ગજબઃ 16 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 5 રન પણ ન બનાવી શક્યો કોઈ બેટર, બની ગયો શરમજનક રેકોર્ડ

Zimbabwe Domestic Twenty20 Competition: ઝિમ્બાબ્વેની એક ટી20 લીગમાં 230 રનના ટાર્ગેટની સામે એક ટીમ 16 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેનો કોઈ બેટર પાંચ રન પણ બનાવી શક્યો નહીં. 

ગજબઃ 16 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 5 રન પણ ન બનાવી શક્યો કોઈ બેટર, બની ગયો શરમજનક રેકોર્ડ

નવી દિલ્હીઃ Zimbabwe Domestic Twenty20 Competition: ટી20 ક્રિકેટમાં ઝડપથી રન બનાવવાના ચક્કરમાં આપણે ઘણી ટીમને સસ્તામાં ઓલઆઉટ થતાં જોઈ છે. કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં તો ઘણી ટીમો પ્રેશરમાં જલ્દી પેવેલિયન પરત ફરી જાય છે. કંઈક આવું ઝિમ્બાબ્વેની એક ટી20 લીગમાં થયું છે. 230 રનના ટાર્ગેટની સામે એક ટીમ માત્ર 16 રનમાં ઢેર થઈ ગઈ. ત્યાં સુધી કે ટીમનો કોઈ બેટર 5 રન પણ બનાવી શક્યો નહીં. ફાઈનલમાં હારની સાથે તેના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. 

બાસ ડી લીડેની તોફાની બેટિંગ
ઝિમ્બાબ્વેની ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 9 માર્ચે રમાઈ હતી. આ મેચમાં મેશોનાલેન્ડ ઈગલ્સનો સામનો ડરહમથી થયો. ડરહમની ટીમે ટોસ જીત્યો અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં ડહરમની ટીમે 6 વિકેટ ગુમાવી 229 રન ફટકારી દીધા હતા. તેના માટે ઈંગ્લેન્ડના ઓલી રોબિન્સન, હેડન મસ્ટર્ડ અને નેધરલેન્ડના બાસ ડી લીડેએ તોફાની ઈનિંગ રમી હતી. લીડેએ 29 બોલમાં 58 રન ફટકાર્યા હતા. રોબિન્સને 20 બોલમાં 49 રન બનાવ્યા હતા. તો મસ્ટર્ડે 22 બોલમાં 46 રન ફટકાર્યા હતા. 

5 બેટરો શૂન્ય પર આઉટ
ઈગલ્સની સામે 230 રનનો ટાર્ગેટ હતો. તેની ટીમનો ધબડકો થયો હતો. ઈગલ્સની ટીમ 8.1 ઓવરમાં 16 રન પર આઉટ થઈ ગઈ હતી. 49 બોલની અંદર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના કેપ્ટન ચામૂ ચિભાભા અને તપિવા મુફુદઝાએ 4-4 રન બનાવ્યા હતા. કેગ ઈર્વિન, નિકલ વેલ્શ, હમઝા શાહિદ, તિનાશે કામુનહુકામવે અને તાદીવાશાં મારૂમાની તો શૂન્ય પર આઉટ થયા હતા. કેલમ પાર્કિસન, પોલ કફલિન અને લ્યૂક રોબિન્સને બે-બે વિકેટ ઝડપી હતી. બેટિંગમાં કમાલ કરનાર બાસ ડી લીડેએ બોલિંગમાં પણ એક વિકેટ લીધી હતી. ડરહમની ટીમે 213 રનથી મેચ જીતી હતી. 

ટી20માં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ
ઈગલ્સે ટી20 ક્રિકેટમાં ત્રીજો સૌથી નાનો સ્કોર બનાવ્યો છે. આઇલ ઓફ મેનની ટીમના નામે સૌથી ઓછા 10 રન બનાવવાનો શરમજનક રેકોર્ડ છે. બિગ બેશમાં  સિડની થંડરની ટીમ એકવાર 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ઈગલ્સની ટીમ ત્રીજા સ્થાને આવી ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news