પાકિસ્તાની બોલરે ડેબ્યુ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો, ઈંગ્લીશ બેટ્સમેનોને પોતાની ફિરકીમાં ફસાવ્યા

ઈંગ્લેન્ડ સામે મુલ્તાનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના યુવા બોલર અબરાર અહમદે શાનદાર પ્રદર્શન કર્યુ છે. 24 વર્ષના અબરારે ઈંગ્લેન્ડની ટીમના બેટિંગ ઓર્ડરને તહેસ-નહેસ કરી નાંખતા શરૂઆતની 7 વિકેટ ઝડપી. ડેબ્યુ મેચમાં શાનદાર બોલિંગના કારણે અહમદ ચર્ચામાં છે.

પાકિસ્તાની બોલરે ડેબ્યુ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો, ઈંગ્લીશ બેટ્સમેનોને પોતાની ફિરકીમાં ફસાવ્યા

મુલ્તાન: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુલ્તાનમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં 24 વર્ષના યુવા સ્પિનર અબરાર અહમદે મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પોતાની ડેબ્યુ મેચમાં અબરારે ઈંગ્લીશ બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવતાં શરૂઆતની 7 વિકેટ ઝડપી. અબરારે પહેલા દિવસે જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ,જો રૂટ, હેરી બ્રૂક, વિલ જેક્સ અને બેન સ્ટોક્સને પોતાના શિકાર બનાવ્યા.

 

 

Immediate impact by Abrar Ahmed 🎯#PAKvENG | #UKSePK pic.twitter.com/8tvnuGFzyo

— Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022

 

અબરારની મોટી સિદ્ધિ:
ઈંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગના કારણે ડાબા હાથના લેગ સ્પિનર અબરાર અહમદે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 24 વર્ષના અબરારે પોતાની ડેબ્યુ મેચમાં 5 કે તેનાથી વધારે વિકેટ લેનારો પાકિસ્તાનનો માત્ર 13મો બોલર બન્યો છે. મુલ્તાન 16 વર્ષ પછી કોઈ ટેસ્ટ મેચની યજમાની કરી રહ્યું છે. એવામાં અબરાર અહમદે પાકિસ્તાન માટે આ મેચને યાદગાર બનાવી દીધી છે.

અબરાર અહમદે ડેબ્યુ મેચમાં 114 રન આપીને સાત વિકેટ ઝડપી. તો બીજી 3 વિકેટ જાહિદ મહમૂદે લીધી. અબરારની આ ખતરનાક બોલિંગના કારણે ઈંગ્લીશ ટીમ પહેલા દાવમાં માત્ર 281 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. અબરાર આ સિદ્ધિ મેળવનારો દુનિયાનો 14મો અને પાકિસ્તાનનો ત્રીજો બોલર છે. આ પહેલાં મોહમ્મદ નઝીર અને મોહમ્મદ જાહિદે આ સિદ્ધિ મેળવી હતી.

PSLમાં રમી ચૂક્યો છે અબરાર અહમદ:
અબરાર અહમદે ફેબ્રુઆરી 2017માં પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ માટે ટી-20માં ડેબ્યુ કર્યુ હતું. પછી તેણે નવેમ્બર 2020માં કાયદ-એ-આઝમ ટ્રોફીમાં સિંધ માટે રમતાં પોતાની પ્રથમ શ્રેણીમાં ડેબ્યુ કર્યુ. અબરાર અહમદને ઓક્ટોબર 2021માં શ્રીલંકા પ્રવાસ માટે પાકિસ્તાન શાહીન ટીમમાં નોમિનેટ કરાયો હતો. અબરારે શ્રીલંકા-એ ક્રિકેટ ટીમ સામે મેચથી નવેમ્બર 2021માં પોતાના લિસ્ટ-એની શરૂઆત કરી.

 

ઈંગ્લેન્ડની ટીમ 1-0થી આગળ:
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે. બેન સ્ટોક્સના નેતૃત્વમાં ટીમે રાવલપિંડી ટેસ્ટ મેચમાં 74 રનથી જીત મેળવી હતી. તે મેચમાં બંને ટીમોએ રનનો ધોધ વહાવ્યો હતો. અને 5 દિવસમાં કુલ 1768 રન બન્યા હતા. જોવામાં આવે તો આવો રેકોર્ડ અત્યાર સુધી માત્ર બે જ વાર બન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news