PM મોદીની ભલામણ પર સાઉદી અરબે તત્કાળ 850 ભારતીય કેદીઓને છોડી મૂકવાનો આપ્યો આદેશ
Trending Photos
નવી દિલ્હી: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિક્વેસ્ટ પર બુધવારે પોતાના દેશની જેલોમાં બંધ 850 ભારતીય કેદીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી. પીએમ મોદી અને સાઉદી પ્રિન્સની વાર્તા બાદ મંત્રાલયે જાહેરાત કરી કે ભારત સાઉદી અરબના નાગરિકો માટે ઈ વીઝા સુવિધા વધારશે. એક મહત્વપૂર્ણ ઘટનાક્રમનો ભાગ બનતા સાઉદી અરબ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં સામેલ થઈ ગયું.
આ બાજુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સન્માનમાં આયોજિત ભોજન સમારોહ દરમિયાન કહ્યું કે ભારત સાઉદી અરબના વિઝન 2030માં ભાગીદાર બનવા માંગે છે. ભારતના પહેલા અધિકૃત પ્રવાસે આવેલા સાઉદી અરબના યુવરાજનું સ્વાગત કરતા કોવિંદે કહ્યું કે ભારત સાઉદી અરબની સાથે પોતાના સોહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધોને મહત્વ આપે છે અને ખાડી દેશને પોતાનો સારો પાડોશી માને છે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ કોવિંદે કહ્યું કે ભારતે પોતાના હાલના વિક્રેતા-ખરીદાર સંબંધને આગળ ધપાવીને વ્યુહાત્મક સ્તરે લઈ જવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારત સાઉદી અરબના વિઝન 2030નો ભાગીદાર બનવા ઈચ્છુક છે.
સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાતચીત બાદ બુધવારે કહ્યું કે આતંકવાદ તથા ઉગ્રવાદ સયુંક્ત ચિંતાઓ છે તથા તેને પહોંચી વળવા માટે સાઉદી અરબ ભારત અને ક્ષેત્રના અન્ય દેશોને તમામ પ્રકારનો સહયોગ કરશે.
બંને નેતાઓએ પરસ્પર વાર્તા બાદ પોતાના પ્રેસ નિવેદનોમાં પાકિસ્તાનનો ઉલ્લેખ ન કર્યો. જો કે ત્યારબાદ વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં રેખાંકિત કરવામાં આવી અને પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નીંદા કરાઈ.
આ મુલાકાત અગાઉ બે દિવસ પહેલા જ પ્રભાવશાળી આરબ નેતાએ પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હતી. જૈશ એ મોહમ્મદ દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાનના આપસી સંબંધોમાં આવેલા તણાવને પગલે આરબ નેતાના આ પ્રવાસને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
મોદીના નિવેદનમાં આ હુમલાને આતંકવાદની સમસ્યાનો એક ક્રુર સંકેત ગણાવ્યો તથા આતંકીઓ અને તેમનું સમર્થન કરનારા લોકોને કડક દંડની માગણી કરાઈ. જો કે સાઉદી પ્રિન્સે પોતાના નિવેદનમાં પુલવામા આતંકી હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો નહતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે