GT vs RR: હાર્દિક પંડ્યાની સેનાએ કર્યો કમાલ, રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઇનલમાં

GT vs RR Qualifier 1: ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની શાનદાર ભાગીદારીની મદદથી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી આઈપીએલ-2022ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

GT vs RR: હાર્દિક પંડ્યાની સેનાએ કર્યો કમાલ, રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઇનલમાં

કોલકત્તા: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે કમાલ કરતા આઈપીએલ-2022ની પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ હવે પોતાના ઘરઆંગણે 29 મેએ ફાઇનલ મેચ રમશે. તો પરાજય બાદ પણ રાજસ્થાન રોયલ્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. હવે રાજસ્થાન રોયલ્સની ટીમ એલિમિનેટરની વિજેતા સામે શુક્રવારે ટકરાશે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.3 ઓવરમાં 3 વિકેટે 191 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરની વિજયી ભાગીદારી
ગુજરાતે 85 રનમાં ત્રણ વિકેટ બનાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે ચોથી વિકેટ માટે અણનમ 106 રનની ભાગીદારી કરી ગુજરાતને શાનદાર જીત અપાવી હતી. ડેવિડ મિલરે 38 બોલમાં 5 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ 68 રન બનાવ્યા હતા. તો હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 40 રન ફટકાર્યા હતા. 

સાહા પ્રથમ ઓવરમાં આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને ઈનિંગના બીજા બોલ પર ઝટકો લાગ્યો હતો. રિદ્ધિમાન સાહા ખાતુ ખોલાવ્યા વગર બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ અને શુભમન ગિલે ઈનિંગ સંભાળી હતી. ટાઈટન્સે પાવરપ્લેમાં 1 વિકેટે 64 રન બનાવ્યા હતા. 

વેડ, ગિલ સારી શરૂઆત બાદ આઉટ
ગુજરાતનો સ્કોર 72 રન હતો ત્યારે શુભમન ગિલ 21 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 35 રન બનાવી રનઆઉટ થયો હતો. ગિલ અને વેડે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ મેથ્યૂ વેડ 30 બોલમાં છ ચોગ્ગા સાથે 35 રન બનાવી મેકોયનો શિકાર બન્યો હતો. 

જોશ બટલરના 700 રન પૂરા
રાજસ્થાન રોયલ્સ માટે આ સીઝનમાં જોસ બટલરનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. જોશ બટલરે સીઝનની પ્રથમ 7 મેચમાં જ ત્રણ સદી ફટકારી દીધી હતી. પરંતુ લીગની છેલ્લી સાત મેચમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. પરંતુ આજે ક્વોલિફાયર મુકાબલામાં જોશ બટલરે ઉપયોગી ઈનિંગ રમી હતી. બટલરનું બેટ 16મી ઓવર સુધી શાંત રહ્યુ પરંતુ અંતિમ ચાર ઓવરમાં ફટકાબાજી કરી હતી. બટલરે 56 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 89 રન ફટકાર્યા છે. આ સાથે બટલર આઈપીએલ-2022માં 700 રન ફટકારનાર પ્રથમ બેટર છે. 

પાવરપ્લેમાં સંજૂ સેમસનની આક્રમક બેટિંગ
રાજસ્થાન રોયલ્સને 11 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. જયસ્વાલ માત્ર 3 રન બનાવી યશ દયાલનો શિકાર બન્યો હતો. પરંતુ ત્યારબાદ સંજૂ સેમસને પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરી હતી. સંજૂએ બટલર સાથે બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. સંજૂ 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. 

રાજસ્થાન તરફથી દેવદત્ત પડિક્કલે 20 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયર 4 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. રિયાન પરાગે 4 રન બનાવ્યા હતા. અશ્વિન 2 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ગુજરાત તરફથી મોહમ્મદ શમી, યશ દયાલ, સાઈ કિશોર અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news