કોચ બાદ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ, આ તારીખે થશે જાહેરાત

રવિ શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે જાળવી રાખવામાં આવ્યા છે. હવે સપોર્ટ સ્ટાફની પસંદગી કરવામાં આવશે. 

 કોચ બાદ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ, આ તારીખે થશે જાહેરાત

નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદે યથાવત રાખ્યા છે. તો ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફને પસંદ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જે શાસ્ત્રીની સાથે મળીને ટીમને આગળ લઈ જવાનું કામ કરશે. સીએસીએ હાલમાં જ કોચ પસંદ કર્યા બાદ ભલામણ કરી હતી કે તેને સપોર્ટ સ્ટાફની પસંદગી કરવાની પણ મંજૂરી આપવામાં આવે. પરંતુ પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ આમ કરવાનો ઇનકાર કરી દીધો છે. હવે પહેલાથી ચાલી આવતી પ્રક્રિયા મુજબ સપોર્ટ સ્ટાફની પસંદગી થશે. 

સપોર્ટ સ્ટાફની પસંદગી કરવાની જવાબદારી એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની સીનિયર પસંદગી સમિતિ પર છે. સમિતિએ સોમવારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ગુરૂવાર સુધી તે સપોર્ટ સ્ટાફના નામોની જાહેરાત કરી દેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના કાર્યકારીએ કહ્યું કે, બોર્ડ સંપૂર્ણ પ્રક્રિયાને પૂરી થયા સુધી રાહ જોશે અને ત્યારબાદ જાહેરાત કરશે. કાર્યકારીએ કહ્યું, 'આ પ્રક્રિયાની શરૂઆત આજ (સોમવાર)થી થઈ ગઈ છે અને ગુરૂવાર સુધી ચાલશે. સપોર્ટ સ્ટાફની જાહેરાત ગુરૂવારે કરવામાં આવશે. એકવારમાં એક નામ જાહેરાત કરવાનો કોઈ અર્થ નથી.'

આ કારણે સીએસી પસંદ નહીં કરે સપોર્ટ સ્ટાફ
કોચ પસંદ કરનારી સીએસી ઈચ્છતી હતી કે સપોર્ટ સ્ટાફની પણ તે પસંદગી કરે પરંતુ જો પ્રશાસકોની સમિતિ (સીઓએ) સીએસીને આ જવાબદારી આપે તો બોર્ડના નવા બંધારણનો ભંગ થાય. બીસીસીઆઈના નવા બંધારણ પ્રમાણે, મુખ્ય કોચ પસંદ કરવાની જવાબદારી સીએસીની છે જ્યારે સપોર્ટ સ્ટાફને પસંદ કરવાનું કામ  પસંદગી સમિતિનું છે. તો માનવામાં આવી રહ્યું છે કે સપોર્ટ સ્ટાફની પસંદગીમાં હેડ કોચની મહત્વની ભૂમિકા રહે છે. તેનું કારણ છે કે સપોર્ટ સ્ટાફ હેડ કોચની દેખરેખમાં કામ કરે છે. 

આ પદો પર રહેશે નજર
સપોર્ટ સ્ટાફની વાત કરવામાં આવે તો બોલિંગ કોચ પદે ભરત અરૂણ યથાવત રહી શકે છે. તેની હાજરીમાં ભારતીય ટીમ બોલિંગમાં મજબૂત બની છે. તો ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર પણ ટીમ સાથે જળવાઇ શકે છે. શાસ્ત્રીએ ઘણીવાર કહ્યું કે, ટીમની ફીલ્ડિંગ શાનદાર છે. શ્રીધર જો ફીલ્ડિંગ કોચ પદે યથાવત રહે તો જોન્ટી રોડ્સે ખાલી હાથે પરત ફરવું પડશે. તો બેટિંગ કોચ પદ પર ફેરફાર થઈ શકે છે. સંજય બાંગરની વિદાય નક્કી માનવામાં આવી રહી છે. પૂર્વ પસંદગીકાર વિક્રમ રાઠોર અને પૂર્વ બેટ્સમેન પ્રવીણ આમરેએ બેટિંગ કોચ માટે અરજી કરી છે. હવે જોવાનું રહેશે કે બેટિંગ કોચની જવાબદારી કોને મળે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news