IND vs SL: ભારતે જીત સાથે કરી વર્ષ 2023ની શરૂઆત, રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું

India vs Srilanka: દીપક હુડ્ડા અને અક્ષર પટેલની અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ બાદ શિવમ માવીની ચાર વિકેટની મદદથી ભારતે પ્રથમ ટી20 મેચમાં રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

IND vs SL: ભારતે જીત સાથે કરી વર્ષ 2023ની શરૂઆત, રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું

મુંબઈઃ ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં શ્રીલંકાને રોમાંચક મેચમાં 2 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે વર્ષ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ ટી20 મેચમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પોતાના ટી20 કરિયરની પ્રથમ મેચ રમી રહેલ શિવમ માવી જીતનો હીરો રહ્યો હતો. માવીએ ચાર વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

શ્રીલંકાની ખરાબ શરૂઆત
ભારતે આપેલા 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. પથુમ નિસાંકા 1 રન બનાવી શિવમ માવીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શિમવ માવીએ પોતાની બીજી ઓવરમાં ધનંજય ડિ સિલ્વા (8) ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શ્રીલંકાએ પાવરપ્લેમાં 2 વિકેટે 35 રન બનાવ્યા હતા. 

શ્રીલંકાએ 47 રન પર અસલંકા (12) ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કુસલ મેન્ડિસ (28) રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. મેન્ડિસે 25 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ભાનુકા રાજપક્ષે 10 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. શ્રીલંકાએ 68 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હસરંગા અને શનાકા વચ્ચે 40 રનની ભાગીદારી થઈ હતી. હસરંગા 10 બોલમાં બે સિક્સ અને એક ચોગ્ગા સાથે 21 રન બનાવી આઉટ થયો હતો. 

શ્રીલંકા તરફથી કેપ્ટન શનાકા 27 બોલમાં ત્રણ સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 45 રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. તીક્ષણા 1 રન બનાવી માવીનો શિકાર બન્યો હતો. કરૂણારત્ને 23 રન બનાવી અણનમ રહ્યો હતો. કસુન રજિથા અને દિલશાન મધુશંકા અંતિમ ઓવરમાં રનઆઉટ થયા હતા. ભારત તરફથી શિવમ માવીએ ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. માવીએ 4 ઓવરમાં 22 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય ઉમરાન મલિક અને હર્ષલ પટેલને બે-બે સફળતા મળી હતી. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઈશાન કિશને પ્રથમ ઓવરમાં 17 રન ફટકારીને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ ટીમને ત્રીજી ઓવરમાં 27 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટી20 મેચમાં ડેબ્યૂ કરનાર શુભમન ગિલ માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી કરૂણારત્નેનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 2 વિકેટે 41 રન બનાવ્યા હતા. 

પાવરપ્લે બાદ સંજૂ સેમસન માત્ર 5 રન બનાવી ધનજંય ડિ સિલ્વાનો શિકાર બન્યો હતો. ભારતે 46 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને ભારતની ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 77 રનના સ્કોર પર ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશન 29 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 37 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 27 બોલમાં ચાર ચોગ્ગા સાથે 29 રન બનાવી મધુશંકાનો શિકાર બન્યો હતો. 

દીપક હુડ્ડા અને અક્ષર પટેલે ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું
ભારતીય ટીમે 94 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ દીપક હુડ્ડા અને અક્ષર પટેલે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને ભારતનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. દીપક હુડ્ડા 23 બોલમાં 4 સિક્સ અને એક ચોગ્ગા સાથે 41 રન બનાવી અણનમ રહ્યો હતો. તો અક્ષર પટેલે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે અણનમ 31 રન બનાવ્યા હતા. બંનેએ 35 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી. 

શ્રીલંકા તરફથી દિલશન મધુશંકા, મહેશ તીક્ષણા, ચમિરા કરૂણારત્ને, ધનંજય ડિ સિલ્વા અને વનિંદુ હસરંગાએ એક-એક સફળતા મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news