રાજ્યસભા ચૂંટણી: યુપીમાં ક્રોસ વોટિંગ, બસપા-સપાના MLAએ આપ્યા ભાજપને મત

6 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો માટે આજ સવારના 9 વાગ્યાથી મતદાન જારી છે. યુપીની 10 બેઠકો માટે અત્યંત રોમાંચકતા જોવા મળી રહી છે.

રાજ્યસભા ચૂંટણી: યુપીમાં ક્રોસ વોટિંગ, બસપા-સપાના MLAએ આપ્યા ભાજપને મત

નવી દિલ્હી: 6 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો માટે આજ સવારના 9 વાગ્યાથી મતદાન જારી છે. યુપીની 10 બેઠકો માટે અત્યંત રોમાંચકતા જોવા મળી રહી છે. અહીં બીએસપીના ધારાસભ્ય અનિલ સિંહે ભાજપ માટે મતદાન કર્યુ હોવાના અહેવાલ છે. તેમણે કહ્યું કે મેં ભાજપને મત આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હું યોગીજીને મત આપી રહ્યો છું. મારા અંતરાત્માના અવાજ પર મેં મત આપ્યો. આ અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ ભાજપને મત આપશે. મતદાનની પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નીતિન અગ્રવાલે પણ ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યો છે.

— ANI UP (@ANINewsUP) March 23, 2018

ભાજપના 9 ઉમેદવાર જીતશે-સપા ધારાસભ્ય
આ ચૂંટણીઓમાં અનેક મતભેદો પણ ખુલીને સામે આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નીતિન અગ્રવાલે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપના 9 ઉમેદવારો જીતશે. સપા-બસપાએ પેટાચૂંટણીમાં જે ગઠબંધન કર્યું, તે યોગ્ય નથી અને જનતા તેનો સજ્જડ જવાબ આપશે. હું એમ કહેવા માંગુ છું કે જે પાર્ટી સમાજની સેવા કરવાની જગ્યાએ મનોરંજન કરનારાઓને ઉમેદવાર બનાવે તે હારનો સામનો કરશે.

— ANI UP (@ANINewsUP) March 23, 2018

યુપીથી રાજ્યસભામાં ભાજપના 9 સભ્યોની એન્ટ્રી થશે-મૌર્ય
યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. યુપીથી રાજ્યસભાની પ્રત્યેક બેઠક માટે 37 ધારાસભ્યોના મતની જરૂર હોય છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે યુપીમાં ભાજપ તમામ 9 બેઠકો પર જીત મેળવશે. આ વખતે યુપીથી રાજ્યસભામાં ભાજપના નવ સભ્યોની એન્ટ્રી થશે.

યુપી રાજ્યસભાની ચૂંટણી નિર્ણાયક
હકીકતમાં ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ભાજપ તરફથી એક એક વધારાના ઉમેદવારને ઉતારવામાં આવ્યો છે. ત્યારબાદથી રાજ્યસભાની ચૂંટણી અત્યંત રોમાંચક બની છે. ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીને હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો. બાંદા જેલમાં બંધ બસપા ધારાસભ્ય મુખ્તાર અંસારી અને ફિરોઝાબાદ જેલમાં બંધ સપાના ધારાસભ્ય હરિઓમ યાદવ પર રાજ્યસભા ચૂંટણીમાં મત આપવા પર રોક લગાવી દીધી. હવે બંને પાર્ટીઓના એક એક મત ઓછા થઈ ગયાં. બંને પાર્ટીઓ માટે પેટાચૂંટણીના પરિણામો બાદ આ ચૂંટણી કોઈ અગ્નિપરીક્ષાથી કમ નથી. કારણ કે એકવાર ફરીથી સપા અને બસપાના ગઠબંધનની રાજકીય તાકાત જાણવામાં આ ચૂંટણી નિર્ણાયક રહેશે અને જો ક્રોસ વોટિંગ થયું તો વિપક્ષ માટે મુસીબત વધી શકે છે.

સંખ્યાના આધારે ભાજપના 8 ઉમેદવારનું રાજ્યસભામાં જવું નક્કી
જો યુપીની વાત કરીએ તો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપના 8 ઉમેદવારોનું રાજ્યસભામાં જવું નક્કી છે. જ્યારે એક સીટ સપાને મળશે. વધેલી એક સીટ પોતાના પક્ષમાં કરવા માટે સપા અને બસપાનો ભાજપ સામે મુકાબલો છે. ભાજપે 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

સપાએ જયા બચ્ચન અને બસપાએ ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવ્યાં છે
સપાએ પોતાના હાલના સાંસદ જયા બચ્ચન અને બસપાએ ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવ્યાં છે. બસપા ઉમેદવારને 47 ધારાસભ્યોવાળી સપાના વધારાના 10 ધારાસભ્યોનું સમર્થન આપવાની પાર્ટી નેતૃત્વએ જાહેરાત કરેલી છે પરંતુ ક્રોસ વોટિંગની આશંકાના કારમએ બસપા પ્રમુખ માયાવતીએ સપા નેતૃત્વ પાસે બસપા ઉમેદવારને મત આપનારા દસ ધારાસભ્યોની સૂચિ માંગી છે.

સપા-બસપા ઉમેદવારને કોંગ્રેસ-આરએલડીનું સમર્થન
સપા ઉપરાંત બસપા ઉમેદવારને કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ધારાસભ્યોનું પણ સમર્થન છે. ભાજપના ઉમેદવારોમાં અરુણ જેટલી, અશોક વાજપેયી, વિજય પાલ સિંહ તોમર, સકલદીપ રાજભર, કાંતા કર્દમ, અનિલ જૈન, હરનાથ સિંહ યાદવ, જીવીએલ નરસિંમ્હારાવ, અનિલકુમાર અગ્રવાલ સામેલ છે. નિર્વિરોધ વિજયી જાહેર થયેલા ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર સહિત સાત મંત્રી સામેલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news