એશિઝ 2019, પ્રથમ ટેસ્ટઃ ચોથા દિવસે સ્મિથ અને વેડની સદીથી ઓસ્ટ્રેલિયા મજબૂત, યજમાન પર હારનો ખતરો

એજબેસ્ટનમાં રમાઇ રહેલી એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની પક્કડ મજબૂત બનાવી લીધી છે. 

એશિઝ 2019, પ્રથમ ટેસ્ટઃ ચોથા દિવસે સ્મિથ અને વેડની સદીથી ઓસ્ટ્રેલિયા મજબૂત, યજમાન પર હારનો ખતરો

એજબેસ્ટનઃ એશિઝ સિરીઝના પ્રથમ ટેસ્ટના ચોથા દિવસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ચોથા દિવસે સ્ટંમ્પના સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 13-0 રહ્યો અને મેચના પાંચમાં દિવસે તેને જીતવા માટે 385 રનની જરૂર છે. મેચ ડ્રો કરવા માટે ઈંગ્લેન્ડે દિવસભર બેટિંગ કરવી પડશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 487/7ના સ્કોર પર ડિકલેર કરી અને ઈંગ્લેન્ડને જીતવા માટે 398 રનનો લક્ષ્ય આપ્યો હતો. 

પોતાના ત્રીજા દિવસના સ્કોર 124/3થી આગળ રમવાનું શરૂ કરતા ઓસ્ટ્રેલિયાને સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. 205ના સ્કોર પર હેડ 51 રન બનાવી આઉટ થયો હતો. અહીંથી સ્મિથે મેથ્યૂ વેડની સાથે મળીને 126 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને મોટી લીડ તરફ અગ્રેસર કરી હતી. આ વચ્ચે સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી અને 142 રન બનાવી આઉટ થયો હતો. વેડે સ્મિથ આઉટ થયા બાદ મોરચો સંભાળ્યો અને કેપ્ટન ટિમ પેન (34)ની સાથે ટીમની લીડ 300ને પાર પહોંચાડી હતી. વેડે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી ફટકારી અને તે 110 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં જેમ્સ પેટિન્સન (47*) અને પેટ કમિન્સ (26*)એ ઝડપથી 78 રન જોડ્યા અને ટીમનો સ્કોર 487 પર પહોંચાડ્યો હતો. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મોઇન અલીને પણ બે સફળતા મળી હતી. 

સ્ટીવ સ્મિથ ટેસ્ટમાં સૌથી ઝડપી 25 સદી પૂરી કરનાર બીજો ખેલાડી બની ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 119 ઈનિંગમાં મેળવી છે. તેની પહેલા બીજા સ્થાન પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હતી, જેણે 127 ઈનિંગમાં 25 સદી ફટકારી હતી. આ સિવાય સ્મિથ એશિઝની બંન્ને ઈનિંગમાં સદી ફટકારનાર આઠમો અને 2002 બાદ આ કારનામું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 

બીજી ઈનિંગ રમવા ઉતરેલા ઈંગ્લેન્ડે 7 ઓવરમાં વિના વિકેટે 13 રન બનાવી લીધા છે. રોરી બર્ન્સ 7 અને જેસન રોય 6 રન બનાવી ક્રીઝ પર છે. મેચના પાંચમાં દિવસે માત્ર ઓસ્ટ્રેલિયાની જીત કે મુકાબલો ડ્રો રહે તેવું લાગી રહ્યું છે. 

સંક્ષિપ્ત સ્કોરઃ
ઓસ્ટ્રેલિયા 284 અને 487/7 દાવ ડિકલેર
ઈંગ્લેન્ડ 374 તથા 13/0 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news