સાક્ષી સહિત 5 લોકોની હત્યાનો હતો પ્લાન! હત્યા પહેલા ગાંજો અને દારૂ પીને નશામાં ધૂત થયો હતો સાહિલ

સાક્ષી સહિત 5 લોકોની હત્યાનો હતો પ્લાન! હત્યા પહેલા ગાંજો અને દારૂ પીને નશામાં ધૂત થયો હતો સાહિલ

દિલ્હીના ચર્ચિત સાક્ષી મર્ડર કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે આરોપી સાહિલ રવિવાર સવારથી જ સાક્ષીની હત્યાની ફિરાકમાં હતો. પોલીસને સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તેના પુરાવા પણ મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપીએ જણાવ્યું કે તે ત્રણ ચાર દિવસથી હત્યાની યોજના ઘડી રહ્યો હતો. તેના નિશાના પર માત્ર સાક્ષી જ નહીં પરંતુ પ્રવીણ અને અન્ય બે ત્રણ યુવકો પણ હતા. તેણે પાંચ લોકોની હત્યાની યાદી બનાવી રાખી હતી. રવિવારે રસ્તામાં જે કોઈ તેને મળત તેની તે હત્યા કરી નાખત. તેને ખબર હતી કે સાક્ષી અને અન્ય લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આથી તે ચાકૂ લઈને સવારથી ત્યાં જ ફરતો રહેતો હતો. આરોપીએ જણાવ્યું કે સવારે લગભગ 11 વાગે તેણે દારૂ અને ગાંજો પીધો. વચ્ચે વચ્ચે તે નશીલો પદાર્થ પીતો રહ્યો. જ્યારે તેણે હત્યા કરી ત્યારે પણ તે નશામાં ધૂત હતો. 

આરોપીએ કહ્યું કે સાક્ષીએ દોસ્તીનો વાસ્તો આપીને હુમલો ન કરવાની ગુહાર પણ લગાવી હતી પરંતુ તે સતત વાર કરતો રહ્યો. હત્યા માટે તેણે ચાકૂ હરિદ્વારથી ખરીદ્યુ હતું. હાલ પોલીસ ચાકૂ મેળવવાની કોશિશ કરી રહી છે. પોલીસને અન્ય એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યું છે જેમાં ઘટનાસ્થળ પર ઘટનાની બરાબર  પહેલા સાહિલ કોઈ યુવક સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. જો કે પોલીસનું કહેવું છે કે સાહિલ પહેલા આ વિસ્તારમાં રહેતો હતો. આથી ઘટના સમયે જાણીતા લોકો પસાર થતા તે વાત કરતો હતો. જાહેર શૌચાલયના સંચાલકે પણ એક અન્ય યુવક હોવાની પુષ્ટિ કરી હતી. હાલ પોલીસ આ યુવકની પણ પૂછપરછ કરશે. 

આરોપીએ જણાવ્યું કે હત્યા બાદ તે રિઠાલા મેટ્રો સ્ટેશન તરફ જતો રહ્યો હતો. આ બધા વચ્ચે ગુપ્તા કોલોનીના જંગલમાં  તેણે ફોન અને ચાકૂ ફેકી દીધા. આખી રાત રસ્તા પર સૂઈ ગયા બાદ વહેલી સવારે તે બસ દ્વારા ફોઈના ઘરે અટેરની ગામ બુલંદશહેર પહોંચ્યો. જો કે તેણે ફોઈને આ હત્યાની વાત જણાવી નહતી. 

ડીસીપી આઉટર નોર્થ રવિકુમાર સિંહે જણાવ્યું કે હત્યાની તપાસ માટે પોલીસ તમામ વૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કરશે. જો જરૂર પડી તો આરોીના મનોવૈજ્ઞાનિક પરીક્ષણ માટે કોઈ મનોવૈજ્ઞાનિકની પણ સલાહ લેશે. તેમણે મંગળવારે કહ્યું કે આરોપીની પૂછપરછ કરીને પુરાવા ભેગા કરાશે. આ સાથે જ હત્યાનું કારણ પણ જાણવામાં આવશે. હત્યા પહેલા અને ત્યારબાદ સાહિલના દિલ્હીથી બુલંદશહેર સુધી પહોંચવાની કડીઓ પણ શોધાશે. આરોપી, સાક્ષી, અને તમના મિત્રોના ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ, કોલ ડિટેલ્સ ફંફોળાઈ રહ્યા છે. જેથી કરીને ખબર પડી શકે કે હત્યામાં અન્ય કોઈ સામેલ તો નથી. હાલ ફોન અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલું ચાકૂ મળ્યા નથી. તેની શોધ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news