પેટાચૂંટણીના પરિણામોનો સંકેત, જો વિપક્ષી દળો ભેગા થાય તો અભેદ્ય નથી ભાજપનો કિલ્લો

ભાજપના રણનીતિકાર 2019ની લોકસભાની ચૂંટણીજીત માટે ઉત્તર પ્રદેશ અને બિહાર પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે અને હવે આ પરિણામોના કારણે તેમણે ફરીથી તેમની રણનીતિ પર વિચાર કરવો પડી શકે છે.

પેટાચૂંટણીના પરિણામોનો સંકેત, જો વિપક્ષી દળો ભેગા થાય તો અભેદ્ય નથી ભાજપનો કિલ્લો

લખનઉ: લોકસભાની ત્રણેય બેઠકોના પેટાચૂંટણીના પરિણામો એ વાતને રેખાકિંત કરે છે કે વિપક્ષી દળોની એકજૂથતા ભાજપના મજબુત કિલ્લાને ભેદી શકે છે. ભાજપના રણનીતિકાર 2019ની લોકસભાની ચૂંટણીજીત માટે ઉત્તર પ્રદેશ અને બિહાર પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે અને હવે આ પરિણામોના કારણે તેમણે ફરીથી તેમની રણનીતિ પર વિચાર કરવો પડી શકે છે.

આ ત્રણેય બેઠકો પર હારના અહેવાલ આવ્યાં ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટી હેડક્વાર્ટરમાં હતાં. સૂત્રોના કહેવા મુજબ શાહ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ પરિણામો અંગે સમીક્ષા કરી શકે છે. હાલ પાર્ટીએ આ હારને વધુ ભાર આપવાની કોશિશ કરી નથી અને કહ્યું કે આ ચૂંટણીમાં લોકોએ સ્થાનિક મુદ્દાઓ પર મત આપ્યા છે અને કેન્દ્ર કે રાજ્યોની સરકાર પર તેની કોઈ અસર થવાની નથી.

ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે પણ દાવો કર્યો છે કે એવું લાગે છે કે મતદારો પાર્ટીઓને ઉત્સાહિત કરીને કઈક રાજકીય સંતુલન બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે ભાજપ પહેલા પણ પેટાચૂંટણી હારીને સતત વિધાનસભા ચૂંટણી જીતી ચૂકી છે.

યોગીએ કહ્યું-હારની સમીક્ષા કરીશું
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે આ બે બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા હતાં ત્યારે સપા, બસપા અને કોંગ્રેસ અલગ હતાં પરંતુ ચૂંટણી વચ્ચે સપા-બસપા વચ્ચે જે આપસી સોદાબાજી થઈ અને કોઈ મેળ વગરનું ગઠબંધન થયું તેને સમજવામાં ક્યાંક ને ક્યાંક કમી રહી અને અતિ આત્મવિશ્વાસ તેનું કારણ છે. અમે આ હારની જરૂર સમીક્ષા કરીશું.

યોગી સરકાર વિરુદ્ધ જનાદેશ: અખિલેશ યાદવ
આ બાજુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે પેટાચૂંટણીના પરિણામો કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની યોગી સરકાર વિરુદ્ધ જનાદેશ છે. ગોરખપુર એ મુખ્યમંત્રી યોગીનો વિસ્તાર છે જ્યારે ફૂલપુર એ નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યનો વિસ્તાર છે. જો તેમના વિસ્તારની જનતામાં આટલી નારાજગી છે તો વિચારો કે આવનારા સમયમાં દેશની ચૂંટણીમાં શું થશે. સપા પ્રમુખે દાવો કર્યો છે કે જો ઈલેકટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ મતપત્રોથી મતદાન કરાવ્યું હોત તો ભાજપ લાખો મતોથી હારત.

જીત બાદ નિષાદ પાર્ટીના અધ્યક્ષ અને સપા ઉમેદવાર પ્રવીણના પિતા સંજય નિષાદે કહ્યું કે આ ન તો યોગી આદિત્યનાથની હાર છે અને ના તો ગોરખપુર મઠની. અમે બધા ગોરખપુર મઠ અને નાથ સંપ્રયાદના સંસ્થાપક મછેન્દર નાથનું સન્માન કરીએ છીએ. મારું માનવું છે કે જનતાએ ભાજપની નોટબંધી અને જીએસટી નીતિઓ વિરુદ્ધ મતદાન કર્યું.

આ બાજુ ફૂલપુરના પૂર્વ સાંસદ અને પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે અમને આશા નહતી કે બસપાના મતો આ  રીતે સપા તરફ ટ્રાન્સફર થઈ જશે,. અમે વિશ્લેષણ કરીશું અને અમે આવી પરિસ્થિતિઓ માટે પણ તૈયાર રહીશું, જેમાં સપા-બસપા અને કોંગ્રેસ સાથે મળીને લડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news