Ram Mandir: કોણ છે અનિલ મિશ્રા, જે બન્યા પ્રાણ-પ્રતિષ્ઠા અનુષ્ઠાનના મુખ્ય યજમાન?

Ram Mandir Ayodhya: દેશભરમાં હાલ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચારેય કોર રામમય વાતાવરણ બની ગયું છે. ત્યારે શું તમે જાણો છોકે, કોણ છે પ્રાણ-પ્રતિષ્ઠા અનુષ્ઠાનના મુખ્ય યજમાન?

Ram Mandir: કોણ છે અનિલ મિશ્રા, જે બન્યા પ્રાણ-પ્રતિષ્ઠા અનુષ્ઠાનના મુખ્ય યજમાન?

Who is Anil Mishra: રામ મંદિરમાં એક સપ્તાહ સુધી ચાલનારી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ગઈ છે. 22 જાન્યુઆરી 2024ના મુખ્ય કાર્યક્રમ પહેલાની વિધિ મુખ્ય યજમાન ડૉ.અનિલ મિશ્રા દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છેકે, આખરે આ અનિલ મિશ્રા કોણ છે, જે પ્રાણ-પ્રતિષ્ઠા અનુષ્ઠાનના મુખ્ય યજમાન તરીકે પૂજાવિધિ કરવાના છે. આ અંગે આ આર્ટિકલમાં જાણો વિગતવાર માહિતી....

કોણ છે અનિલ મિશ્રા?
રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. તે પહેલા પ્રાણ-પ્રતિષ્ઠાના તમામ અનુષ્ઠાન વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે. મહત્ત્વનું છેકે, PM મોદી જ 22 જાન્યુઆરીના રોજ આયોજિત સમારોહના મુખ્ય યજમાન હશે. પરંતુ તે પહેલા મુખ્ય યજમાન ડો.અનિલ મિશ્રા અને તેમના પત્ની ઉષા મિશ્રાની તમામ વિધિઓ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલી આ ધાર્મિક વિધિઓ 22 જાન્યુઆરીની બપોરે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ માટે 21મી જાન્યુઆરી સુધીની વિધિ અનિલ મિશ્રા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદની મુખ્ય પૂજાવિધિ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે.

રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા:
ડૉ.અનિલ મિશ્રાએ રામ મંદિર આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે. તેઓ સરકાર દ્વારા રચવામાં આવેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં જન્મેલા ડૉ. મિશ્રા લગભગ 4 દાયકાથી અયોધ્યા શહેરમાં પોતાનું હોમિયોપેથિક ક્લિનિક ચલાવી રહ્યા છે. 1981 માં, તેમણે હોમિયોપેથિક મેડિસિન અને સર્જરીની સ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ ઉત્તર પ્રદેશ હોમિયોપેથિક બોર્ડના રજિસ્ટ્રાર અને ગોંડાના જિલ્લા હોમિયોપેથિક ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયા બાદ ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

સંઘ સાથે સીધો સંબંધઃ
ડૉ.અનિલ મિશ્રા લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે. આરએસએસના સક્રિય સભ્ય તરીકે તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. આ પછી તેઓ રામ મંદિર આંદોલનમાં સક્રિય રહ્યા. 16 જાન્યુઆરી મંગળવારથી ડો.મિશ્રા યજમાન તરીકે તમામ વિધિઓ કરી રહ્યા છે. તેણે સરયુ નદીમાં ડૂબકી મારીને તેની શરૂઆત કરી. તેમણે અને તેમની પત્ની ઉષા મિશ્રાએ પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, ગાયનું છાણ, ગૌમૂત્ર) લીધું અને ઉપવાસ શરૂ કર્યા. પ્રાર્થના, સંકલ્પ અને કર્મકુટી પૂજા બાદ હવન કર્યો.

ધાર્મિક વિધિ કરી રહ્યા છે 121 પૂજારીઓઃ
આ પછી બુધવારે કલશ પૂજા કરવામાં આવી હતી. તે જ દિવસે ભગવાન રામલલાની મૂર્તિને મંદિર પરિસરની મુલાકાતે લઈ જવામાં આવી હતી. ત્રીજા દિવસે, યજમાન બનેલા અનિલ મિશ્રાએ ગર્ભગૃહમાં જ્યાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે ત્યાં પૂજા કરી હતી. આ પછી મૂર્તિનો વાસ થશે. કાશીના વિદ્વાનોએ 22 જાન્યુઆરીએ મૂર્તિના અભિષેક માટે ખૂબ જ શુભ સમય પસંદ કર્યો છે. આ શુભ મુહૂર્તમાં 121 પૂજારીઓ ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરતા પહેલા એક સપ્તાહ સુધી અનુષ્ઠાન કરી રહ્યા છે. આ સમગ્ર વિધિ વૈદિક વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડના નેતૃત્વમાં થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news