ક્યારે-ક્યારે બગડ્યા ભારત અને કેનેડાના સંબંધ, જાણો બંને દેશ વચ્ચેના સંબંધની તમામ વાતો

ભારત અને કેનેડાના સંબંધ જૂના છે, બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધ 1947થી જ સ્થાપિત થયેલા છે. બિનનિવાસી ભારતીયોનો એક મોટો વર્ગ કેનેડામાં વસે છે. જેમાં શિખ સમુદાયની સંખ્યા સૌથી વધુ છે. 
 

ક્યારે-ક્યારે બગડ્યા ભારત અને કેનેડાના સંબંધ, જાણો બંને દેશ વચ્ચેના સંબંધની તમામ વાતો

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાના સંબંધમાં ભૂતકાળમાં પણ ઘણી વાર ઉતારચડાવ આવ્યા છે. જેના મૂળમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને અપાયેલો છૂટો દોર છે. આ જ કડીમાં જસ્ટીન ટ્રુડોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે ભારત સાથેના સંબંધ બગાડ્યા છે. સંબંધોમાં આવેલી કડવાશના પરિણામ બંને દેશોએ ભોગવવા પડશે. કયા ક્ષેત્ર તેનાથી પ્રભાવિત થઈ શકે છે, જોઈએ આ અહેવાલમાં..

કેનેડાની વસ્તી ત્રણ કરોડ 80 લાખ જેટલી છે. જેમાંથી 14 લાખ જેટલા ભારતીયો છે. એટલે કે કેનેડાની વસ્તીના 3.5 ટકા લોકો ભારતીયો છે. કેનેડામાં વસતા ભારતીયોમાં સૌથી વધુ વસ્તી શિખ સમુદાયની છે. 7 લાખ 70 હજાર જેટલા શિખ કેનેડામાં વસે  છે. એટલે કે કેનેડાની વસ્તીમાં 2 ટકા લોકો શિખ છે. ભારત બાદ કેનેડામાં શિખ સમુદાયની સૌથી વધુ વસ્તી કેનેડામાં છે. આ જ કારણ છે કે 2019માં કેનેડાની સરકારે એપ્રિલ મહિનાને શિખ હેરિટેજ મહિના તરીકે જાહેર કર્યો હતો. 

જો કે આઝાદી બાદ કેટલાક એવા અવસર પણ આવ્યા, જ્યારે બંને દેશોના સંબંધમાં ખટાશ આવી હતી. 1948માં કેનેડાએ કાશ્મીરમાં જનમત સંગ્રહને સમર્થન આપ્યું હતું. 1974માં ભારતે કરેલા પરમાણું પરીક્ષણ અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો હતો. 1998ના પરમાણુ પરીક્ષણ બાદ પણ બંને દેશોના સંબંધ તણાવપૂર્ણ બન્યા હતો. 1985માં ખાલિસ્તાની અલગાવવાદીઓએ કેનેડાથી દિલ્લી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વિસ્ફોટ કરતાં 326 મુસાફરોના મૃત્યુ થયા હતા. 2005માં કેનેડાની અદાલતે આ કેસના બે આરોપીઓને મુક્ત કરતા ભારતે વાંધો ઉઠાવ્યો હતો. 

ખાલિસ્તાની અલગાવવાદીઓના મુદ્દે ભારત અને કેનેડા ઘણી વાર સામસામે આવી ચૂક્યા છે. ખાલિસ્તાની અલગાવવાદીઓએ કેનેડાને પોતાનું એપિસેન્ટર બનાવ્યું છે. ભારતમાં સુરક્ષા એજન્સીઓની ધોંસ વધતા કેનેડામાં ખાલિસ્તાનનું આંદોલન જીવંત છે. ભારતે કેનેડા સરકારને આ અંગે વારંવાર રજૂઆત અને ફરિયાદ કરી છે. જો કે ટ્રુડો ભારતની વાતને ગંભીરતાથી લેવા તૈયાર નથી. 

ટ્રુડો ખાલિસ્તાનીઓનું સમર્થન કરી રહ્યા છે.તેનું કારણ છે કેનેડામાં શિખ સમુદાયની વોટબેન્ક. જસ્ટીન ટ્રુડોના પક્ષ લિબરલ પાર્ટી ઓફ કેનેડામાં શિખ સમુદાયનું વર્ચસ્વ છે. 2015માં જ્યારે ટ્રુડોની સરકાર બની ત્યારે તેમાં ચાર શિખ મંત્રીઓને સામેલ કરાયા હતા. 

ટ્રુડો જાણતા હતા કે શિખ સમુદાયનો એક એક વર્ગ ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલો છે, સત્તા પર રહેવા માટે તેમણે પોતાની કેબિનેટના મહિલા મંત્રી જોડી થોમસને ખાલિસ્તાની આંદોલનને સુરક્ષા આપવાનું કામ સોંપ્યું હતું. આમ કરીને ટ્રુડો ભારત વિરોધી વલણ અપનાવી રહ્યા છે. કેમ કે ખાલિસ્તાનીઓ કેનેડામાં પણ ભારતીયોને હેરાન કરે છે અને ભારતમાં પણ આતંક ફેલાવે છે. 

હવે આવતા વર્ષે કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે ટ્રુડોએ ખાલિસ્તાનીઓને રિઝવવા ભારત સાથેના સંબંધ બગાડી નાંખ્યા છે. જે હરદીપસિંહ નિજ્જરની હત્યા બદલ ટ્રુડો ચિંતિત છે, તેને ભારતની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી અને ભાગેડુ જાહેર કર્યો હતો. તે ભારતમાં ખાલિસ્તાન સમર્થકોને તાલીમ આપતો તેમજ ફંડિંગ કરતો હતો. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું. હરદીપસિંહ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટીસ સાથે જોડાયેલો હતો. 

આ જ વર્ષે જૂનમાં કેનેડાના સર્રે શહેરમાં ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હજુ તો તપાસ ચાલી રહી છે, ત્યાં પ્રધાનમંત્રી ટ્રુડો તે પહેલાં જ તારણ પર પણ આવી ગયા.

હવે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી છે,  ત્યારે તેની અસર અહીં વસતા 14 લાખ ભારતીયો પર પડશે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જાય છે, એવામાં જો બંને દેશોના સંબંધ વધુ વણસી જશે તો કેનેડા જતાં ભારતીય વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલ ઉભા થશે. કેનેડામાં શિખ સમુદાયનો વેપાર અને રાજકારણમાં દબદબો છે. કેનેડામાં ખેતી અને ડેરી ઉદ્યોગમાં શિખ સમુદાયનું પ્રભુત્વ છે. જો બંને દેશોના સંબંધ ખરાબ થશે તો શિખ સમુદાયે સૌથી વધુ ભોગવવું પડશે.

ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષી વેપાર પણ સતત વધી રહ્યો છે.  વર્ષ 2021-22માં બંને દેશો વચ્ચે 7 અબજ ડોલરનો વેપાર થયો. વર્ષ 2022-23માં કેનેડાએ ભારતમાં 4.05 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે ભારતે કેનેડામાં 4.10 અબજ ડોલરની નિકાસ કરી. આ વર્ષે અત્યાર સુધી દ્વિપક્ષીય વેપાર 8 અબજ ડોલરને પાર થયો છે. 

 ભારત જે ચીજવસ્તુઓની કેનેડામાં નિકાસ કરે છે તેમાં હીરા અને જ્વલરી, દવાઓ, કપડાં, ઓર્ગેનિક રસાયણો, એન્જિનીયરિંગની ચીજવસ્તુઓ તેમજ લોખંડ-સ્ટીલનો સમાવેશ થાય છે. 

જ્યારે કેનેડા ભારતમાં જે નિકાસ કરે છે, તેમાં મુખ્યત્વે દાળ, અખબારના કાગળ, વુડ પલ્પ, એસ્બેસ્ટર, પોટાશ, કાચુ લોખંડ અને તાંબુ તેમજ કેમિકલનો સમાવેશ થાય છે. 

જો કે હવે વેપારના મોરચે બંને દેશોને ઝટકો લાગ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલતી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પરની વાટાઘાટો જી20 સમિટ બાદ રોકાઈ ગઈ છે. જે બંનેમાંથી કોઈ દેશના પક્ષમાં નથી. હવે જોવું એ રહેશે કે કેનેડા ભારત માટે શું વલણ અપનાવે છે. તેના પર જ ભારતના વલણનો આધાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news