હરમનના સમર્થન બાદ પોવારે કોચ પદ માટે ફરી કરી અરજી
હરમનપ્રીત અને સ્મૃતિએ પહેલા જ કહ્યું કે, તે ઈચ્છે છે કે પોવાર કોચ પદે યથાવત રહે, જ્યારે મિતાલી તેની વાપસીની વિરુદ્ધમાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના સમર્થન બાદ રમેશ પોવારે મંગળવારે ફરી એકવાર મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે અરજી કરી છે.
મહિલા કોચના રૂપમાં પોવારના વિવાદાસ્પદ કાર્યકાળનો અંત 30 નવેમ્બરે થયો હતો. 40 વર્ષીય પૂર્વ ભારતીય સ્પિનરે પીટીઆઈને જાણકારી આપી કે, તેણે અરજી કરી છે.
પોવારે કહ્યું, મેં અરજી કરી છે કારણ કે, સ્મૃતિ અને હરમનપ્રીતે મારૂ સમર્થન કર્યું અને હું અરજી ન કરીને તેને નિરાશ કરવા ઈચ્છતો નથી.
પોવારના માર્ગદર્શનમાં ભારતીય ટીમ ગત મહિને ટી20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. પોવાર અને હરમનપ્રીત સહિત ટીમ મેનેજમેન્ટે નોકઆઉટ મેચમાં સીનિયર ખેલાડી મિતાલી રાજને બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો, જેના પર ખૂબ વિવાદ થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝથી પરત ફર્યા બાદ મિતાલીએ પોવાર અને પ્રશાસકોની સમિતિની સભ્ય ડાયના એડુલજી પર તેના કરિયરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો અને તેના વિરુદ્ધ ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પોવારે પણ મિતાલી પર આરોપ લગાવ્યો હતો કે, તેણે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં ન રમાડવા પર ટી20 વિશ્વકપ વચ્ચે નિવૃતી લેવાની ધમકી આપી અને ટીમમાં સમસ્યા ઉભી કરી હતી.
આ વિવાદ બાદ બીસીસીઆઈએ કોચ પદ માટે ફરીથી અરજી મંગાવવાનો નિર્ણય કર્યો અને તે માટે 14 ડિસેમ્બર અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. હરમનપ્રીત અને સ્મૃતિએ પહેલા જ કહ્યું કે, તે ઈચ્છે છે કે પોવાર કોચ પદે યથાવત રહે, જ્યારે મિતાલી તેની વાપસીની વિરુદ્ધમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે