સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ : પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું

Gujarat Rains : રાજ્યમાં આગામી એક કલાક સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે છે. દ્વારકા ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી અપાઈ છે. તો અમરેલી, કચ્છ, દીવમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. આ વચ્ચે ગઈકાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે. દિવસે જમાવટ બાદ રાત્રે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. ગત 24 કલાકમાં પોરબંદરમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. 

ક્યાં કેટલો વરસાદ વરસ્યો

1/9
image
દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો તો પોરબંદરના રાણાવાવમાં વરસ્યો 9.5 ઈંચ વરસાદ... ગીરસોમનાથના વેરાવળમાં વરસ્યો 8 ઈંચ વરસાદ... જૂનાગઢના કેશોદ, વંથલીમાં વરસ્યો 7 ઈંચથી વધારે વરસાદ... માણાવદર, સૂત્રાપાડામાં પોણા 7 ઈંચ વરસાદ... પોરબંદરના કુતિયાણા, જામનગરના જામજોધપુરમાં 6 ઈંચ.. જૂનાગઢના વિસાવદર, માંગરોળમાં 5 ઈંચ વરસાદ.... સૌરાષ્ટ્રના 16 તાલુકામાં વરસ્યો 4 ઈંચથી વધારે વરસાદ... રાજ્યના 45 તાલુકામાં પડ્યો 1 ઈંચથી વધારે વરસાદ...

18 ડેમ એલર્ટ કે હાઈએલર્ટ મોડ પર

2/9
image

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં વરસાદ બાદ જળાશયોમાં જળસ્તર વધ્યા છે. રાજ્યમાં હાલ 18 ડેમ એલર્ટ કે હાઈએલર્ટ મોડ પર છે. સરદાર સરોવર ડેમ 54 ટકાથી વધુ ભરાયો છે. રાજ્યના 206 ડેમમાં 35 ટકાથી વધારે જળસ્તર છે. સૌરાષ્ટ્રના 3 ડેમ અત્યાર સુધીમાં છલકાયા છે. જામનગરનો વાગડિયા, રસોઈ-2 ડેમ 100 ટકા ભરાયા છે. સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ પણ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો છે. રાજ્યના 8 ડેમમાં 80થી 90 ટકા જળસ્તર થઈ ગયું છે. 

3/9
image

જુનાગઢના વંથલી વધાવી ગામે અવિરત વરસાદને કારણે ગામનો મુખ્ય માર્ગ બંધ થય ગયો નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો બીજી તરફ, આજે ગીરસોમનાથમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. જેમાં મેણ ગુંદાળા અને જુડવડલી ગામ વચ્ચે ડેમ નિર્માણ કામ ચાલુ હતું, અને ગીર જંગલમાં ભારે વરસાદના કારણે નદીમાં એકાએક ઘોડાપૂર આવતા એક ટ્રેક્ટર અને એક હીટાચી મશીન પૂરના પ્રવાહ વચ્ચે ફસાયા હતા. જોકે સાવચેતીના કારણે કોઈ જાનહાનિ નથી થઈ. 

વેણુ ડેમ છલકાયો, અનેક ગામોને એલર્ટ કરાયા

4/9
image

રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક વધી છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ 2 ડેમ 100% ટકા ભરાયો છે. ડેમની સપાટી 50.85 ફુટે પહોંચી છે. ગત રાત્રિના બે વાગ્યે 10 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી 46303 ક્યુસેક પાણીની આવક સામે એટલીજ જાવક ચાલુ હતી. જ્યારે હાલમાં 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલમાં ઉપરવાસમાંથી 12607 ક્યુસેક પાણીની આવક સામે એટલીજ જાવક ચાલુ છે. વેણુ 2 ડેમ 100% ભરાતા નીચાણ વાળા વિસ્તાર ગધેથડ, વરજાગજાળીયા, નાગવદર, મેખાટીંબી, નિલાખા ગામોને સાવચેત કરાયા છે. આ કારણે નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. વેણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી છે.   

દ્વારકાની નદીઓમાં પૂર આવ્યું 

5/9
image

વહેલી સવારથી અત્યાર સુધીમાં દ્વારકામાં 40mm, ખંભાળીયામાં 51mm, કલ્યાણપુરમાં 261 mm, ભાણવડમાં 67mm વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણથી લીમળી વચ્ચેનો હાઈવે બંધ થયો છે. રાણ- લીંબડીમાં ધોધમાર વરસાદથી ચરકલા હાઈવે પરની રેણુકા નદીમાં પુરથી પસાર થતા વાહન ચાલકો અટવાયા છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરની સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે. સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિના કારણે હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાની અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. લીંબડી ચરકલા હાઇવે પરથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. 

કલ્યાણપુરના રસ્તા ધોવાયા 

6/9
image

મેધરાજાના અનરાધાર આગમનથી ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના અનેક ગામડાઓને જોડતા માર્ગો ધોવાયા છે. કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે માર્ગોનું ધોવાણ થયું છે. હરીપર થી પનેલી ગામ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. મેધરાજાની પધરામણીથી કલ્યાણપુર તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.   

7/9
image

પોરબંદર શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે. રાણીબાગ તથા સુદામા ચોક વિસ્તારમાં ગોઠણડૂબ પાણી જોવા મળી રહ્યાં છે. મુખ્ય બજારોમાં ગોઠણડૂબ પાણીથી જન જીવન પ્રભાવિત થયું છે. તો પોરબંદરમાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે.

જુનાગઢમાં શાળા બંધ રખાઈ

8/9
image

જુનાગઢમાં ભારે વરસાદ બાદ આજે સ્કૂલોમાં બંધ રાખવા માટે deo દ્વારા મેસેજ કરાયો છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય શાળાના આચાર્યો કે પ્રિન્સિપાલને લેવાનો રહેશે. વધુ વરસાદ હોય તો વિદ્યાર્થીઓને બોલાવવા કે નહિ તે નક્કી કરવાની જવાબદારી આચાર્યોને સોંપવામાં આવી છે. જુનાગઢમાં આજે ભારે વરસાદની આગાહી છે.   

9/9
image