગળવારે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના વિવિધ લોન્ચ પેડ અને કન્ટ્રોલ રૂમ પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં તેનાં ઠેકાણાઓનો સંપૂર્ણ સફાયો કરાયો હતો અને કેટલાક આતંકીઓ પણ મોતને ઘાટ ઉતારાયા હતા. 

ભારતીય વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે, વહેલી સવારે 3.30 કલાકે ભારતીય વાયુદળના 12 મિરાજ વિમાને 1000 કિલોના બોમ્બ સાથે બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકી તાલીમી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. મિરાજ વિમાનમાંથી કુલ 6 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામાના આવંતીપોરામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ ભારતે આ હવાઈ હુમલો કર્યો હતો. મંગલવારે કરેલા હવાઈ હુમલા બાદ ભારતના વિદેશ સચીવ વિજય ગોખલેએ અમેરિકા, ચીન, રશિયા, યુકે, બ્રાઝિલ અને આસિયાન દેશોનાં રાજદૂતોને આ અંગે માહિતી આપી હતી. 

આ અગાઉ, નિયંત્રણ રેખાની પેલેપાર બાલાકોટ પર ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલા અંગે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને નાયબ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ માહિતી આપી હતી. 

મીડિયાને સંબોધિત કરતાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, "ભારતીય ગુપ્તચર સંસ્થાના નેતૃત્વમાં વહેલી પરોઢે વાયુસેના દ્વારા બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણા પર હુમલા કરાયા હતા. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના મોટી સંખ્યામાં આતંકવાદી મોતને ઘાટ ઉતારાયા હતા. સાથે જ તેના ટ્રેઈનર્સ, સિનિયર કમાન્ડર્સ અને જેહાદી ગ્રૂપના નેતાઓ પણ મોતને ભેટ્યા હતા."

તેમણે વધુમાં જણાવ્યું કે, "ભારત દ્વારા પાકિસ્તાનને જૈશના તાલીમી કેમ્પ બંધ કરવા માટે કાર્યવાહી કરવા વારંવાર વિનંતી કરાઈ હતી, પરંતુ તેના દ્વારા કોઈ એક્શન ન લેવામાં આવતા ભારતને આ હુમલાની ફરજ પડી હતી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news