World Cup: વર્લ્ડ કપના કાર્યક્રમ પર BCCI નો છે આ પ્લાન, તારીખ પણ આવી સામે!
ODI World Cup: આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વિશ્વકપ ભારતની યજમાનીમાં રમાવાનો છે, જેનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. પરંતુ હવે નવી માહિતી સામે આવી છે કે આવતા સપ્તાહે વિશ્વકપના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ICC ODI World Cup-2023 : ભારતની યજમાનીમાં આ વર્ષના અંતમાં યોજાનાર વર્લ્ડકપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપ ક્વોલિફાયરના મુકાબલા રમાઈ રહ્યાં છે. આઈસીસી તરફથી હજુ આ ક્રિકેટના મહાકુંભનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. ક્રિકેટ ફેન્સને જલદી તેનું શેડ્યૂલ મળી શકે છે, તે માટે બીસીસીઆઈએ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.
આ વર્ષના અંતમાં વનડે વર્લ્ડકપ રમાવાનો છે. આશા છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં તેનું આયોજન થશે. દેશના ઘણા શહેરોમાં વર્લ્ડ કપના મુકાબલા રમાવાના છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડકપને લઈને ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને મોકલી આપ્યું છે, પરંતુ તેના પર અંતિમ નિર્ણય લેવાઈ શક્યો નથી.
27 જૂને થશે જાહેરાત
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી સપ્તાહે વનડે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે. ક્રિકબઝના એક રિપોર્ટ પ્રમાણે વનડે વિશ્વકપની જાહેરાત 27 જૂને મુંબઈમાં કરી શકાય છે. તે માટે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે, જેમાં વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
પાકિસ્તાનને છે વાંધો
આ વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ન થવા પાછળ પાકિસ્તાન છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી અત્યાર સુધી ડ્રાફ્ટ શેડ્યૂલ પર સહમતિ બની શકી નથી. પાકિસ્તાન બોર્ડે હજુ સુધી શેડ્યૂલને લઈને આઈસીસીની પાસે મંજૂરી મોકલી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ માટે સ્થાનમાં ફેરફારની માંગ કરી હતી, જેને આઈસીસી અને બીસીસીઆઈએ નકારી દીધી છે.
આઈસીસીનો ઈનકાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસી પાસે પોતાની ટીમના બે મુકાબલાના વેન્યૂમાં ફેરફારની માંગ કરી હતી. પીસીબી ઈચ્છતું હતું કે અફઘાનિસ્તાન વિરુદ્ધ ચેન્નઈમાં જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરૂમાં રમાનાર મુકાબલામાં ફેરફાર કરવામાં આવે. પરંતુ તેની માંગ નકારી દેવામાં આવી છે. આ પહેલા પાકિસ્તાને ભારતમાં આઈસીસી ટૂર્નામેન્ટ ન રમવાની ધમકી પણ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે