Asia Cup 2023: એશિયા કપમાં ફરી રમાશે ભારત-પાક મેચ, તે પહેલા દૂર કરવી પડશે આ 5 નબળાઈ, નહીં તો હાર્યા સમજો!

ભારતીય ટીમે એશિયા કપમાં પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી, જે વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી અને 266 રન કર્યા. વરસાદના કારણે ભારતીય ટીમ બોલિંગ કરી શકી નહીં. પરંતુ મેચમાં કેટલીક કમીઓ ચોક્કસપણે ઉજાગર થઈ. 

Asia Cup 2023: એશિયા કપમાં ફરી રમાશે ભારત-પાક મેચ, તે પહેલા દૂર કરવી પડશે આ 5 નબળાઈ, નહીં તો હાર્યા સમજો!

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2023ના સુપર 4માં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમે એશિયા કપમાં પોતાની બીજી મેચ સોમવારે નેપાળ વિરુદ્ધ રમી. વરસાદના કારણે આ મેચમાં વિધ્ન પડ્યુ અને ટીમ ઈન્ડિયાએ મેચ 10 વિકેટથી જીતી લીધી. ભારતીય ટીમની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ ભારે વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. 

નેપાળ વિરુદ્ધ થયેલી જીત સાથે જ ભારતીય ટીમે સુપર 4માં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ હવે ક્રિકેટ ફેન્સને ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજો મુકાબલો પણ જોવા મળશે. આ મેચ 10 સપ્ટેમ્બરના રોજ હમ્બનટોટામાં રમાશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ હમ્બનટોટામાં જ રમાશે. 

પાકિસ્તાન-નેપાળ બંને વિરુદ્ધ કમીઓ થઈ ઉજાગર
ભારતીય ટીમે એશિયા કપમાં પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી, જે વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી અને 266 રન કર્યા. વરસાદના કારણે ભારતીય ટીમ બોલિંગ કરી શકી નહીં. પરંતુ મેચમાં કેટલીક કમીઓ ચોક્કસપણે ઉજાગર થઈ. 

ત્યારબાદ નેપાળ વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમ ભલે જીતી હોય પરંતુ અહીં પણ કેટલીક કમીઓ સામે આવી. હવે જ્યારે ભારતીય ટીમની પાકિસ્તાન સામની મેચ જીતવી જરૂરી છે અને જો એશિયા કપ પર કબજો જમાવવો હોય તો આ કમીઓને દૂર કરવી પડશે.

1. બેટિંગમાં ટોપ ઓર્ડરનું ફ્લોપ  પ્રદર્શન
પાકિસ્તાન વિરુદ્ધ કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ઓપનિંગનો મોરચો સંભાળ્યો હતો. આ બંને જ સ્ટાર બેટ્સમેન છે અન વનડે ફોર્મેટમાં ડબલ સેન્ચ્યુરી પણ લગાવી ચૂક્યા છે. રોહિત દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે જે વનડેમાં 3વાર ડબલ સેન્ચ્યુરી લગાવી ચૂક્યા છે. પરંતુ હવે આ બંને બેટ્સમેનોએ પોતાની જવાબદારી સમજવી પડશે અને ટીમને સતત સારી શરૂઆત આપવી પડશે. 

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમે 66 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. જ્યારે બે વિકેટ જલદી પડી હતી ત્યારે ત્રીજા નંબર પર આવેલા કોહલી અને પછી ઐય્યરે પણ પોતાની જવાબદારી સમજવાની હતી પરંતુ આવું પાકિસ્તાન વિરુદ્ધ જોવા મળ્યું નહીં. 

જો કે નેપાળ વિરુદ્ધ રોહિત અને ગિલે દમદાર બેટિંગ કરી અને અણનમ રહીને 10 વિકેટથી મેચ જીતાડી. પરંતુ જોવાની વાત એ છે કે નેપાળની બોલિંગ પાકિસ્તાનની સરખામણીમાં ખુબ નબળી છે. આવામાં ભારતીય ટોપ ઓર્ડરે મજબૂત તૈયારી કરવાની છે. 

નેપાળ વિરુદ્ધ ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમથી 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં 20.1 ઓવરમાં 147 રન કરી મેચ જીતી. 

2. ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે
નેપાળ વિરુદ્ધ ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ઉજાગર થઈ છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી અને શરૂઆતના 26 બોલમાં જ 3 સરળ કેચ છોડ્યા હતા. આ કેચ શ્રેયસ ઐય્યરે સ્લિપમાં, વિરાટ કોહલીએ કવર પોઈન્ટ પર અને વિકેટ કિપર ઈશાન કિશને છોડ્યા હતા. આ જીવનદાનનો ફાયદો ઉઠાવતા નેપાળે ભારત સામે 230 રન ઠોકી દીધા. જો આ ત્રણ કેચ થઈ ગયા હોત તો કદાચ નેપાળ 100 કે 150 રનની અંદર પણ આઉટ થઈ જાત. પાકિસ્તાન સામે આવી ફિલ્ડિંગ રહેશે તો હાલત ખરાબ થશે. 

3. શાહીન આફ્રીદીનો તોડ નથી કાઢી શક્યા
કોહલી અને રોહિત એકવાર ફરીથી પાકિસ્તાનના ફાસ્ટ  બોલર શાહીન શાહ આફ્રીદી વિરુદ્ધ ફ્લોપ જોવા મળ્યા. આ બંને દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ શાહીનનો તોડ કાઢી શક્યા નથી. રોહિત અને કોહલીને શાહીને બોલ્ડ કર્યા. આ અગાઉ 2021માં ટી 20 વર્લ્ડ કપમાં પણ રોહિત અને  કોહલીનો સામનો શાહીન સામે થયો હતો. ત્યારે પણ શાહીને જ બંનેને આઉટ કર્યા હતા. ગત ભૂલોથી પાઠ ન ભણ્યો અને આ વખતે પણ શાહીનનો જ ભોગ બન્યા. 

4. નીચલા ક્રમના બેટ્સમેનોએ પણ ચાલતી પકડી
પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચમાં ભારતીય ટીમે 66 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઈશાન કિશન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમને સંભાળી. બંનેએ મળીને 5મી વિકેટ માટે 138 રન કર્યા. ત્યારબાદ આશા હતી કે 7માં નંબરે રવિન્દ્ર જાડેજા, 8માં નંબરે શાર્દુલ ટીમને આગળ વધારશે. પરંતુ એવું બન્યું નહીં. જાડેજા 14 રન અને શાર્દુલ 3 રનમાં આઉટ થઈ ગયા. જસપ્રીત બુમરાહે સારા શોટ માર્યા પરંતુ તે ણ 16 રન જ કરી શક્યો. કુલદીપ યાદવે 4 રન કર્યાં. આમ નીચલા ક્રમના બેટ્સમેને સાથ આપ્યો નહીં અને ટીમ 266 રને આઉટ થઈ ગઈ. વર્લ્ડ કપ પહેલા આ મુદ્દે પણ સુધારો કરવાની જરૂર છે. 

5. મોટી પાર્ટનરશીપની કમી
પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમને એક સબક એ પણ મળ્યો છે કે આગામી મેચોમાં કોઈ પણ સંજોગોમાં પાર્ટનરશીપ કરવી પડશે. જો કે નેપાળ વિરુદ્ધ ભારતની ઓપનિંગ જોડીએ અણનમ 147 રન કર્યા. પરંતુ  મોટી ટીમો વિરુદ્ધ પણ આવું પ્રદર્શન કરવું પડશે. પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં મુશ્કેલ સ્થિતિમાં ઈશાન અને હાર્દિકે 5મી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી. આ સવાય બીજી મોટી પાર્ટનરશીપ ફક્ત 35 રનની હતી. જે જાડેજા અને હાર્દિકે કરી હતી. જો ટોપ 4 બેટ્સમેનમાંથી કોઈ એક જણે ફિફ્ટી માર્યા હોત તો ટીમનો સ્કોર 300 પાર ગયો હોત. કે પછી નીચલા ક્રમમાં એક 50 રન જેટલી પાર્ટનરશીપ થવી જરૂરી હતી. પરંતુ હવે જો વર્લ્ડ કપ જીતવો હોય અને આગળ પણ દમદાર પ્રદર્શન કરવું હોય તો આ મામલે મજબૂત તૈયારી કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news