પાકિસ્તાન ઓપનર અઝહર અલીએ વનડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટેસ્ટમાં રમશે
અઝહર લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. તે પાકિસ્તાનની વનડે ટીમનો નિયમિત સભ્ય નથી. તેણે અંતિમ વનડે આ વર્ષે જાન્યુઆરીમાં રમી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન તથા પૂર્વ કેપ્ટન અઝહર અલીએ ટેસ્ટ કરિયર પર ધ્યાન આપવા માટે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. અઝહરે ગુરૂવારે સંવાદદાતા સંમેલમાં એકદિવસીય ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી.
ક્રિકઈન્ફોએ અઝહરના હવાલાથી લખ્યું છે, મેં આ નિર્ણય અચાનક લીધો નથી. હું આ વિશે ઘણા દિવસથી વિચારી રહ્યો હતો. આ ટેસ્ટ પર ધ્યાન આપવાનો યોગ્ય સમય છે. પાકિસ્તાનની પાસે વનડેમાં ઘણા શાનદાર ખેલાડી છે.
અઝહર પાકિસ્તાનની વનડે ટીમમાં નિયમિત સભ્ય ન હતો. તે લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. તેણે પોતાની અંતિમ વનડે આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. આ શ્રેણી બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે ક્યારેય પાકિસ્તાનની ટી-20 ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.
તેણે કહ્યું, હું કોઈ પ્રકારનો ભાર લઈને સંન્યાસ લઈ રહ્યો નથી. આ મારો વ્યક્તિગત નિર્ણય છે. હું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ પર કેન્દ્રીત કરવા ઈચ્છું છું અને મારા કરિયરના રેકોર્ડને સુધારવા માંગુ છું. મને કોઈ પ્રકારનો પસ્તાવો નથી, કારણ કે મેં પૂરો પ્રયત્ન કર્યો છે.
અઝહર પાકિસ્તાની ટીમનું નેતૃત્વ પણ કરી ચુક્યો છે. પૂર્વ કેપ્ટને કહ્યું, એક પૂર્વ કેપ્ટન તરીકે હું ટીમને આવનારી મહત્વની સીઝન માટે શુભકામનાઓ આપું છું. આગળ વિશ્વકપ પણ છે. હું સંપૂર્ણ રીતે સરફરાઝ અહમદનું સમર્થન કરૂ છું. તે ટીમને સારી રીતે લીડ કરી રહ્યો છે.
અઝહરે પાકિસ્તાન માટે 53 વનડે મેચ રમી છે, જેમાં તેણે 36.09ની એવરેજથી 1845 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે ત્રણ સદી અને 12 અર્ધસદી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે